Health

ગુલાબ માત્ર પ્રેમનું પ્રતીક જ નહીં સૌંદર્ય પણ નિખારશે

બજારમાં એટલી બધી બ્યૂટી પ્રોડકટ્‌સ મળે છે કે આપણે સૌંદર્ય નિખારવા માટે મળતી કુદરતી વસ્તુઓને નજરઅંદાજ કરીએ છીએ. આમાંથી એક કુદરતી ભેટ છે ગુલાબ. ગુલાબ ભલે પ્રેમનું પ્રતીક હોય પરંતુ તમે જાણો છો ખરાં કે ગુલાબમાં એટલા બધા ગુણો છે જે તમારી ખૂબસૂરતીને ચાર ચાંદ લગાડે છે? સુગંધ અને સૌંદર્ય ઉપરાંત ગુલાબ તેના એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફલેમેટરી ગુણો માટે પણ જાણીતાં છે. એ પાંદડીઓના સ્વરૂપે હોય કે ગુલાબજળ હોય એમાં રહેલાં વિટામિન્સ, મિનરલ્સ અને તેલ ત્વચા માટે આશીર્વાદરૂપ છે. ગુલાબની પાંદડીઓ એન્ટી બેકટેરિયલ હોય છે જે સ્કિનને એકનેથી બચાવી એને મુલાયમ રાખે છે. સેન્સીટીવ સ્કિનનું રેડનેસથી રક્ષણ કરે છે. ગુલાબનો બ્યૂટી સાથે બહુ જૂનો સંબંધ છે. પુરાણકાળમાં ગુલાબમાંથી પરફયુમ બનાવવામાં આવતાં. બ્લશ અને લિપ્સ માટેના કલર ગુલાબની પાંદડીઓ પીસી બનાવાતા હતા.

હવે જયારે તમે બ્યૂટી પ્રોડકટ ખરીદવાનું વિચારો તો એ પહેલાં ગુલાબને જરૂરથી ટ્રાય કરજો.
ટોનર
ગુલાબજળ લગાડવાથી સ્કિન ઓઇલ ફ્રી રહે છે. કલીનઅપ બાદ ટોનરની જગ્યાએ ગુલાબજળ લગાડો. જે કોઇ પણ પ્રકારની ગંદકી અને ઓઇલને સ્કિનમાંથી કાઢવામાં મદદ કરે છે.
સનસ્ક્રીન
વિટામિન સી હોવાને કારણે ગુલાબની પાંદડીમાંથી સનસ્ક્રીન બનાવી શકાય છે. સનસ્ક્રીન બનાવવા માટે કાકડીનો રસ, ગ્લિસરિન અને ગુલાબજળ મિકસ કરી ત્વચા પર લગાડો.

ડિટોકસ બાથ
ગુલાબની પાંદડીઓ બોડી રીલેકસ કરે છે. સ્નાન કરતી વખતે બાથટબમાં ગુલાબની પાંદડીઓ, લીંબુના ટુકડા અને ફુદીનાનાં પાન નાખો.
જો બાથટબ ન હોય તો એક બાઉલમાં તે મિકસ કરી એમાંથી સ્ક્રબ બનાવી ત્વચાને એકસફોલીએટ કરો. એનાથી બંધ છિદ્રો ખૂલી જશે અને સ્ક્રિન ફ્રેશ રહેશે.

ગુલાબ ફેસ પેક
ગ્લો માટે

ગુલાબની પાંખડીઓ બરાબર ધોઇ વાટો. તેમાં ૨ ટેબલસ્પૂન બેસન અને થોડું દૂધ નાખી પેસ્ટ બનાવો. ૨૦ મિનિટ બાદ ધોઇ નાખો. આ પેકથી સ્કિન ગ્લો કરશે અને ડેડ સ્કિનથી રક્ષણ થશે.
આ પેકમાંના બેસન અને દૂધ એને સારું એકસફોલીએટર બનાવે છે. એ ત્વચાનું PH બેલેન્સ જાળવી એને હાઇડ્રેટેડ રાખે છે. દૂધના એન્ટી ઓકિસડન્ટ ગુણો ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે અને બેસન એક્‌ને અને ખીલથી છૂટકારો આપે છે.

