Feature Stories

સુરતીઓ ફિઝિકલ એક્ટિવિટીમાં સક્રિય, 60 વર્ષની ઉંમર પછી પણ આ રીતે યોગદાન આપી દેશનું ગૌરવ વધારે છે

‘મન હોય તો માળવે જવાય’ તેમ જ શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી જેવાં વાક્યો આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. ત્યારે સુરતમાં જ એવાં કેટલાંક સીનિયર સિટીઝન છે જેઓ આજે 60 વર્ષની ઉંમર પછી પણ કેટલીક સ્પોર્ટસ એક્ટિવિટીમાં સક્રિય છે એટલું જ નહીં પોતપોતાના ક્ષેત્રે યોગદાન આપીને સુરત સહિત દેશને પણ ગૌરવ અપાવી ચૂક્યા છે અને સારી વાત તો એ છે કે આ સ્પોર્ટસ પર્સનમાં મહિલા પણ સામેલ છે જે એક નહીં પણ અનેક ક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય બતાવી ચૂક્યાં છે અને આજે પણ અવિરતપણે નવું નવું કરવા તત્પર રહે છે. તો આજે International Older Person’s Day નિમિત્તે આવાં જ કેટલાંક સીનિયર સ્પોર્ટસ પર્સન સાથે કરીશું મુલાકાત અને જાણીશું કે આટલી ઉંમરે પણ તેઓ કેવી રીતે એક્ટિવ રહી શકે છે?

સાઈક્લિંગ બેસ્ટ એકસરસાઈઝ છે: આનંદ ચોખાવાળા (83)
સાઈક્લિંગ એવી એક્ટિવિટી છે જેમાં આખા શરીરની કસરત થઈ જતી હોય છે જેથી આજે જ્યારે યુવાનો પણ લાંબા અંતરે સાઇકલ ચલાવવાનું ટાળે છે ત્યારે 83 વર્ષીય આનંદભાઈ ચોખાવાળા આજે પણ અઠવાડિયામાં આશરે 100 કિમી જેટલું સાઈક્લિંગ કરીને યુવાનોને પણ શરમાવે છે. આનંદભાઈ ચોખાવાળા જણાવે છે કે, ‘‘તેઓ છેલ્લાં 20 થી 22 વર્ષોથી સાઈક્લિંગ કરે છે કારણ કે તેઓ માને છે કે સાઈક્લિંગ એક બેસ્ટ એકસરસાઈઝ છે અને મને બીજા સ્પોર્ટસ કે એકસરસાઈઝ કરવા કરતાં સાઈક્લિંગ કરવાનું વધારે ગમે છે એટલે હું આના માટે અઠવાડિયાના 3 દિવસ ફાળવું છું અને એક દિવસમાં લગભગ 35 કિમી જેવું સાઈક્લિંગ કરું છું. જો કે મેં મોટી કોઈ સ્પર્ધામાં ભાગ નથી લીધો પરંતુ 1 વાર 10 કિમીની એવી સ્પર્ધા હતી જેમાં પૌત્ર દોડે અને દાદાએ સાઇકલ ચલાવવાની હોય. હાલ તો મેં માત્ર હેલ્થ સારી રહે અને શોખ પણ જળવાયેલો રહે એ માટે આ નિયમ જાળવી રાખ્યો છે અને આજની પેઢીને પણ હું એ જ કહીશ કે શરીરને એક્ટિવ રાખશો તો જ સારું રહેશે.’’

