Columns

અરીસો શું કહે છે

એક દિવસ નિશા ઓફિસમાંથી આવી અને ફ્રેશ થઈ …તે ચેન્જ કરીને માથું ઓળી રહી હતી ત્યાં તેની મમ્મી અને નાની અંદર આવ્યા.અનાયાસે ત્રણે જણે પીળા રંગના કપડા પહેર્યા હતા.મમ્મીએ કહ્યું, ‘નિશા ચા પીશ કે કોફી …’ નિશાએ કહ્યું, ‘મમ્મી કંઈપણ ચાલશે જે તમારે પીવું હોય તે બનાવ.’ નિશા બહુ ડાહી હતી, પિતા વિના મામાના ઘરે ઉછરી હતી નાનપણથી ખુબ જ સમજુ અને શાંત હતી.ઉંમર કરતા વહેલી તે મેચ્યોર થઇ ગઈ હતી.

ન તો બાળપણમાં તેને જીદ કરી હતી …ન કોલેજ જીવનમાં કોઈ બેફીકરાઇ ..માત્ર ભણવામાં પર ધ્યાન આપ્યું હતું અને એમ બી એ થયા પછી નોકરી કરી રહી હતી.ઘર થી ઓફીસ જવું અને માત્ર કામમાં જ ધ્યાન આપવું તેનું જીવન હતું.નિશાના જીવન સાવ ઉદાસ નીરસ વીતી રહ્યું હતું.નાનીને આ વાતની ચિંતા હતી.  નાની નિશાની પાછળ આવીને ઉભા રહ્યા.નિશા તના હાથમાંથી દાતીયો લઈને તેની માથું ઓળવા લાગ્યા.માથું ઓળતા ઓળતા નાનીએ કહ્યું, ‘નિશા, અરીસામાં જો તું એકદમ મારા પર પડી છે.મારી યુવાનીના દિવસોમાં હું એકદમ તારા જેવી જ દેખાતી હતી અને જો આ અરીસામાં જેમ તારું પ્રતિબિંબ મારી વીતી ચુકેલી જવાનીના  પ્રતિરૂપ જેવું લાગે છે.

તેમ મારું પ્રતિબિંબ તારા આવનારા ઘડપણનુ પ્રતિરૂપ છે.અને આ બે પ્રતિબિંબ વચ્ચે એક નાનકડું અલભ્ય જીવન છે.તને ખબર છે આજે આ અરીસો શું કહે છે???’ નિશા નાની સામે જોતી જ રહી જાણે વિચારી રહી કે હું વૃધ્ધ થઈશ તો આવી લાગીશ.ત્યાં મમ્મી ચા લઈને આવી.નાનીએ તેને પણ પાસે આવી બન્નેની વચ્ચે ઉભા રહેવા કહ્યું….અને પછી ત્રણ જણના પ્રતિબિંબ અરીસામાં જોઈ નાની મીઠું મલક્યા અને બોલ્યા, ‘નિશા, થોડા વખતમાં તું તારી મમ્મી જેવી લાગીશ …તારી મમ્મી મારા જેવી …આ અરીસો આજે જીવનનો એક સંદેશ આપી રહ્યો છે કે સમય ફટાફટ વીતતો રહે છે…અને તમારા શરીર અને ચહેરા પર પોતાની છાપ છોડે છે….આ જીવન એક નાનકડી સફર છે જેમાં મુકામ બદલાતા રહે છે …

રૂપ બદલાતું રહે છે …ભૂમિકા બદલાતી રહે છે…આ બદલાવ ક્યારે થઈ જાય છે તેની આપણને ખબર પણ પડતી નથી માટે દીકરા આ નાનકડા જીવનની હાથમાં રહેલી એક એક પળને મન મુકીને જીવી લેવી જોઈએ એમ આ અરીસો કહે છે.નિશા બેટા બધાના જીવનમાં સુખ છે અને દુઃખ પણ ….મીઠી યાદો છે અને કડવી યાદો પણ …કશું જ કાયમ નથી રહેતું …બદલાતું રહે છે …તું પણ જરા જાતને બદલ ..જીવનને ઉત્સાહથી જીવ …એક એક દિવસને આનંદથી જીવ …ચલ આપણે જીવનની એક એક પળને સાથે માણીએ .’ નિશા નાનીની વાતો સાંભળી રહી …મમ્મીએ નિશાનું ગમતું ગીત મુક્યું અને નાનીએ તેને હાથ પકડી ઉભી કરી.નિશા મન મુકીને હસી.તેને હસતી જોઇને મમ્મી અને નાની ખુશ ખુશ થઈ ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top