Charchapatra

પંજામાં ખીલશે કમળ?

રાજનીતિમાં ખાસ કરીને આપણા દેશમાં કંઈ જ કહી શકાય નહીં.કોઈ કોઈનું દોસ્ત કે કોઈ કોઈનું દુશ્મન હોતું નથી.બસ નેતાઓ પાસેથી લોકો બીજું કંઈ નહીં તો આટલું જ શીખી લે તો પણ તેમનો બેડો પાર થઈ જાય.કોઈ વિચારધારા,કોઈ લાજ શરમ,કોઈ ધર્મ,કોઈ નીતિ કંઈ જ આ લોકોને નડતું નથી.એક સામાન્ય માણસ જ છે કે જે આખી જિંદગી ભાઈ સાથે કે પાડોશી સાથે કે પછી જેની સાથે એને અણબનાવ થયો હોય તેનો આખી જિંદગી ખભા પર ભાર લઈને ફર્યા કરે છે.આજે જે રીતે ગુજરાત ભાજપમાં રોજ કોંગ્રેસના નેતાઓ હોલસેલના ભાવે આવી રહ્યા છે તે જોતાં આવનારા સમયમાં ભાજપના પીઢ કાર્યકર કે પીઢ નેતાઓને પણ ઘરે જ બેસવાનો વારો આવશે. પાર્ટી શિસ્ત ફકત તમને જ લાગું પડશે.આવનારા સમયમાં જેની પાસે રૂપિયા કે પછી જેનો મોટો સમાજ કે જેની પાછળ મોટો જન સમૂહ હશે ફકત તેને જ તક મળશે.બાકી તમારી વફાદારી,ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, યોગ્યતા, શિક્ષણ એ ફકત તમને દેવદુર્લભ કાર્યકર જ બનાવશે, નેતા નહીં.કાલ સુધી જે પંજો દેશની તિજોરી ખાલી કરતો હતો એમ કહેતા હતા તે પંજો આજે સમગ્ર ગુજરાત ભાજપના કમળ પર છવાઈ ગયો છે. ગુજરાત મોડલ ફેલ છે અને ૨૭ વર્ષના શાસનમાં સરકાર નિષ્ફળ ગઈ છે તે વાતનો આ જીવતો જાગતો પુરાવો છે.બાકી વિશ્વની સૌથી મોટી પાર્ટી,સૌથી વધુ કાર્યકર અને જેની પાસે વિશ્વગુરુ છે તેને યેનકેન સત્તા જાળવી રાખવા આ જ પંજા પર નિર્ભર રહેવું પડે છે.એનો મતલબ સીધો એ પણ થાય કે કોંગ્રેસે ૭૦ વર્ષ જે કર્યું તે બધું સાચું જ હતું.
સુરત     – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મોબાઈલ, હકારાત્મક અભિગમથી
સતત ડિજિટલ થઈ રહેલી આ દુનિયામાં, મોબાઈલ બાળકથી લઈને વૃધ્ધોના હાથમાં રમકડાંની માફક રમતો જોઈએ છીએ. મોબાઈલના દુષ્પ્રભાવ વિશે ભાષણો આપતાં લોકોની સંખ્યામાં વધારો અકળાવનારો છે. અલબત્ત કોઈ પણ ગેજેટ્સ કે ચીજ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હાનિકારક હોય.સ્વીકાર્ય,પણ વિવેકપૂર્ણ ઉપયોગ સમાજ માટે ફાયદાકારક સાબિત થાય છે એ સ્વીકારવું જ રહ્યું. ચારુલતાબેન અનાજવાળા એક નિવૃત્ત આચાર્યા બહેન છે.જેઓ દર શનિવારે એક નાનકડી વાર્તા અને રવિવારે પ્રસંગોચિત વિડીયો નિયમિત વોટ્સએપ ગૃપમાં મૂકે છે,જે સમાજોપયોગી હોય છે.જેઓ એફ.બી,ઈન્સ્ટ્રા નથી વાપરતા,ફકત વોટ્સએપ વાપરે છે,તેમના માટે ચારુલતાબેનની આ પહેલ આશીર્વાદ સમાન છે.

મોબાઈલનો દુષ્પ્રભાવ છે પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો ફાયદાકારક સાબિત થાય છે.આ વિવેક બહેને જાળવીને સમાજને સાવ અલગ રીતે એક જીવનપ્રેરક મેસેજ પહોંચાડવાનાં શ્રીગણેશ કર્યાં છે,જે અભિનંદનીય છે. દેશનાં અનેક સાહિત્યકારો, લેખકો,કવિઓ,ચિંતકોના વિચારો સોશ્યલ મિડિયા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.આ જ રીતે આદરણીય શ્રી ઉત્તમ ગજ્જર પણ દર શુક્રવારે ‘સુવાચન’ યાત્રાના માધ્યમથી એક પ્રેરક અને પોષક પોસ્ટ નિયમિત વાચન પ્રેમીઓ માટે મોકલે છે.જેનો મોટો વાચક અને ચાહક વર્ગ મોબાઈલ પર છે.માત્ર, એમના માટે જ મોબાઈલ દૂષણ છે જેઓ એનો ઉપયોગ કેમ કરવો તે નથી જાણતા.
સુરત     – અરુણ પંડયા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top