જમીન પર પગ નહીં મુકાય એવી ગેમ રમવી હતી: બકુલાબહેન પટેલ (78)
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતાં બકુલાબહેનની તો વાત જ અનોખી છે. બકુલાબહેન આજે 78 વર્ષની ઉંમરે પણ સ્પોર્ટસમાં એક્ટિવ છે જેમાં નવાઈની વાત તો એ છે કે તેઓ 58 વર્ષની ઉંમરે એક્ટિવ થયાં અને એ અલગ અલગ ફિલ્ડમાં. હવે આજે તેઓ એટલા આગળ વધી ચૂક્યાં છે કે તેઓ 75 વર્ષની ઉંમરે આરંગેત્રમ કરવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવી ચૂક્યાં છે. આ અંગે બકુલાબહેન જણાવે છે કે, ‘‘50 વર્ષની ઉંમરે મારા પતિનું નિધન થતાં હું એકલી પડી અને દીકરી સાથે રહેતી હતી તે દરમિયાન મેં દીકરીના બાળકોને સ્વિમિંગ, સ્કેટિંગ તથા યોગા વગેરે શીખવાડવાનું શરૂ કર્યું. કારણ કે હું અગાઉ થોડું ઘણું શીખી ચૂકી હતી પણ એ ઉંમરે વિચાર્યું કે મારે તો એવી કોઈ ગેમ રમવી છે જેમાં જમીન પર પગ મૂકવાની જરૂર નહીં પડે જેથી વિધિસરનું સ્વિમિંગ શરૂ કર્યું અને અને લોકોની ટીકા વચ્ચે મેં સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી. બાદમાં મેં એથ્લેટિકની પણ પ્રેક્ટિસ કરી અને 75 વર્ષે આરંગેત્રમ કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાલમાં મારી પાસે સ્વિમિંગ, એથ્લેટ્સ તથા યોગા વગેરેના 405 મેડલ છે તેમ જ ‘બેસ્ટ વુમન ઓફ ગુજરાત’નો એવોર્ડ પણ મેળવી ચૂકી છું. શરૂઆત ભલે કઠીન રહી પણ લોકોને હું એ જ સલાહ આપીશ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી.’’

5 વર્ષની ઉંમરે કરી સ્વિમિંગની શરૂઆત: ઠાકોરભાઈ નાવિક (78)
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા 78 વર્ષીય ઠાકોરભાઈએ માત્ર 5 વર્ષની ઉંમરથી જ સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી દીધી હતી. આનું કારણ આપતા ઠાકોરભાઇ જણાવે છે કે, ‘‘મારું ઘર નદી કિનારે હોવાથી અમે બધાં બાળકોએ નાની ઉંમરથી જ સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી લીધી હતી અને રોજ નદીમાં પ્રેક્ટિસ કરતાં કરતાં હું સારો સ્વિમર બની ગયો. હાલમાં હું રોજ 1 કલાક તાપી નદીમાં પ્રેક્ટિસ કરું છું અને સાથે જ જમવામાં રોજ કેળાં અને ઇંડાંનો સમાવેશ કરું છું જે શરીરને સ્વસ્થ રાખવા પૂરતા છે. અને જેથી આગામી 12 તારીખે યોજાનાર માસ્ટર સ્વિમિંગ સ્પર્ધામાં હું ભાગ લઈને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કરીશ. જો કે આમ તો હું શરીરને સારું રાખવા માટે જ સ્વિમિંગ કરું છું અને સાથે સાથે યોજાનારી સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો રહું છું.’’

નેશનલ પ્લેયર પણ આપ્યા છે: વિશાનસિંઘ સોલંકી (72)
આજે 72 વર્ષે પણ ફૂલબોલ પ્લેયરોને કોચિંગ આપતા વિશાનસિંઘ સોલંકી જણાવે છે કે, ‘‘મેં 1977 થી કોચિંગની શરૂઆત કરી હતી અને આજે હું આટલા વર્ષે પણ પ્લેયરોને કોચિંગ આપું છું. આટલા વર્ષોના કોચિંગ દરમિયાન મે નેશનલ લેવલના પ્લેયરને પણ કોચિંગ આપ્યું હતું જેમાં શેખ મુખત્યાર તથા મુન્ના શેખ પણ સામેલ છે. જો કે ફૂલબોલના શોખના કારણે જ મેં આ ક્ષેત્ર પસંદ કર્યું હતું અને હવે હું રમી નથી શકતો પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલો રહું એ માટે કોચિંગ સાથે જોડાયેલો રહું છું અને હવે વધુ શ્રમ ન પડે એ માટે ફ્ક્ત પ્રેકટીકલ પાર્ટ જ શીખવાડું છું પણ જાતે ફિટ રહેવા માટે હેલ્ધી ડાયટની સાથે જોગિંગ અને વોકિંગ પણ નિયમિત કરતો રહું છું.’’

