Dakshin Gujarat

ભરૂચના વાલિયાની 13 વર્ષીય પ્રકૃતિ એ અનુપ જલોટા સાથે આ ભજનને સૂર આપ્યા

ભરૂચ : “ રામ ભજલે યા તું ભજલે રહિમ…” આ ગીત હાલ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ભજન (Bhajan) 13 વર્ષની બાળકી પ્રકૃતિ દેસાઇ (Prakriti Desai) અને અનુપ જલોટાના (Anup Jalota) કંઠે ગાવામાં આવ્યું છે. આ બાળકી પ્રકૃતિ ભરૂચ જિલ્લાના અંતરિયાળ વાલિયાની (Valiya) વતની છે અને તેને પદ્મશ્રી અનુપ જલોટા સાથે ગીત (Song) ગાવાનો મોકો મળ્યો છે. આ બાળકીની સંગીત (Music) સફર અંગે વાત કરીએ તો, ગીત સંગીત સહિતની કલા તેની ગળથૂથીમાં છે.

  • પ્રકૃતિ દેસાઈ અને અનુપ જલોટાનું ‘રામ ભજલે યા તુ રહીમ’ લોકપ્રિય થઇ રહ્યું છે
  • અંતરિયાળ આદિવાસી વાલિયા વિસ્તારમાંથી આવી સિદ્ધિ મેળવવાની કલ્પના પણ નહીં થઇ શકે

વાલિયા ગામમાં રહેતી 13 વર્ષીય પ્રકૃતી દેસાઈને વારસામાં જ સંગીતનું જ્ઞાન મળ્યું છે. પ્રકૃતિ દેસાઇના પિતા ઉચેડિયા ગામની પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાળકી જ્યારે માતાના ગર્ભમાં હતી એ સમયથી જ પિતા-માતા સંગીતના સૂરો થકી ગર્ભનું સિંચન કરતા હતા, જેની અસર આજે જોવા મળી રહી છે.

પ્રકૃતિને નાનપણથી જ સંગીતમાં રૂચિ વધી હતી અને માત્ર 13 વર્ષની વયે જ તેણે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે સંગીતના સૂર આલાપ્યા છે. આ અંગે પ્રકૃતિ દેસાઇએ જણાવ્યું હતું કે, મારા પિતાજી અને ભરૂચમાં રહેતા સંગીત ગુરુ જીજ્ઞેશ પટેલ પાસે શાસ્ત્રીય સંગીતના પાઠ શીખી રહી છે. તેનો પદ્મશ્રી અનુપ જલોટા સાથે ગીત ગાવાનો અનુભવ અદભૂત હતો.
આ અંગે પિતા યોગેશ દેસાઈએ પ્રકૃતિની સંગીત યાત્રા અંગે જણાવ્યુ હતું કે, મારા પત્ની પણ શિક્ષક છે. તેઓ પ્રેગ્નેન્ટ હતા ત્યારે હું તેમને સંગીત સાથે ભજનો અને ગીતો ગાઈને સંભળાવતો હતો. ત્યાર બાદ પ્રકૃતિનો જન્મ થતાં જ હું તેને પણ હાર્મોનિયમ પર સુવડાવી ગીતો ગાતો હતો. જેના કારણે આજે પ્રકૃતિને સંગીત પ્રત્યે ઘેલું લાગ્યું છે. આજે પ્રકૃતિ અને મારો 10 વર્ષનો પુત્ર દૃશ્ય સંગીતમાં વિસારદ મેળવી રહ્યા છે. મને ઘણી જ ખુશી છે કે, મારી પુત્રી અને પુત્ર આજે સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.

૨ મિનીટની ટેલીફોનિક વાતચીતમાં સિલેક્ટ થતા ભજનસમ્રાટ અનુપ જલોટા સાથે ગીત ગાવાની તક મળી
યોગેશભાઈએ કોરોના વખતે “રામ ભજલે યા તું ભજલે રહિમ…” મુખડું લખ્યું હતું. તે વખતે તેમના મિત્ર સંજય મિશ્રાએ(બનારસ)આખું ગીત તૈયાર કરી આપ્યું હતું. જેમાં સંગીતકાર એ.આર.રહેમાનના શિષ્ય અને મ્યુઝિક કમ્પોઝિશનના ડાયરેક્ટરના નવદીપ ધાત્રાએ રાગ “ગૌડમલ્હાર” દ્વારા તૈયાર કર્યું છે. સુરત ખાતે રેકોર્ડિંગમાં અનુપ જલોટ સાથે બે મિનીટ વાતચીત થતા ગીત ગાવાની તક મળી. તેમજ ગુજરાતના અદના કલાકાર દેવપગલી સાથે પ્રકૃતિ દેસાઈ સાથે ત્રણ બાળગાયિકાએ ગાયું હતું. અને પ્રકૃતિ દેસાઈ “ઓ લાડકી તું છો મને વહાલી” અને “દીકરીનું દર્દ” હ્રદયદ્રાવક ગીત ગુજરાતમાં લોકપ્રિય થયું છે.

Most Popular

To Top