Charchapatra

નીતિન ગડકરી જેવા સાંસદો વધુ ને વધુ મળે તો?

તાજેતરમાં કેન્દ્રીય પરિવહન અને હાઇ વે મંત્રાલય દિલ્હી, ભારત સરકારના કેબીનેટ મંત્રી  ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી ચૂંટણીમાં મારા વિસ્તારમાં (નાગપુર) પોસ્ટર-બેનર નહીં લગાવું.  મતદારોને માલ પાણી નહીં મળે. લક્ષ્મીદર્શન નહીં મળે, દેશી-વિદેશી દારૂ પણ નહીં મળે. પરંતુ તમારી સેવા પ્રામાણિકપણે કરીશ. એમ કહી તેમણે કહ્યું કે એક વખત મતદારોને નોજવેજ પણ ખવડાવ્યુ હતું છતાં તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમણે ચા-પાણીની વ્યવસ્થા પણ ન કરવાની સ્પષ્ટ વાત કરી હતી. તેઓ 2014 અને 2019માં અહીંથી જ જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા. આવા પ્રામાણિક, નિષ્ઠાવાન, સાદગીભર્યા, સ્વચ્છ, પ્રતિભાશાળી સાંસદો દેશમાં વધે તો કેવું? ચૂંટણીમાં વ્યાપક ખર્ચાઓ ઉમેદવારો કરે છે. લોભલાલચમાં આવી મતદારો લાયકાત, પાત્રતા જોયા વગર મત આપી આવે છે. જે યોગ્ય નથી. દુરંદેશી સરદાર પટેલ સાહેબ લાલબહાદુર શાસ્ત્રી, ડો. કલામ સાહેબ, બાબુભાઈ જશભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંનિષ્ઠ આગેવાન સમાજસેવકો વધુ ને વધુ આપણને મળતાં રહો.
જહાંગીરપુરા- ભગુભાઈ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન યુદ્ધ અમેરિકા-બ્રિટનનું પાપ છે
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે યહૂદીઓનો નરસંહાર કર્યો હતો તેસમયે યહૂદીઓ દુનિયામાં વેરવિખેર હતા. બીજુ વિશ્વયુદ્ધ સમાપ્ત થતા 1948 મા પેલેસ્ટાઈન પરથી બ્રિટનનો હક પૂરો થતાં પહેલા બીજા વિશ્વયુદ્ધના અંતે દુનિયાભરમાં રખડી રઝળી રહેલા યહૂદીઓને એક જૂથ કરી એક જગ્યા પર વસાવવા અમેરિકા અને બ્રિટને બળજબરીથી એમને પેલેસ્ટાઇનની જમીન પર વસાવ્યા ત્યારથી મુસ્લિમ તથા યહૂદી પ્રજા વચ્ચે કાયમનો ઝઘડો ઊભો થયો હતો. સંજોગો સામે લડીને યહૂદી પ્રજા તો વૈજ્ઞાનિક રીતે ટેકનોલોજી વિકસાવી પ્રગતિ કરી પગભર અને મજબૂત અને ખડતલ થયા પરંતુ પોતાની ધરતી પર વસેલા પારકા લોકોને પેલેસ્ટાઈનના નાગરિકો કેવી રીતે સહન કરી શકે?

અેને કારણે લોહિયાળ જંગ ખેલાતો રહે છે. ઇઝરાઇલ પેલેસ્ટાઇનનુ જુથ હમાસ વચ્ચે ચાલી રહેલું હાલનું યુદ્ધ એનું જ પરિણામ છે. વિચારો કે બહારથી આપણા દેશમાં આવી અને આપણી જમીન પર દેશ બનાવી રહેવા લાગે તે આપણે પણ કેવી રીતે મંજૂર રાખી શકીએ? અમેરિકા અને બ્રિટને દાદાગીરીથી પેલેસ્ટીનની જમીન પર યહૂદીઓને વસાવ્યા અને દેશ બનાવ્યો તે કેવી રીતે સહન થાય? અમેરિકા અને બ્રિટન જો યહૂદીઓને ખરેખર વસાવવા જ હતા તો પછી પોતાના દેશની વિશાળ જમીન પર કેમ ન વસાવ્યા? ઇઝરાઇલ પેલેસ્ટાઈનમાં ચાલી રહેલું આજનું યુદ્ધ એ અમેરિકા અને બ્રિટને વાવેલા બીજનું જ પરિણામ છે જે ક્યારેય સમાપ્ત થવાનું નથી
સુરત               – વિજ્ય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top