National

૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવી તે અંતિમ લક્ષ્ય: સોનિયા

આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે ટોચના વિપક્ષી નેતાઓને કહ્યું હતું, જ્યારે તેમણે ભાજપ-વિરોધી બળોની એક વિશાળ એકતાની હિમાયત કરી હતી.

આ લક્ષ્ય માટે કાર્ય કરતી વખતે કોંગ્રેસમાં કોઇ કચાશ જણાશે નહીં એમ સોનિયા ગાંધીએ આજે ૧૯ વિરોધ પક્ષોના નેતાઓની એક વર્ચ્યુઅલ બેઠકને જણાવ્યું હતું જેમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતાનું ૭પમુ વર્ષ એ આપણા વ્યક્તિગત અને સામૂહિક નિર્ધારને મક્કમ બનાવવા માટેનો એક યોગ્ય અવસર છે.

અલબત્ત, છેવટનું લક્ષ્ય એ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી છે જેના માટે આપણે પદ્ધતિસર આયોજન શરૂ કરવાનું છે જેમાં એક સમાન હેતુ આપણા દેશને એક એવી સરકાર આપવાનો હોય કે જે સ્વાતંત્ર્ય ચળવળના મૂલ્યોમાં માને અને આપણા બંધારણના સિદ્ધાંતો તથા જોગવાઇઓમાં માનતી હોય એ મુજબ તેમણે કહ્યું હતું. આ એક પડકાર છે પણ ભેગા મળીને આપણે તે કરી શકીએ છીએ અને આપણે તે માટે ઉભા થવું જ જોઇએ કારણ કે ભેગા મળીને કામ કરવા સિવાય સીધી રીતે બીજો કોઇ વિકલ્પ પણ નથી. આપણને બધાને આપણી મજબૂરીઓ છે, પણ સ્પષ્ટપણે, સમય આવી ગયો છે જ્યારે દેશના હિતો માગણી કરી રહ્યા છે કે આપણે મજબૂરીઓમાંથી ઉપર ઉઠીએ.

આ વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર, ટીએમસીના વડા મમતા બેનરજી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને ડીએમકેના એમકે સ્ટાલિન તથા અન્ય અનેક મોટા નેતાઓએ ભાગ લીધો હતો. મમતા બેનરજીએ પણ પક્ષોને તેમના મતભેદો બાજુએ મૂકવા વિનંતી કરી હતી.

કયા પક્ષોએ ભાગ લીધો? કોણે ભાગ નહીં લીધો?

સોનિયા ગાંધીએ આયોજીત કરેલ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, ડીએમકે, શિવ સેના, જેએમએમ, સીપીઆઇ, સીપીઆઇ(એમ), નેશનલ કોન્ફરન્સ, રાજદ, એઆઇયુડીએફ, વીસીકે, એલજેડી, જેડી(એસ), આરએસપી, રાલોદ, કેરાલા કોંગ્રેસ(મણી), પીડીપી અને આઇયુએમએલના નેતાઓએ ભાગ લીધો હતો, જ્યારે આપ, બસપા અને સપા તરફથી કોઇએ ભાગ લીધો ન હતો.

સરકારની નીતિઓ સામે ૨૦થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

બેઠક પછી જારી કરવામાં આવેલ એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે વિરોધ પક્ષો ૨૦-૩૦ સપ્ટેમ્બર દરમ્યાન સંયુક્તપણે વિરોધોનું આયોજન કરશે. આ જાહેર વિરોધ પ્રદર્શનોનું સ્વરૂપ પક્ષોના રાજ્ય એકમો નક્કી કરશે, અને તે જે-તે રાજ્યમાં પ્રવર્તતી કોવિડની સ્થિતિ પર પણ આધારિત રહેશે.

Most Popular

To Top