મારી ફિટનેસનું રહસ્ય મારો માઇન્ડ પાવર છે: રાજેશભાઈ જરીવાળા (70)
શહેરના ઇચ્છાનાથ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ જરીવાળાએ સાઈક્લિંગ ક્ષેત્રે ઘણી ઊંચી સિધ્ધિ હાંસલ કરી છે. હાલમાં 70 વર્ષની ઉંમર ધરાવતા રાજેશભાઈ જરીવાળાએ વર્ષ 2000 દરમિયાન સાઈક્લિંગની શરૂઆત કરી હતી અને તેમના ગ્રુપ સાથે ભેગા થઈને તેઑ સુરતથી ડુમસ સુધી સાઇકલ લઈને જતા હતા. આજે પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે. એટલું જ નહીં આજથી આશરે 10 વર્ષ અગાઉ તેઓ સુરતથી મુંબઈ સુધી 250 કિમીના અંતરે સાઇકલ લઈને ગયા હતા. આ ઉપરાંત સુરતથી ભરૂચ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અંતર પણ તેઓ સાઇકલ લઈને કાપી ચૂક્યા છે. વર્ષ 2019ની વાત કરીએ તો વ્યારાથી ડોન હિલ સુધીની સફર તેમણે રાત્રે 9 થી સવારે 4 વાગ્યા દરમિયાનમાં પૂરી કરી હતી. જો કે તેઓને ઉંમરના સીમાડા નડયા નહીં અને 18 સુરતી મિત્રો સાથે મળીને પૂર્વીય અરુણાચલ પ્રદેશના નિર્જન વિસ્તારમાં રોજના 50 કિમીનું અંતર કાપીને 2800 માઈલ ઊંચાઈએ આવેલું બરફથી ઢંકાયેલું મયોડિયા શિખર સર કર્યું હતું. આ અંગે રાજેશભાઈ જણાવે છે કે, મારી ફિટનેસનું રહસ્ય મારો માઇન્ડ પાવર છે. હું મગજને મજબૂત રાખું છુ જેથી આ ઉંમરે પણ મને તકલીફ નડતી નથી.’’

બિઝી શિડ્યુલમાંથી પણ ક્રિકેટ માટે સમય કાઢી લઉં છુ: ડૉ. નિમેશ દેસાઇ (66)
શહેરના ભટાર વિસ્તારમાં રહેતા 66 વર્ષીય ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડૉ.નિમેશભાઈ દેસાઇ રણજી ટ્રોફી માટે પણ 1982 દરમિયાન રમી ચૂક્યા છે અને હાલમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના સંચાલન સાથે સેવારત છે. ડૉ.નિમેશભાઈ જણાવે છે કે, ‘‘જ્યારે હું 10-12 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને શોખથી શરૂ કરેલા ક્રિકેટને મેં આજ સુધી જાળવી રાખ્યું છે. જો કે આ માટે મને કોઈ ટ્રેનીંગની જરૂર નથી પડી કારણ કે હું સતત પ્રેક્ટિસ કરતો રહેતો હતો. આજે વ્યસ્ત શિડયુલમાં પણ અમે બધા ડૉક્ટરોની ટીમ મળીને દર રવિવારે લાલભાઇ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ રમીએ છીએ અને ક્રિકેટ એસોસિયેશનના માનદ મંત્રી તરીકે સેવા આપું છું અને મિત્રો સાથે ક્રિકેટ રમવાનું આજે પણ નથી છોડયું જેથી ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે છે. વધુમાં તેઓ જણાવે છે કે અન્ય રમતો કરતાં મને ક્રિકેટ રમવું વધારે ગમે છે જેથી એક સારી એકસરસાઈઝ પણ થઈ જાય છે.’’

ઘણા લોકો જ્યારે 60 પ્લસ પછી એવું વિચારતા હોય કે હવે તો રિટાયર થયા અને હવે આપણાથી ફિઝિકલ એક્ટિવિટી નહીં થાય ત્યારે પણ કેટલાક સીનિયર સિટીઝ્ન્સ એવા છે જેઓ 70 પ્લસ પછી પણ સ્પોર્ટસ જેવી ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાઈ રહ્યા છે. જો કે અમુક ઉંમર પછી મહિલાઓનું શરીર સાથ નથી આપતું કે પછી સમાજની ટીકાના ડરે આજે 60 પ્લસ પછી મહિલાઓ આ ફિલ્ડને અલવિદા કરી દેતી હોય છે જેથી તેમની સંખ્યા પાંખી જોવા મળી રહી છે. જો કે ઘણી મહિલાઓ મોટી ઉંમર સુધી યોગા કરતી રહે છે. ટૂંકમાં કહીએ તો આજે જ્યારે નાની ઉંમરે જ આજના યુવાનો થાકી જવાની ફરિયાદ કરતા હોય ત્યારે આ સીનિયર સિટીઝ્ન્સોની એક્ટિવિટીને કાબિલે દાદ તો દેવી જ પડે.

Most Popular

To Top