Comments

રાહુલ મોદીની જેમ પરિવર્તન કરશે?

સરકાર અને રાજકારણમાં મોટા પરિવર્તનની આ મોસમ હોઇ શકે. પોતાના કાર્યકાળનાં બાકીનાં ત્રણ વર્ષ વહીવટી શાસન સુધારવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંડળની પુનર્રચના કરે તેવી સંભાવના છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પ્રતિનિધિત્વમાં સુધારા-વધારા કરીને પણ મોદી એક રાજકીય સંકેત મોકલવા માંગે છે. દિલ્હી વર્તુળોમાં વાત એવી ચાલે છે કે તા. ૧૯ મી જુલાઇથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર પહેલાં ગંજીપો ચીપાય એવી શકયતા છે. એવી પણ શકયતા છે કે તા. ૧૫ મી ઓગસ્ટે મોદીના રાષ્ટ્રજોગ સ્વાતંત્ર્યદિન પર્વના પ્રવચનની નજીકમાં જ આ ફેરફાર થઇ શકે છે. મોદીએ તા. ૩૦ મી જૂને પોતાના પ્રધાનમંડળને સંબોધી વિરોધ પક્ષના આક્ષેપોના જવાબ આપવા આંકડા અને હકીકતો તૈયાર રાખવા પ્રધાનોને જણાવ્યું. દરેક જણ એવી અપેક્ષા અને ધારણા રાખે છે કે મોદી ગંજીપો ચીપીને મધ્યસત્રી સુધારા કરશે.

આજે મોદી ૮૧ સભ્યોનું પ્રધાનમંડળ ધરાવી શકે છે કારણ કે તેમના પ્રધાન મંડળમાં અત્યારે માત્ર ૫૩ પ્રધાનો છે અને ૨૮ બેઠકો ખાલી છે. મોદી તેમાંથી કેટલીક ખાલી જગ્યાઓ સરકારનો વહીવટ અને રાજકીય કામગીરી સુધારવા ભરી શકે છે. મોદી પોતાના પ્રધાનમંડળમાં વીસથી વધુ ફેરફાર કરી શકે છે અને તેમાં કેટલાક નવા સમાવિષ્ટ પણ થઇ શકે છે અને કેટલાક નેતાઓને સરકારમાંથી પક્ષમાં અને પક્ષમાંથી કેટલાક નેતાઓને સરકારમાં મોકલી શકે છે. મોદી જયારે પોતાનું પ્રધાનમંડળ વિસ્તારે ત્યારે કામગીરી માપદંડ હોઇ શકે.

મોદી કાર્યદક્ષતા વધારવા એક નિર્ણાયક પગલું લેવાની ધારણા રખાય છે. આજે ઘણા પ્રધાનો એકથી વધુ ખાતાં સંભાળે છે. મોદીએ ૨૦૧૪ થી સુપર મિનિસ્ટ્રી શ્રેણી અપનાવી છે તેમાં આ ખાતાં બંધબેસતાં નથી થતાં. કેન્દ્રના રાજય કક્ષાના આવાસ, શહેરી બાબતો અને મુલ્કી ઉડ્ડયન ખાતાનો સ્વતંત્ર હવાલો સંભાળતા પ્રધાન હરદીપસિંહ પુરી વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયમાં જુનિયર પ્રધાન પણ છે.

નરેન્દ્રસિંહ તોમર ખેતી અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ અને ત્રણ ખેતી કાયદાના મામલે અકાલી દળના સંસદસભ્ય હરસિમરત કૌર બાદલ રાજીનામું આપતાં ખાલી પડેલી ફુડ પ્રોસેસિંગ મંત્રીની જગ્યાનો પણ હવાલો સંભાળે છે. પીયૂષ ગોયલ રેલવે, વાણિજય અને ઉદ્યોગ, ઉપભોકતા બાબતો, અન્ન અને જાહેર વિતરણ ખાતું પણ સંભાળે છે. લોકજનતા પાર્ટીના રામવિલાસ પાસવાનના મૃત્યુ સાથે ઉપભોકતા બાબતો અન્ન અને જાહેર વિતરણ મંત્રીની જગ્યા ખાલી પડી હતી.

