Charchapatra

ક્યાં ગયાં માનવાચક સંબોધન?

આજે 21મી સદીમાં કમ્પ્યુટર લેપટોપની કી બોર્ડની લેખન માટે વધતી જતી ઉપયોગિતાથી લેખનની પ્રવૃત્તિમાં ઓટ આવી શકે છે, જેના કારણે સુંદર મરોડદાર અક્ષર લખવાની એક કળા ધીમે ધીમે પશુ પંખીની જેમ લુપ્ત થતી જાય છે. શિક્ષણ સંસ્થામાં એક યુગ હતો, જેમાં અનુલેખન તથા શ્રુતલેખનની પ્રવૃત્તિ દ્વારા લેખનકાર્ય તથા શ્રવણશક્તિને વર્ગ મળતો.  નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. સુંદર અક્ષરનું લેખન વાંચનાર પર એક વિરાટ છાપ છોડી જાય છે. સમય જતાં કમ્પ્યુટર તથા સ્માર્ટ ફોનના આગમનથી ઈ-મેઈલ સેવા ઝડપી બનતાં અને સસ્તી બનતાં સંદેશા સેકન્ડ કે મિનિટમાં વિશ્વના કોઈ પણ ખૂણે ઝડપથી પહોંચી જાય છે અને જવાબ પણ મળી જાય છે.

લખાણને પ્રિન્ટર વડે કોપી પાત્ર મેળવી શકાય છે. અગાઉના સમયમાં ટપાલ સેવામાં પોસ્ટ કાર્ડ, કવર, અંદરદેશીય પત્રથી સંદેશા લખી મોકલી આપવામાં આવતા, સ્વજનોના પત્રની બારણાં પાસે ઊભા રહી પોસ્ટમેનની કાગડોળે રાહ જોવામાં આવતી. આથી ગણવેશમાં સજ્જ ટપાલી ઘણી વખત સ્વજન કરતાં અતિ પ્રિય સ્વજન જેવા લાગતા. લાલ રંગથી ટપાલપેટી પણ વિશિષ્ટ ભાગ ભજવતી.

 મારી શિક્ષકની નોકરી દરમ્યાન વિદ્યાર્થીને પોસ્ટ કાર્ડ, અરજી લેખન કેવી રીતે લખવું તેની સમજણ આપી, કોના માટે કેવા માનવાચક શબ્દ વાપરવા એવું શિક્ષણ આપવામાં આવતું. વડીલોના સંબોધન માટે પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, વડીલશ્રી, ગુરુજી તથા નાની ઉંમરવાળા માટે ચિરંજીવી, પ્રિય મિત્ર, સખી, આત્મીયશ્રી, આત્મીય જનશ્રી, આદરણીય વગેરે તથા વ્હાલા પુત્ર, પુત્રી, જેવા માનવાચક શબ્દનો ઉપયોગ થતો. અંતમાં પણ આજ્ઞાંકિત પુત્ર, પુત્રી, વિદ્યાર્થી,આપનો વિશ્વાસુ, સહ્રદયી, ભવદીય, ચિરંજીવી, સ્નેહાધીન વગેરે જેવા માનવાચક શબ્દ લખી અરજી, પત્ર લેખનની પૂર્ણાહુતિ કરવામાં આવતી. આજે ફોન પર કોઈ પણ જાતના માનવાચક સંબોધન વગર સીધી જ વાત કરી નાંખવામાં આવે છે. જેથી લુપ્ત થતું માનવાચક શબ્દલેખનથી અમારા જેવા વરિષ્ઠ નાગરિકને જરૂર અફસોસ થાય છે.
સુરત     – મગનલાલ લ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top