Comments

ગુજરાત પોતાનું ગુજરાતીપણું જાળવશે?

ગુજરાતના વ્યાપારિક પાટનગરમાં યુવાનો હવે સવારે પણ પિઝા, સેન્ડવીચ કે બટાકાપૌંઆ, મેગી – નૂડલ્સ નાસ્તામાં ખાય છે. હોટલના મેનુમાં બે વિકલ્પો સૌથી વધુ લોકપ્રિય છે. દક્ષિણનો સ્વાદ ઇડલી, વડાં, ઢોસા, ઉત્તપમ અથવા પંજાબી. વાતની શરૂઆત આ બદલાયેલી ભોજન – નાસ્તાની ટેવથી એટલા માટે કરી છે કારણ કે હિન્દી ફિલ્મોવાળાએ ગુજરાતીઓનું સ્ટીરીયોટાઇપ ચરિત્ર બતાવવા માંડયું છે. ત્યારથી દુનિયા આખીમાં એવી જ વાત ફેલાય છે કે ગુજરાતી કલ્ચર એટલે ઢોકળાં, ખમણ ને થેપલા, ખાખરા.

ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષમાં ગુજરાતની વિશિષ્ટતાઓ દર્શાવતો લેખ લખ્યો ત્યારે લખ્યું જ હતું કે આપણી કેટલીક ખૂબી છે તો કેટલીક ખામી પણ. ‘ગુજરાતીઓ તો વેપારી છે’ – આ આપણી ટીકા છે કે પ્રસંશા તેની જ આપણને ખબર પડતી નથી માટે જ ‘જો ચન્દ્ર ઉપર પહેલાં ગમે તે પહોંચે, પણ જો ત્યાં ચા ની લારી થાય તો એ ગુજરાતીની હશે.’ જેવી વાહિયાત કોમેન્ટ પર પણ આપણે તાળીઓ પાડીએ છીએ. ગુજરાત પોતાની ઓળખ ગુમાવી ચૂકયું છે કે ગુમાવતું જાય છે. સૌ પ્રથમ તો ‘ગુજરાતીઓ વેપારી પ્રજા છે’ એ વાત જ ફરી વિચારવા જેવી છે. કારણ કે ગુજરાતમાં મોલ – મલ્ટીપ્લેક્ષ – મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલો કે રીસોર્ટ એમ્યુઝમેન્ટ પાર્ક ઇવન સરકારી ઉત્સવની ટેન્ટસીટી કે લકઝરી ફેસેલીટીમાં ગુજરાતી માલિકીપણું નથી! આ બધે જ ગુજરાતી માત્ર ગ્રાહક છે! વેપારી વેચનાર નથી!

ગુજરાતમાં પહેલેથી જ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બિનગુજરાતી ખાસ તો દક્ષિણ ભારતીયોનો દબદબો લઘુમતી ટ્રસ્ટની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનું પ્રમાણ 1990 પહેલાં નહીંવત્ હતું અને ગુજરાતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો દબદબો હતો. (મોરારિબાપુ કદાચ ત્રીસ વરસ પહેલાંના અનુભવની જ વાત કરતા હશે!) પણ હવે તો અંગ્રેજી માધ્યમની ‘ઇન્ટરનેશનલ સ્કૂલો’ નો રાફડો ફાટયો છે. બોર્ડીગ સ્કૂલનું એક નવું જ ‘કલ્ચર’ ગુજરાતીમાં વિકસી રહ્યું છે. વિરોધાભાસી વાત તો એ છે કે શહેરમાં જ રહેતાં બાળકો માટે શહેરમાં જ ‘ડે સ્કૂલ’ જે લગભગ બોર્ડીંગ સ્કૂલની જેમ ચાલે છે. જયાં બાળક સવારથી સાંજ સુધી નાસ્તા જમવા – શિક્ષણ પ્લસ ટયુશન સાથે રહે છે.

