Comments

સાધુ ,સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત કોણ ?

આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ હોય તે જ સત્ય સ્વરૂપ સાધુ છે, સંન્યાસી છે, ત્યાગી છે, મુનિ છે અને સંત છે. આ બધી લાયકાતો જેમણે પોતાના શુધ્ધ અંતરથી ધારણ કરેલ ન હોય તે આ વ્યાખ્યામાં એટલે કે સાધુ વગેરેમાં સામેલ થઈ શકે જ નહીં. આવા સિધ્ધાંત વિહોણા માટે કોઈ વ્યાખ્યા કહેવામાં આવેલ નથી. જેણે પૂરેપૂરી રીતે અંતરથી લાયકાત ધારણ કરી હોય તે જ સાધુ વગેરે છે, એટલે આત્મિક સત્ય સ્વરૂપ અને આવા આત્મિક સત્યને જ વરેલાના રૂપમાં આદર્શ સત્ય સ્વરૂપ માનવનો ચિતાર આપવામાં આવ્યો છે.

 જે પોતે આધ્યાત્મિક સાધના કરી પોતાના અંતરના મળોથી અને ઇંદ્રિયો અને તેના રસોથી મુક્ત થઈને પૂરેપૂરો સંયમ પ્રાપ્ત કરેલ હોય અને પોતાના આત્માનો પ્રબળ વેગ તેની અગ્નિશિખા સમી અવિરત પરમ સત્ય તરફ નિરંતર ગતિ કરે છે. જેના ચિત્તમાં કોઈ પણ જાતના રાગ, દ્વેષ, અહંકાર, આસક્તિ, સ્વાર્થ ,મોહ, મમતા, તૃષ્ણા, વાસના, લોભ, ક્રોધ, કામ વગેરે ટોટલી રહેવા જ પામ્યા ન હોય તેને કોઈ રહેઠાણ હોતું જ નથી ને કશી પણ સ્થાયી આજીવિકાની કોઇ પણ જાતની જોગવાઈ હોતી નથી. તે વ્યક્તિગત, સામાજિક કે રાષ્ટ્રીય એમ સર્વ પ્રકારના સ્વાર્થ,લાભ, લોભ આસક્તિમાંથી સ્વસ્થતાપૂર્વક પ્રસન્ન ચિત્તે ટોટલી છૂટી જ ગયો હોય તે પોતાને માટે કે કોઈ સમૂહને માટે કે ધર્મને માટે, સત્તા  કે અધિકાર મેળવવાને ખાતર પોતાના સિધ્ધાંતોનો ત્યાગ કરતો જ નથી કે તેમાં કાંઇ પણ કોઈ પણ રીતે માંડવાળ કરતો જ નથી. તે પોતાના આત્મિક સત્યમાં સદાય નિરંતર સ્થિર હોય છે, જેથી તેના વર્તન,  વિચાર વિષે કોઈ કશી આગાહી  કોઈ કાંઇ કરી શકતું નથી.

આમ પોતાને અંતરમાંથી જે સત્ય સૂઝે તે જ તેનું વર્તન, વિચાર હોય છે, તે કોઈ પણ શાસ્ત્રોમાં બંધાયેલો કે કોઈ ધર્મમાં બંધાયેલો હોય શકે જ નહીં, પોતાના આત્મિક સત્ય એ જ તેનો ધર્મ હોય છે. પોતાની જાતમાં પોતાના સ્વભાવમાં સદાય સ્થિર હોવાનો, તે કોઈ પણ સામાજિક સમૂહના કે રાજ્યના કાયદાને અનુસરીને ચાલતો નથી. તેનો રસ્તો માત્ર ને માત્ર આત્મિક સત્ય જ હોય છે, તે સિવાય તેમના માટે બીજો કોઈ માર્ગ હોય શકે જ નહીં, કેમ કે  જે વિશ્વ જીવનમાંથી  નિયમ માત્ર ઉદભવે  છે, જે પોતે કોઈ નિયમને તાબે હોતું જ નથી. તેણે પોતાના હ્રદયમાં પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરેલો હોય છે. તેના આત્માની શાંતિ અને આનંદ અજબગજબ હોય છે, કેમ કે  જ્યારે આસપાસનું આખું જગત  અશાંતિથી ઉપર તળે થઈ રહ્યું હોય છે ત્યારે પણ તેના અંતરની શાંતિ ચળવા પામતી જ નથી. તે સત્ય સ્વરૂપ સાધુ છે, સંન્યાસી છે, ત્યાગી છે મુનિ છે અને સંત છે.

 આ બધું જ જ્યાં નથી તે આ વ્યાખ્યામાં આવતા જ નથી. અત્યારે તો  સાત ‘પ’ ને બગલમાં રાખીને ફરે છે, જેમાં  પૈસો, ,પદાર્થ, પદ, પ્રચાર, પાખંડ, પ્રપંચ, પ્રતિષ્ઠાની પાછળ દોટ અને ભય, ભ્રમ અને ભ્રમજાળ ફેલાવી સ્વાર્થ સાધવો એ જ સાધુતા છે. ગંગામાં નાહવાથી પાપ ધોવાય આવી વાહિયાત વાતો ફેલાવે છે અને પથરા પાસે જે માંગો તે આપે છે.

 સુખદુ:ખનું કારણ દૈવી કોપ  છે તેવી વાહિયાત વાતો ફેલાવી સ્વાર્થ સાધે છે. માણસને કે પોતાના અનુયાયીઓને  પોતાની જ પરમ ચેતનામાં સ્થિર કરીને, આત્મિક સત્યમાં સ્થિર થઈને, સાક્ષીભાવનો સ્વીકાર કરીને, જાગૃતિ પૂર્વક વહીવટ અને આચરણ કરતો માણસ થાય તેવું કશું પણ કરવામાં આવતું નથી. આ માટે તો માણસે આધ્યાત્મિક સાધના કરવી પડે છે. આવો માણસ પોતાની જિંદગીમાં કશું પણ પાપ કૃત્ય કદી કરશે જ નહીં તે જ સો ટકા સત્ય છે, પણ આવું કરે તો પોતાનું જે મોટું પેટ રાખીને ફરે છે તે ભરાય જ નહીં તે તકલીફ છે. આમ ધર્મને સત્ય સ્વરૂપ ધર્મ રહેવા દીધો નહીં, ઘંટડી વગાડો એટલે ધર્મ થઇ ગયો. આ છે આજની સ્થિતિ.

Most Popular

To Top