દેશની મહિલાઓ ગુસ્સામાં છે. હા, એ વાત સાચી છે. વર્ષોથી રાજકારણમાં એના નામે છળકપટ થાય છે. ભારતને આઝાદ થયે ૭૮ વર્ષ થયાં, પણ સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૧૫-૧૬ ટકાથી વધ્યું નથી. એટલે જ મહિલા આરક્ષણ આવશ્યક છે. સંસદમાં મહિલાઓ માટે ૩૩ ટકા આરક્ષણ હોવું જોઈએ એ પ્રસ્તાવ પહેલી વાર બંધારણના ૮૧ મા સુધારા તરીકે ૧૯૯૬માં રજૂ થયો હતો, ત્યારથી લઈને આજ સુધી એક યા બીજાં કારણોસર મહિલાઓ એમના અધિકાર સુધી પહોંચી નથી શકી. ૧૯૯૬માં દેવગોવડા વડા પ્રધાન હતા ત્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદોએ લોકસભામાં વચ્ચે આવીને ખરડાના કાગળો ફાડી વિરોધ કર્યો હતો.
આરક્ષણની અંદર જેમ એસ.સી./એસ.ટી. માટે ઉપઆરક્ષણની જોગવાઈઓ હતી, તેવી જ ઓ.બી.સી વર્ગની મહિલા માટે હોવી જોઈએ એવી તેમની માંગ હતી, કારણકે એ સિવાય મહિલા આરક્ષણનો લાભ માત્ર ભદ્ર વર્ગની મહિલાઓને જ મળશે એવી દલીલ હતી. જ્ઞાતિ વ્યવસ્થાના ઉચ્ચ-નીચમાં વહેંચાયેલા સમાજમાં એ ડર ગેરવ્યાજબી પણ ન હતો અને પરિણામે આરક્ષણનો અમલ પાછળ ધકેલાયો. ત્યાર બાદ અટલબિહારી વાજપેયી તેમજ મનમોહનસિંઘની સરકાર પણ ખરડો સંસદમાં લાવી પણ આ સમગ્ર સમય ગઠબંધનની સરકારોનો હતો. સાથી પક્ષોના વિરોધને કારણે અમલ પાછળ ધકેલાતો ગયો. મુખ્ય પ્રશ્ન તો ઓ.બી.સી.ના ક્વોટાનો જ હતો.
પણ, વિડંબણા તો જુઓ, ૨૦૨૩ માં જ્યારે મહિલા આરક્ષણ માટે નારીશક્તિ-વંદના અધિનિયમના સ્વરૂપે આવ્યો ત્યારે સરકાર પાસે સ્પષ્ટ બહુમતી હતી અને ગઠબંધન સાચવવાનું દબાણ નહોતું, વળી વિપક્ષોએ પણ સર્વાનુમતે ખરડાને સમર્થન આપ્યું હતું. ત્યારે, સંસદીય લોકશાહીના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે કાયદો તો પસાર થઇ ગયો પણ આગામી પાંચ-છ વર્ષ સુધી સુષુપ્તાવસ્થામાં જતો રહ્યો! સર્વાનુમતે છતાં સરકારને લાગ્યું કે જો અમલ કરવો જ છે તો નવી વસતી ગણતરીના આધારે સંસદીય વિસ્તારોના નવા સીમાંકન થઇ જાય પછી યોગ્ય રીતે અમલ કરીએ. જે ૨૦૨૬ પછી જ થઇ શકે એવી સમજુતી ૨૦૦૧માં થઇ હતી!
સીમાંકન અને મહિલા આરક્ષણ વચ્ચે શું સંબંધ હતો તે ત્યારે પણ નહોતું સમજાયું કે નથી આજે સમજાતું. નવું સીમાંકન જ જો પાયો રાખવો હોય તો નવી વસતી ગણતરી પ્રમાણે જ હોય એ તાર્કિક છે એટલે જ્યારે સરકારને જો મહિલા આરક્ષણના તાત્કાલિક અમલની આવશ્યકતા લાગતી હોય તો સીમાંકન સાથે જોડતી જોગવાઈ હટાવી લે, કારણકે આમેય મહિલા આરક્ષણ અને સીમાંકન બે અલગ મુદ્દા છે. ૧૬ થી ૧૮ એપ્રિલ વચ્ચે જ્યારે સંસદનું ખાસ સત્ર મળ્યું ત્યારે આ બંને વચ્ચેના સંબંધની અનિવાર્યતા પર પ્રકાશ પડશે એવી અપેક્ષા હતી પણ પાછલા દસ દિવસમાં થયેલી કોઈ પણ ચર્ચામાં એવી કોઈ સ્પષ્ટતા થઇ નહિ અને ફરી એક વાર મહિલા આરક્ષણ સીમાંકનના મુદ્દે પાછું ઠેલાયું!
