Charchapatra

મોરબી દુર્ઘટનામાં કેમ હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ?

તા. ૩૦ ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો તેમાં ૧૪૧ નિર્દોષ મનુષ્યોના જીવ ગયા હતા. આ કોઈ કુદરતી આપત્તિ નહોતી પણ માનવીય ગુનાઈત બેદરકારીનો અંજામ હતો. આ ઘટનાના ૨૧ દિવસ વીતી ગયા તે પછી ગુજરાત સરકાર આ દુર્ઘટના માટે જવાબદાર માનવોની ધરપકડ કરી શકી નથી. આ દુર્ઘટના માટે જો કોઈ વ્યક્તિ સૌથી વધુ જવાબદાર હોય તો તે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ છે, જેણે પુલ રિપેર કરીને તેનું સંચાલન કરવાનો કોન્ટ્રેક્ટ લીધો હતો. પુલનું સમારકામ થઈ ગયું છે અને તે સલામત છે, તેવું સર્ટિફિકેટ લીધા વિના જ તેમણે પોતે રિબન કાપીને પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દીધો હતો. જો આ ગુના માટે કોઈની ધરપકડ કરવી હોય તો સૌથી પહેલાં જયસુખ પટેલની થવી જોઈએ અને પછી મોરબી નગરપાલિકાના વહીવટદાર સંદીપસિંહ ઝાલાની કરવી જોઈએ, જેમણે પુલ ખુલ્લો મૂકી દેવાયો છે, તેવા સમાચાર છાપામાં વાંચ્યા પછી પણ પોતાની ફરજ નિભાવી નહોતી. નવાઈની વાત એ છે કે ૧૪૧ વ્યક્તિના જાન લઈ લેનારી દુર્ઘટનામાં જે એફઆઈઆર ફાઇલ કરવામાં આવી છે, તેમાં જયસુખ પટેલનું કે સંદીપસિંહ ઝાલાનું નામ જ નથી.

તેને બદલે ઓરેવા કંપનીના ત્રણ કર્મચારીઓને બલિના બકરા બનાવવામાં આવ્યા છે, જેઓ કારકૂન કે મજૂર તરીકે કામ કરતા હતા. મોરબી નગરપાલિકા દ્વારા હાઈ કોર્ટમાં જે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે તેમાં પુલ તૂટી પડવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને જયસુખ પટેલને બચાવી લેવાની ચેષ્ટા કરવામાં આવી છે. મોરબીની દુર્ઘટના થઈ તે પછી જયસુખ પટેલ જાહેરમાં દેખાયો નથી. તેના વિદેશ ભાગી જવાની અફવા છે, પણ સરકાર દ્વારા તેને રોકવા માટે કોઈ લુક આઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી નથી. આ દુર્ઘટના બાબતમાં ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો પિટીશન કરી છે, પણ તેણે હજુ સુધી કોઈ મોટાં માથાંની ધરપકડનો આદેશ આપ્યો નથી. હવે સુપ્રિમ કોર્ટે પણ સવાલ કર્યો છે કે ‘‘આ કેસમાં કેમ કોઈની ધરપકડ કરવામાં આવી નથી?’’

કોઈ પણ મોટી દુર્ઘટના બને તેની પાછળ કોઈ કૌભાંડ હોય છે, તેમ મોટી દુર્ઘટના બન્યા પછી તેના માટે જવાબદાર વગદાર લોકોને બચાવી લેવાનું બીજું કૌભાંડ આકાર ધારણ કરતું હોય છે. મોરબી દુર્ઘટના બની ત્યાં સુધી આપણને તેની પાછળ શું કૌભાંડ બની ગયું? તેની જાણકારી નહોતી. તે જાણકારી દુર્ઘટના પછી તરત જ બહાર આવી હતી. પહેલી જાણકારી એ હતી કે મોરબી નગરપાલિકાએ કોઈ ટેન્ડર બહાર પાડ્યા વિના જ ઓરેવા કંપનીને પુલનું સમારકામ કરીને તેમાંથી કમાણી કરવાનો ૧૫ વર્ષનો કોન્ટ્રેક્ટ આપી દીધો હતો. તે કોન્ટ્રેક્ટ મુજબ ઓરેવા કંપનીએ ૨ કરોડ રૂપિયાના ખર્ચે પુલનું સમારકામ કરાવવાનું હતું, પણ તેણે ૧૨ લાખ રૂપિયામાં જ સમારકામ કરાવીને ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દીધો હતો. હવે બીજી વાત એ બહાર આવી છે કે ઓરેવા કંપનીને અગાઉ પણ ૨૦૦૮થી ૨૦૧૭ દરમિયાન પુલની જાળવણીનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયા પછી પણ કોઈ પણ જાતના કોન્ટ્રેક્ટ વગર ઓરેવા કંપનીએ પુલ ઉપર પ્રવેશ ફી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું. શા માટે મોરબી નગરપાલિકાએ કોન્ટ્રેક્ટ વગર તેને પુલ ઉપર પ્રવેશ ફી ઉઘરાવવાની મંજૂરી આપી હતી?