ડ્રાય સ્કિન માટે
ગુલાબની પાંખડીઓને વાટી એમાં બેસન, દહીં અને ગુલાબજળ મિકસ કરી ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનિટ રહેવા દો. પછી ધોઇ નાખો. આ પેક સ્કિનને મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરશે એટલે ડ્રાયનેસ ઓછી થશે.
દહીંમાં લેકિટક એસિડ હોવાથી એમાં નેચરલ બ્રાઇટનિંગ ગુણ હોય છે. એ વાન નિખારે છે.
સ્કિન ડેમેજ રીપેર માટે
ગુલાબની પાંખડીઓ ત્રણ-ચાર કલાક પાણીમાં પલાળી પછી પેસ્ટ વાટો. પેકમાં મધ મિકસ કરી ૨૦ મિનિટ ફ્રિજમાં ઠંડો કરી પછી લગાડો. પેક સુકાઇ જાય એટલે ધોઇ નાખો.
મધમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. એ ત્વચામાં ઊંડે સુધી જઇ કોષોને પોષણ આપે છે. મધના એન્ટીઓકિસડન્ટ ગુણ ત્વચાને નુકસાન થતું અટકાવે છે. એ ત્વચાને એકસફોલીએટ કરી મૃત કોષો કાઢે છે. ત્વચાને હેલ્ધી બનાવે છે.

સનબર્ન માટે
બે ગુલાબની પાંદડીઓ વાટી તેમાં ૧-૨ ટીસ્પૂન સેન્ડલવુડ પાઉડર અને જરૂર મુજબ દૂધ નાખી પેસ્ટ બનાવો. એને ચહેરા પર લગાડી બરાબર સુકાઇ જાય પછી જ ધુઓ. આ પેક સનબર્નથી થતી બળતરામાં ઠંડક આપશે અને સ્ક્રબની જેમ ડેડ સ્કિન કાઢવામાં પણ મદદ કરશે.
દૂધ કિલનઝરનું કામ કરશે અને સેન્ડલવુડ પાઉડરમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોવાથી એ ત્વચાને ગ્લો આપશે. બંધ છિદ્રોને ખોલી અશુદ્ધિઓ દૂર કરશે.

મોઇશ્ચરાઇઝિંગ પેક
ગુલાબની પાંદડી વાટી તેમાં 2 ટેબલસ્પૂન કોકોનટ મિલ્ક અને ૨ ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મિકસ કરી ચહેરા પર લગાડો.
કોકોનટ મિલ્કમાં ફેટી એસિડ હોવાથી એ ત્વચા માટે સારું મોઇશ્ચરાઇઝર છે. જો તમારી ત્વચા ડ્રાય હોય તો આ પેક તમારે માટે બેસ્ટ છે. આ ઉપરાંત કોકોનટ મિલ્ક અને ઓલિવ ઓઇલમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે જે UV કિરણો સામે રક્ષણ આપે છે અને ત્વચાનું મોઇશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે.

હાઇડ્રેટિંગ પેક
બે ગુલાબની પાંદડીઓ વાટી તેમાં બે ટેબલસ્પૂન એલોવેરા જેલ મિકસ કરો. જો પેસ્ટ બહુ જાડી લાગે તો તેમાં થોડું ગુલાબજળ નાખો. ચહેરા અને ગરદન પર આ પેક ૨૦ મિનિટ લગાડી રહેવા દો.
એલોવેરા નેચરલ મોઇશ્ચરાઇઝર છે. એ ત્વચાને નેચરલ ગ્લો આપશે. એ એસ્ટ્રિન્જન્ટ હોવાથી ત્વચાને ટાઇટ કરી ટેકસચર સુધારશે. એના એન્ટી ઇન્ફલેમેટરી ગુણો ગુલાબ સાથે મળીને એકને અને ખીલ સામે લડવામાં મદદ કરશે.

Most Popular

To Top