સંસદમાં હારી ગયા પછી, સત્તા પક્ષનાં કાર્યકરો હવે રસ્તાઓ પર ઊતરી આવ્યાં છે, જાણે કે તે પોતે જ વિપક્ષ હોય! પ્રધાન મંત્રીએ રાષ્ટ્રને જોગ સંબોધનના કેન્દ્રસ્થાને વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની ભૂમિકાને વગોવવાનું હતું, પણ કેટલાક પાયાના પ્રશ્નોના જવાબ આખી ચર્ચામાંથી જડી નથી રહ્યા. સરકાર મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે એટલી ચિંતિત છે, તો પછી સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલ મહિલા આરક્ષણ અધિનિયમને હજુ સુધી અમલમાં કેમ નથી મૂક્યો? ૨૦૨૩માં જ જ્યારે બધા પક્ષો સંમત હતા ત્યારે નવી વસતી ગણતરી અને નવા સીમાંકન સાથે એને જોડવામાં શું તર્ક હતો?
હવે જ્યારે અચાનક ઉતાવળે નારીશક્તિ-વંદના અધિનિયમને માટે ખાસ સત્ર બોલાવવામાં આવ્યું તો નવા ખરડા માટે કેમ કોઈનાં સૂચનો મંગાવવાની જરૂર જ ના જણાઈ? અને સુધારા ખરડા પર મતદાન હતું એના બરાબર એક દિવસ પહેલાં જ કેમ આ અધિનિયમને સૂચિત કરવામાં આવ્યો? વિરોધ પક્ષો સંસદમાં ચર્ચા કરી શકે પણ, મહિલા સંગઠનો, મહિલાઓના હક માટે કામ કરતા સ્વયંસેવકો કે પ્રોફેશનલો તો સંસદમાં આવીને પોતાનાં મંતવ્યો આપી શકવાનાં નથી. આટલા મહત્ત્વના બંધારણીય ફેરફારમાં એમના અભિપ્રાયનું મહત્ત્વ તો કેમનું ચૂકી જવાય? મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવા માટે લોકસભાની સંખ્યામાં વધારો શા માટે જરૂરી છે? પચાસ ટકા વધારાના સૂચન પાછળનો તર્ક શું? વસ્તીમાં કયા પ્રકારે બદલાવ આવ્યો છે એ તો આપણને હજુ ખબર જ નથી!
પંચાયતના મહિલા આરક્ષણના અનુભવે એટલું સમજાયું છે કે માત્ર આરક્ષણ અમલમાં લાવવાથી આપોઆપ સ્ત્રી સશક્તિકરણ થઇ જતું નથી. મહિલા ઉમેદવાર પાસે ચૂંટણી લડવા માટે જરૂરી સંસાધનો જ નથી હોતાં અને રાજકીય પક્ષો પણ મહિલા ઉમેદવાર માટે ઉદાસીન જ હોય છે, માટે એ પરામર્શની જરૂર છે કે મહિલા ઉમેદવારોને ટેકો કઈ રીતે કરી શકાય. રાજકીય પક્ષે પોતાના ઉમેદવાર માટે આર્થિક અને સામાજિક મદદ માટે ઇકોસિસ્ટમ કઈ રીતે ઊભી કરી શકે. જો આ મુદ્દે કોઈ ઠોસ માહોલ બંધાશે તો મહિલા સશક્તિકરણની દિશામાં સાચું પગલું ભરાશે. બાકી, જો મહિલાના અધિકારની વાતો ચૂંટણી પ્રચાર પૂરતી મર્યાદિત રહેશે તો મહિલાઓ નારાજ થશે જ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે