Editorial

દેશમાં ક્રેડિટ કાર્ડ્સમાં ઉછાળાની સાથે ડિફોલ્ટરો પણ વધી રહ્યા છે

ક્રેડિટ કાર્ડ ચૂકવણીની આધુનિક સુવિધાજનક પદ્ધતિ ગણાય છે.તેઓ નાણાકીય સ્વતંત્રતા અને સુલભતાના સાધન તરીકે વિકસિત થયા છે.  જો કે,  ઘણી વ્યક્તિઓ માટે ક્રેડિટ કાર્ડના દેવું અને આર્થિક તંગીના જોખમી માર્ગે દોરી જાય છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં ક્રેડિટ કાર્ડધારકોની સંખ્યા ખૂબ વધી છે અને તે સાથે દેશમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે અને તેને પગલે ક્રેડિટ કાર્ડ વડે કરાયેલા ખર્ચની ચૂકવવાની બાકી રકમ નહીં ચુકવી શકનાર ડિફોલ્ટરો પણ ખૂબ વધ્યાં છે.ભારતમાં  ક્રેડિટ કાર્ડ મેળવવું આજે પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે, બેંકો અને નાણાકીય સંસ્થાઓ આક્રમક રીતે દેશભરના ગ્રાહકોને તેમની ક્રેડિટ કાર્ડ પધરાવી રહી છે. જો કે ઘણા લોકો માટે, ખરીદી કરવાની આ શક્તિ દુઃસ્વપ્નમાં પરિણમે છે, કેટલાક ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી કરવા માટે વ્યક્તિગત લોન લેવાનો માર્ગ અપનાવે છે!

છેલ્લા થોડાક વર્ષોમાં ભારતે ક્રેડિટ કાર્ડ્સને આશ્ચર્યજનક ગતિએ અપનાવ્યા છે. માત્ર એક દાયકા પહેલાં, ક્રેડિટ કાર્ડ્સ ખૂબ ઓછા પ્રમાણમાં ચલણમાં હતાજેમાં કડક પાત્રતાના માપદંડો હતા અને પુરતી ચકાસણી પછી જ કોઈ વ્યક્તિને ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવતા હતા. પણ આજકાલ બેંકો અને ફાયનાન્સ કંપનીઓ ચણા મમરાની જેમ લોકોને ક્રેડિટ કાર્ડ આપી રહી છે. આનો દેખીતો હેતુ લોકો પાસે ક્રેડિટ કાર્ડ મારફતે વધુ ખર્ચ કરાવીને વ્યાજની કમાણી કરવાનો છે.

કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીઓ અને બેંકો સહકાર કરીને ક્રેડિટ કાર્ડ વડે મોંઘી ચીજ વસ્તુઓની ખરીદી માટે આકર્ષક ઓફરો મૂકે છે અને પછી બિનજરૂરી વસ્તુઓની ખરીદી અને ગજા બહારના ખર્ચનું એક વિષચક્ર શરૂ થાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર 2011 સુધીમાં ભારતમાં 2 કરોડ કરતા પણ ઓછા સક્રિય ક્રેડિટ કાર્ડ હતા અને આ આંકડો 2014 ના અંત સુધીમાંવધીને માત્ર 2 કરોડ (2,03,62,859) થયો.   એટલે કે ત્રણ વર્ષમાં થોડો વધારો થયો.

2018 ના અંત સુધીમાં, સક્રિય કાર્ડ્સની સંખ્યા 4.4 કરોડ હતી. 2011 ની સરખામણીમાં 2018 માં ક્રેડિટ કાર્ડની સંખ્યા બમણી થઈ હોવા છતાં, તે 2019 અને 2023 ની વચ્ચે જોવા મળેલી તેજીની તુલનામાં તો કંઈ નથી. આ સમયગાળા દરમિયાન, દેશમાં સક્રિય ક્રેડિટ કાર્ડ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે – ડિસેમ્બર 2019 સુધીમાં 5.5 કરોડ (5,53,32,847) થી જાન્યુઆરી 2024 સુધીમાં લગભગ 10 કરોડ (9,95,00,257) ક્રેડિટ કાર્ડ દેશમાં સક્રિય થઈ ગયા. આ આંકડો દેશમાં સક્રિય ક્રેડિટ કાર્ડની સંખ્યામાં 81% નો વધારો દર્શાવે છે.

માત્ર 2023 માં, 1.6 કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા, જ્યારે એક વર્ષ અગાઉ 1.2 કરોડ ક્રેડિટ કાર્ડ ઉમેરવામાં આવ્યા હતા. ભારતમા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડ્સની સંખ્યા સાથે, તેમના દ્વારા થતો ખર્ચ પણ ખૂબ વધી રહ્યો છે ઑક્ટોબર 2023માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 1.72 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો. અને છેલ્લા ત્રણ મહિનામાં, ભારતીયોએ ક્રેડિટ કાર્ડ દ્વારા લગભગ રૂ. 5 લાખ કરોડ ખર્ચ્યા છે – જે ભારતના કુલ જીડીપીના લગભગ 2% છે! આ સાથે જ બાકી રકમની ચુકવણી નહીં કરતા કે નહીં કરી શકતા ડિફોલ્ટરો પણ વધી રહ્યા છે, ડિફોલ્ટની રકમ પણ વધી રહી છે. 2022-23માં ક્રેડિટ કાર્ડની ડિફોલ્ટ રૂ. 4,072 કરોડ હતી, જે 2021-22માં રૂ. 3,122 કરોડની ડિફોલ્ટ કરતાં રૂ. 950 કરોડ વધારે હતી.

આ ચિંતાજનક વલણે રિઝર્વ બેંકનું ધ્યાન પણ ખેંચ્યું છે.  RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI આ સ્ટ્રેસને ઓળખવા માટે વ્યક્તિગત અથવા અસુરક્ષિત લોનના કેટલાક ઘટકો પર નજર રાખી રહી છે. મોટા ભાગના લોકો કે જેઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરે છે તેઓ સામાન્ય રીતે નો-કોસ્ટ અથવા ઓછી કિંમતની EMI જેવી આકર્ષક ઑફરોથી લલચાય છે, જે લગભગ તમામ પ્રોડક્ટ્સ ઓનલાઈન અને ફિઝિકલ સ્ટોર્સ  પણ આપે છે.

આ ઑફર્સ ઘણી બધી ખરીદી તરફ દોરી જાય છે, અને ક્રેડિટ કાર્ડનુ બાકી બેલેન્સ સતત વધતું જાય છે.  સૌથી ખરાબ બાબત એ છે કે અમુક સમયગાળા પછી, બાકી રકમ પર વ્યાજ દર ચક્રવૃદ્ધિ થતો રહે છે અને કાર્ડ ધારક છેવટે ડિફોલ્ટર બને છે. અમેરિકા જેવા દેશોની દેખાદેખીમાં લોકો ઉધારી કરીને મોજમજા કરવાની વૃત્તિ અપનાવી રહ્યા છે અને બેંકો તથા કંપનીઓ તેને ઉત્તેજન આપે છે. જો આ સત્વરે રોકવામાં નહીં આવે તો પ્રજાનું અને દેશના અર્થતંત્રનું મોટું અહિત થઇ શકે છે.

Most Popular

To Top