પાકિસ્તાન સામે ભારત કઈ ટીમ ઉતારશે? શું હાર્દિક રમશે? વિરાટ કોહલીએ આપ્યો જવાબ

આવતીકાલે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપ 2021નો હાઈવોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે થવા જઈ રહ્યો છે. પાકિસ્તાને પોતાની ઈલેવન જાહેર કરી દીધી છે, પરંતુ ભારત કયા 11 ખેલાડીઓને (India playing 11) રમાડશે તે હજુ સ્પષ્ટ થયું નથી, ત્યારે ચાહકોમાં એ વાત જાણવાને લઈને ઉત્કંઠા જોવા મળે છે કે વિરાટ કોહલી (Virat Kohli) કયા 11 ખેલાડીઓને પાકિસ્તાન સામેના જંગમાં મેદાને ઉતારશે.

સૌથી વધારે સસ્પેન્સ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના (Hardik Pandya) રમવા અંગે સર્જાયું છે. વિરાટ કોહલીએ આજે કહ્યું કે, અમારી ટીમ પાકિસ્તાન સામે ક્રિકેટ જંગ માટે પૂરી રીતે તૈયાર છે, પરંતુ કયા 11 ખેલાડીઓ મેચમાં રમશે તે મેચના સમયે જ ખબર પડશે. મેચ પહેલાં શનિવારે વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. વિરાટ કોહલીએ કહ્યું કે, અમારું ધ્યાન સંપૂર્ણ રીતે મેચ પર છે. ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે આતુર છે.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરની સાંજે 7.30 કલાકે T-20 મુકાબલો થશે. ભારતની પ્લેઈંગ 11 મુદ્દે વિરાટ કોહલીએ કહ્યું કે, અમારી પ્લેઈંગ 11ની જાહેરાત અમે મેચ પહેલાં જ કરીશું. અમારી પાસે ખૂબ જ સારા ખેલાડીઓ છે.

હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફીટ છે: વિરાટ કોહલી

કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની બોલિંગ બાબતે કહ્યું કે, અમને તેની ચિંતા નથી. એક ફિનીશર તરીકે તે ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. જો બોલિંગની જરૂર પડે છે તો અમારી પાસે યોજના છે. તેથી અમે તે વિશે વધુ વિચારી રહ્યાં નથી. હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફીટ છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો નથી. કમરની ઈજા બાદ તે આઈપીએલમાં પરત ફર્યો હતો, પરંતુ બોલિંગ કરી શક્યો નહોતો.

તેથી ટીમ ઈન્ડિયા માટે હાર્દિકની બોલિંગ ચિંતાનો વિષય બની હતી. હાર્દિકને ટીમમાં જગ્યા મળશે કે નહીં તેની પણ ઘણી ચર્ચા ઉઠી છે. હાર્દિક બોલિંગ કરી શકે તેમ નહીં હોય શાર્દૂલ ઠાકૂરને પ્લેઈંગ 11માં રમાડાશે તેવી ચર્ચા ચાલી રહી છે.
જોકે, હાર્દિક બોલિંગ નહીં કરે તો પણ ભારતને ચિંતા નથી. કારણ કે ભારત પાસે અત્યારે વિશ્વનો શ્રેષ્ઠ બોલિંગ એટેક છે. બુમરાહ, શામી, ભૂવનેશ્વર, અશ્વિન અને જાડેજા ભારત પાસે છે.

Related Posts