Editorial

એકબીજાનું અપમાન કરતાં નેતાઓ ભાવિ પેઢીને શું શિખવવા માગે છે?

ભારત એવો દેશ છે જેના રાજનેતાને દુનિયાના અનેક દેશોના લોકો આદર્શ માને છે. તેઓ તેમના વિચારો, વાણી અને વર્તનનું ઉદારણ આપીને આવા રત્નો તો ભારતમાં જ પાકે તેવું છાતી ઠોકીને કહે છે. આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, જવાહર લાલ નહેરુંનો સમાવેશ થાય છે. અને ત્યાર પછીની પેઢીની વાત કરીએ તો જ્યોર્જ ફર્નાન્ડિસ, અટલ બિહારી બાજપેયી, સુષ્મા સ્વરાજ, નવીન પટનાયકનો સમાવેશ થાય છે. આ એવા નેતાઓ છે કે, જેમણે રાજનિતી કરવા માટે શામ, દામ, દંડ, ભેદ તમામ પ્રકારની નીતિઓ અપનાવી હશે પરંતુ કોઇ દિવસ તેમણે કોઇ અન્ય પાર્ટીના નેતાઓનું જાહેરમાં અપનામ કર્યું નથી. કે તેમને ઉતારી પાડવાની કોશિશ પણ કરી નથી.

ઉગ્ર ચર્ચા અલગ વાત છે અને અપમાન અલગ વાત છે. દરેક પક્ષની નેતા સત્તા મેળવવા માટે જ થતી હોય તે વાત સ્વાભાવિક છે. જેમાં મુખ્ય લડાઇ વિચારધારાની હોય છે. ક્યારેક ક્યારેક આ લડાઇ વ્યક્તિગત પણ શરૂ થઇ જાય છે અને આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ થતાં રહે છે. આ હદ સુધી નેતાઓ જાય તો ઠીક છે પરંતુ હવેના નેતાઓ એકબીજાનું અપમાન કરવામાં કે એકબીજાને ઉતારી પાડવામાં કોઇ કસર બાકી રાખતા નથી. જ્યાં મર્યાદા રાખવાની હોય ત્યાં જ લક્ષ્મણ રેખા ઓળંગી જવાઇ છે. નેતા કોઇપણ પક્ષના હોય તેમને કોઇનું વ્યકિતગત કે જાતિગત અપમાન કરવાનો કોઇ જ અધિકાર નથી. આવું એટલા માટે કે, આ નેતાઓના વાણી, વર્તન અને વિચારોને દેશની ભાવિ પેઢી અનુસરતી હોય છે.

શનિવારની જ વાત કરીએ તો મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીએ જાતિવાદ અને પ્રાંતવાદની વાત કહીને વિવાદનો મધપૂડો છંછેડી નાંખ્યો છે. કોશિયારીએ એક કાર્યક્રમાં કહ્યું હતું કે, ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી લો તો મુંબઈમાં કશું બચતુ નથી. જેની સામે મહારાષ્ટ્રના તમામ નેતાઓ કોશિયારી પર માછલા ધોઈ  રહ્યાં છે.મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ તો નિવેદન આપવાની તમામ સીમાઓ ઓળંગીને એટલે સુધી કહ્યું છે કે, રાજ્યપાલે મહારાષ્ટ્રમાં બધુ બહુ જોયુ હશે પણ કોલ્હાપુરી ચંપલ નથી જોઇ. આમ ઉદ્ધવે રાજ્યપાલને આડકતરી રીતે ચંપલ મારવાની વાત કરી છે. ઉદ્ધવે કહ્યું હતું કે, કોશિયારીએ મરાઠી માનૂસ અને મરાઠી ગૌરવનુ અપમાન કર્યુ છે અને તેમણે માફી માંગવી જોઈએ. એ પછી નક્કી થવુ જોઈએ કે, કોશિયારીને ઘરે પાછા મોકલવામાં આવે કે જેલમાં મોકલવામાં આવે.

રાજ્યપાલ રાષ્ટ્રપતિના દૂત હોય છે અને આખા દેશમાં રાષ્ટ્રપતિનો સંદેશ પહોંચાડે છે. પણ જો એ ભૂલ કરસે તો તેમની સામે કોણ કાર્યવાહી કરશે? હું રાજ્યપાલના હોદ્દા પર બેઠેલા કોઈ વ્યક્તિનુ અપમાન નથી કરવા માંગતો અને હું આ ખુરશીનુ સન્માન કરુ છું પણ કોશિયારીએ મરાઠીઓનુ અપમાન કર્યુ છે અને લોકોમાં તેની સામે ગુસ્સો છે. રાજ્યપાલ ધર્મના નામ પર સમાજને વહેંચવાનો પ્રયત્ન કરીને તમામ હદો પાર કરી રહ્યા છે. કોશિયારીએ તો જાતિવાદ અને પ્રાંતવાદનો ઉલ્લેખ કરીને મોટી ભૂલ કરી જ છે પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યપાલના પદની ગરીમા જાળવી નથી. તો બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજને રાષ્ટ્પતિને રાષ્ટ્રપત્ની કહીને માત્ર તેમના પદનું જ નહીં પરંતુ મહિલાઓનું પણ અપમાન કર્યું છે.

આ બાબતે હોબાળો થતાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નીવાળા નિવેદન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને માફી માગી છે. અધીરે શુક્રવારે માફી માગતા રાષ્ટ્રપતિના નામે ચિઠ્ઠી લખી છે જેમાં તેમને લખ્યું કે- મેં ભૂલથી તમારા માટે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને તમે મારી માફીને સ્વીકારશો તેવી પ્રાર્થના કરું છું. તો બીજી તરફ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાને સભાગૃહમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને હટાવવાની અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જે રીતે ભાજપ સાંસદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનુ નામ લીધુ છે, તે તેમના પદની ગરિમાને ઠેસ પહોંચાડનારુ છે. લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં અધીર રંજને કહ્યુ કે સ્મૃતિ ઈરાની સભાગૃહમાં પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મૂનુ નામ બૂમો પાડીને બોલી રહ્યા હતા. તેમણે આ દરમિયાન મેડમ અને શ્રીમતી એવા કોઈ શબ્દનો ઉપયોગ કર્યો નહોતો. આવું કોઇ કોઇ વખત બને તો સમજી શકાય છે પરંતુ આવું વારંવાર થઇ રહ્યું છે જે નહીં થવું જોઇએ.

Most Popular

To Top