રવિશંકર પ્રસાદ પાસે સંદેશવ્યવહાર, કાયદા મંત્રાલય ઉપરાંત ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજીનું મંત્રાલય પણ છે. પ્રકાશ જાવડેકર પર્યાવરણ, માહિતી અને પ્રસારણ તેમ જ ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોનાં ખાતાં ૨૦૧૯ ના નવેમ્બરથી સંભાળે છે. મોદી નાણાં મંત્રાલયમાં વધુ એક જુનિયર પ્રધાનને ઉમેરે પણ ખરા, કારણ કે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે મંત્રાલય પર કામનું ભારણ ખૂબ વધી રહ્યું છે. પણ કોંગ્રેસ પક્ષનું શું?

રાહુલ ગાંધી પોતાના કોંગ્રેસ સંગઠનમાં આવા મોટા ફેરફાર કરશે? આપણને એવું સાંભળવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષનો લોકસભામાં નવો નેતા બિરાજશે. રાહુલ ગાંધી પોતાની કોંગ્રેસ પ્રમુખ તરીકેની ચૂંટણી વિલંબમાં પડી હોવા છતાં લોકસભાના નેતાની એ કામગીરી સ્વીકારી લે એમ લાગે છે. સોનિયા ગાંધી પ્રમુખપદે ચાલુ રહેશે.

સોનિયા અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંને એ વાતે આતુર છે કે રાહુલ આ જવાબદારી સંભાળે અને તેઓ તેને માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે.       રાહુલ ગાંધી લોકસભામાં પક્ષના નેતાનું પદ સ્વીકારશે તો કોંગ્રેસના પ્રમુખનું પદ પરિવારની બહાર કોઇની પાસે જશે. આંતરિક ચૂંટણીની માંગ કરતા ૨૩ કોંગ્રેસી બળવાખોર નેતાઓની વાત પણ આ રીતે ધ્યાનમાં લેવાશે. પણ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો કાર્યકાળ ૨૦૨૨ સુધી હોવાથી કોંગ્રેસ પ્રમુખપદનો નિર્ણય પછીના તબકકે લેવાશે.

લોકસભામાં અત્યારે કોંગ્રેસના નેતાપદે બંગાળના સંસદસભ્ય અધીર રંજન ચૌધરી બિરાજમાન છે. આ પદ રાહુલે સંભાળવું જોઇએ એ બાબતમાં રાહુલની છાવણીના બધાને ખાતરી નથી થઇ. બંગાળ વિધાનસભાની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો રકાસ થયો હતો. તેને એક પણ બેઠક મળી નહોતી. બધા આ ધબડકા માટે ચૌધરીને જવાબદાર ગણે છે. રાહુલ ગાંધી જાણે છે કે લોકસભામાં કોંગ્રેસના નેતા થવાનું કામ કોંગ્રેસના પ્રમુખ થવા કરતાં વધુ કઠીન છે. તેમને સંસદમાં અનિયમિત રીતે હાજરી આપવા બદલ ભારતીય જનતા પક્ષના હુમલાનો પણ સામનો કરવો પડે છે.

     કોંગ્રેસના કેટલાક નેતાઓ કહે છે કે રાહુલ ગાંધીએ એવો નિર્દેશ આપ્યો છે કે રાહુલ સત્તાવાર પદ સ્વીકારવા માટે સંમત થશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખરજીએ પણ સૂચવ્યું હતું કે રાહુલે વિરોધપક્ષના નેતા તરીકે પોતાનું કૌશલ બતાવવા લોકસભામાં કોંગ્રેસના નેતા બનવું જોઇએ. સમય ઝડપભેર વીતી રહ્યો છે. રાહુલ ગાંધી જે કંઇ નિર્ણય કરે તે ઝડપથી કરવો જોઇએ.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top