જેને ગુજરાતની પરંપરાઓ કુટુમ્બ વ્યવસ્થા, ભાષા, સાહિત્ય…. કશા સાથે લેવા દેવા નથી! એ સંપૂર્ણપણે ગુજરાતી મા-બાપના પૈસે બિનગુજરાતી સંચાલકોની શાળામાં મલ્ટી કલ્ચરમાં ઊભરતો ‘અગુજરાતી’ છે. ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં ગુજરાતના લોકપ્રિય લેખકોના ચટપટા… મનોરંજક પ્રવચનો યોજાય છે જેમાં ગુજરાતને ઘણી ખમ્મા…. ગુજરાતીને ઘણીખમ્મા… થાય છે, પણ આ તમામ સભાઓમાં પિસ્તાલીસ પ્લસ ઉંમરનાં લોકો જ છે! યુવાનો કયાંય નથી! તો યુવાનો કયાં છે! હોલીવુડની ફિલ્મો માટે મલ્ટીપ્લેક્ષના દર્શક તરીકે સ્ટેન્ડઅપ કોમેડિયનોના અંગ્રેજી-વલ્ગર કોમેડી શો માં!

ગુજરાતમાં ગાંધીવિચારનો સમાજજીવનમાંથી લોપ થવા લાગ્યો છે. ગાંધીના ટ્રસ્ટીશીપના સિધ્ધાંત – કાયદા પ્રમાણે સ્થપાયેલાં ટ્રસ્ટોની હોસ્પિટલો, શાળાઓ, ધર્મશાળાઓ આપણી ઓળખ હતી. હવે આ ટ્રસ્ટોની શાળામાં જ ખાનગી શાળાઓ ચાલે છે. હોસ્પિટલોમાં ખાનગી પ્રેકિટસ ચાલે છે. ધર્મશાળાઓ હોટલોની જેમ ચાલે છે. ટ્રસ્ટીશીપનો મૂળ ખ્યાલ હતો કે ‘વ્યકિત પોતાની મિલકત સમાજ માટે વાપરે’ એનાથી તદ્દન ઉલટું ટ્રસ્ટીઓ સમાજની મિલકત પોતાની બનાવી રહ્યા છે.

ગુજરાતનું રોજગારીનું ચિત્ર તદ્દન ચિંતા ઉપજાવે તેવું છે. એક બાજુ ગુજરાતના જ ખાનગી ઉદ્યોગ-કારખાનાના માલિકો પોતાના ઉદ્યોગ-કારખાનામાં મજૂરી માટે છેક ઝારખંડ- બિહાર – ઉત્તર પ્રદેશમાંથી મજૂરો રાખ્યા છે. જેનું કારણ એ છે કે તેઓ ઉદ્યોગના ચોગાનમાં છાપરાં બાંધીને કે નાની ઓરડીમાં પડયા રહે છે. વારે વારે રજા પાડતા નથી અને ચોવીસ કલાક હાજર હોય છે એટલે મહત્તમ સમય આપે છે. આ વેઠિયા પ્રથાની આધુનિક આવૃત્તિ છે. આપણાં કારખાનાં ઝારખંડ યુ.પી. વાળા ચલાવે છે તો શહેરમાં ઘરકામ અને ખાનગી કંપનીઓમાં ડ્રાઈવર રાજસ્થાનના યુવાનો -પુરુષો ચલાવે છે. રાજસ્થાન આપણા પ્રવાસન માટે પણ પસંદગીનું સ્થાન છે અને હવે ઘરના બાંધકામ – કોન્ટ્રાકટરથી માંડીને ભોજન સમારંભોના કેટરીંગમાં પણ રાજસ્થાનીઓનું પ્રભુત્વ વધતું જાય છે. આપણા જાહેર ભોજન સમારંભોની વાનગીમાંથી પણ ગુજરાતીપણું દૂર થઇ રહ્યું છે. ન દાળ ગુજરાતી, ન કઢી ગુજરાતી!

કેન્દ્ર સરકારની તમામ ઓફીસો, ઉપરાંત હવે બેંકોમાં પણ બિનગુજરાતી કર્મચારીઓ ઊડીને આંખે વળગે છે! કેટલાંક બેંક યુનિયનોએ કે એકાદ જાગૃત સંસદસભ્યે તો બેંકોમાં ગુજરાતી ન જાણતાં કર્મચારીઓની ભરતી બાબતે લેખિત ફરિયાદો કરી છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે હિન્દી ફરજીયાત કરી દેવાયું છે જે પણ હવે સૌને અનુભવ થવા લાગ્યો છે! આપણે આનંદમાં છીએ કે બે ગુજરાતીઓ દેશ ચલાવે છે. પણ ગુજરાતના વહીવટીય અધિકારીશ્રી, સેક્રેટરીએટ કે પોલીસ વડા તરીકે બિનગુજરાતી અધિકારીઓ જ ગુજરાત ચલાવી રહ્યા છે.