ગુજરાત હાઈ કોર્ટે મોરબી નગરપાલિકાની સખત ટીકા કરી છે કે તેણે માત્ર ૧.૫ પાનાંનો કોન્ટ્રેક્ટ સાઇન કરીને ઝૂલતો પુલ રિપેર કરવાની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપી દીધી હતી. આ કોન્ટ્રેક્ટમાં ક્યાંય પુલ તૂટી પડે તો કોની જવાબદારી? તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. તેમાં ક્યાંય પુલ ફરીથી ખુલ્લો મૂકવા માટે કોની પરવાનગી લેવી? તેનો ફોડ પાડવામાં આવ્યો નહોતો. તેમાં ક્યાંય એવી કલમ જ નહોતી કે પુલ ફરીથી ખુલ્લો મૂકતાં પહેલાં ફિટનેસ સર્ટિફિકેટ લેવું જોઈએ. હવે ઓરેવા કંપનીના કર્મચારીઓને કદાચ આરોપીના પિંજરામાં ઊભા રાખવામાં આવશે તો તેઓ એવી દલીલ કરશે કે તેમણે નગરપપાલિકા સાથેના કોન્ટ્રેક્ટની કોઈ કલમનો ભંગ કર્યો નથી.

ગુજરાત હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન ચોંકાવનારી વાત કરી હતી કે ઓરેવા કંપની દ્વારા કોન્ટ્રેક્ટ સાઈન કરવા માટે મોરબીના કલેક્ટરની ઉપર ખોટી રીતે દબાણ આણવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા હાઈ કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ ઓરેવા કંપની દ્વારા કલેક્ટરને ધમકી આપવામાં આવી હતી કે જો તેમને સમારકામનો કોન્ટ્રેક્ટ આપવામાં નહીં આવે તો તેઓ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦થી પુલ બંધ કરી દેશે. ત્યાર પછી અનેક મીટિંગો થઈ હતી, જેના પગલે ૨૦૨૨ના માર્ચમાં ઓરેવા કંપનીના લાભમાં કરાર કરવામાં આવ્યો હતો. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો તે પછી તેના ઉપર ઢાંકપિછેડો કરવા માટે ગુજરાત સરકાર અને મોરબી નગરપાલિકા દ્વારા બીજું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે આજે પણ આપણી નજર સામે આકાર ધારણ કરી રહ્યું છે.

આ કૌભાંડના પહેલા પગથિયાં તરીકે ગુજરાત સરકાર દ્વારા ઉતાવળે દુર્ઘટનાની તપાસ કરવા માટે સરકારી અધિકારીઓની બનેલી કમિટિની જાહેરાત કરી દેવામાં આવી હતી. હકીકતમાં આ દુર્ઘટના માટે જવાબદાર કેટલાક સરકારી અધિકારીઓ હતા. કોઈ સરકારી અધિકારી બીજા સરકારી અધિકારીને આંચ આવે તેવો રિપોર્ટ આપે નહીં. મતલબ કે સરકારી સ્તરે તપાસનો આદેશ આપીને ભીનું સંકેલી લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો ગુજરાત સરકારની દાનત સાફ હોય તો કોઈ સુપ્રિમ કોર્ટના કે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસનો આદેશ આપવો જોઈતો હતો. સુપ્રિમ કોર્ટમાં દુર્ઘટનાગ્રસ્તોના પરિવાર દ્વારા જે પિટીશન કરવામાં આવી છે, તેમાં તેની જ માગણી કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે પણ આ ઘટનામાં ઊંડા ઊતરવાને બદલે ગુજરાત હાઈ કોર્ટને સૂચના આપીને સંતોષ માન્યો છે.

મોરબીનો કેસ સુપ્રિમ કોર્ટમાં આવ્યો કે તરત વિદ્વાન જજ સાહેબો દ્વારા પહેલો સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ કેસમાં કેમ કોઈ ધરપકડ કરવામાં આવી નથી? તેનો જવાબ સરકારી વકીલ આપી શક્યા નહોતા, પણ સાચો જવાબ એ છે કે જે મોટાં માથાંઓ દુર્ઘટના માટે જવાબદાર છે, તેમનાં નામો જ એફઆઈઆરમાં લખવામાં આવ્યાં નથી. જો તેમની ધરપકડ કરવાને બદલે નાના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવે તો લોકોમાં ખોટો સંદેશો જાય તેમ છે કે સરકાર ગરીબોને બલિનાં બકરાં બનાવી રહી છે. વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે કોઈ પણ ખોટો સંદેશો મતદારોમાં ન જાય તે માટે સરકાર કોઈની ધરપકડ કરવાનો આદેશ છોડતી નથી.

ગુજરાત હાઈ કોર્ટની નોટિસ મળ્યા છતાં બે વખત મોરબી નગરપાલિકાના વકીલ હાઈ કોર્ટમાં આવ્યા નહોતા, ત્યારે હાઈ કોર્ટે ટકોર કરવી પડી હતી કે તમે સ્માર્ટ બનવાની કોશિશ કરી રહ્યા છો? હાઈ કોર્ટે એવો સવાલ પણ પૂછ્યો હતો કે રાજ્ય સરકારે શા માટે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ ૨૬૩નો ઉપયોગ કરીને મોરબી નગરપાલિકાને બરખાસ્ત નથી કરી નાખી? કારણ કે આ દુર્ઘટનામાં તેની બેદરકારીને કારણે ૧૪૧ લોકોના જીવ ગયા છે? તેનો પણ જવાબ એ છે કે ચૂંટણીના સમયે સરકાર તેવી કોઈ સનસનાટી પેદા કરવા માગતી નથી. નવાઈની વાત એ છે કે હાઈ કોર્ટ કે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ કોઈની ધરપકડનો આદેશ કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top