દેશમાં સ્ત્રી-પુરુષ રેશિયો ખોરવાયો અને હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 924 થયું પછી સ્ત્રી ભૃણ હત્યા તરફ સૌનું ધ્યાન ગયું અને બહુ દુ:ખ સાથે લખવું પડે કે ‘ગેરકાયદે ગર્ભપાતમાં’ ગુજરાત અગ્રેસર રહ્યું! સ્ત્રી ભૃણ હત્યા વિરોધી અભિયાન સરકારે ચલાવવું પડયું. સોનોગ્રાફીના દુરુપયોગ વિરુધ્ધ કાયદો કરવો પડયો અને છતાં યેનકેન પ્રકારે ગર્ભમાં રહેલા બાળકની જાતિ જાણવાની ઉત્સુકતા આપણી ઘટતી નથી. ઠંડા કલેજે આપણાં જ સંતાનની હત્યામાં આપણો – આંક ઊંચો આવ્યો. ગુજરાતમાં હિંસાનું, ખાસ તો ખુલ્લેઆમ હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. પાણીની પરબ બંધાવવાની પરંપરામાંથી પાણીના પાઉચ વેચવાની વેપારકળા વિકસી છે. શ્રેષ્ઠીઓની ઉદાર સખાવતથી શાળા – કોલેજ, દવાખાનાં ચાલતાં હતાં ત્યાં હવે હજારો કરોડનાં ધર્મસ્થાનો વધવા લાગ્યાં છે. હવે તો ખાનગી ધર્મસ્થાનો અસ્તિત્વમાં આવ્યાં છે. જયાં પ્રત્યેક બાબતની ફી વસુલવામાં આવે છે. ટૂંકમાં ધર્મસ્થળના સ્વરૂપમાં એમ્યુઝમેન્ટ પાર્ક!

ગુજરાત વિચારશીલ, રાજકીય સામાજિક જાગૃતિવાળું, સ્ત્રીઓની જાહેર જીવનમાં સહભાગીદારી સ્વીકારનારું, અખા અને દયાનંદ સરસ્વતીની ઉદાર – ક્રાંતિકારી વિચારધારાનો આદર આપનારું… જાતિ – જ્ઞાતિના વાડા તોડનાર નરસિંહ મહેતાને પ્રમુખસ્થાને બેસાડનારું… સહકારી ક્ષેત્રનો સફળતાપૂર્વક ઉપયોગ કરનારું… સરદાર-ગાંધીની લડાયકતાના ગુણવાળું હતું! પણ તે હતું! હવે છે કે કેમ! તે પ્રશ્ન છે. હવે દીકરીના ગળે ચપ્પુ મારનારા અને ચૂપચાપ જોનારાનું ગુજરાત છે. સામેથી ડોનેશન આપી એડમિશન મેળવનારાં મા-બાપનું ગુજરાત છે. હિન્દીમાં મનોરંજન અને અંગ્રેજીમાં શિક્ષણ મેળવી થનગનતું ગુજરાત છે. સહકારી પ્રવૃત્તિનું કોમર્શીયલેજશન થયું હતું. સેવાઓનું વેપારીકરણ થયું છે. થોડાં જ વર્ષો પછી ગુજરાતી થાળીઓમાંથી ગુજરાતી વાનગી ગાયબ હશે… શેરીઓમાંથી ગરબા તો કયારના ગાયબ થયા. હવે પાર્ટી પ્લોટના ગરબામાંથી ગુજરાતી ગરબા ગાયબ થશે.

જયોતીન્દ્ર દવે કોણ? એ જનરલ નોલેજનો પ્રશ્ન હશે! ગુજરાતી સરકારી પ્રાથમિક શાળા જોવાલાયક ઐતિહાસિક સ્થળ હશે! લાંબો ડગલો…. શોધવો પડશે! પાઘડી, ટોપી, ધોતિયું, વાંકડી મૂછો…. કે ચીપી ચીપી બોલવાનો કે છેલ છબીલો હોવાનો પહેલાં પણ બહુ મતલબ નો’ તો! અત્યારે પણ નથી… છેલ્લે એક જ વાત કે જે રીતે સમૃધ્ધ ગુજરાતી પરિવારોનાં બાળકો, યુવાનો કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જઇ રહ્યાં છે, વસી રહ્યાં છે તે જોતાં ચારસો -પાંચસો વર્ષ પછી ઇતિહાસકારો એવું લખવા માંડે કે મૂળ ગુજરાતીઓ પણ કેનાડાથી અહીં આવી વસેલાં!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top