Comments

શું યુરોપ રશિયન ગેસનો વિકલ્પ શોધી શકશે?

IMFની વૈશ્વિક મંદીની આગાહી વચ્ચે યુરોપિયન દેશોએ તેમના કુદરતી ગેસના વપરાશનું રેશનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે રશિયા યુરોપિયન યુનિયનનો ગેસનો પુરવઠો ઓછો કરી રહ્યું છે અને સામે શિયાળો આવી રહ્યો છે. યુરોપના ઊર્જા પ્રધાનો આવનાર વસંત સુધીમાં EUના ગેસ વપરાશમાં ૧૫ ટકા ઘટાડો કરવાની યોજના પર સંમત થયા છે. તેઓનું માનવું છે કે ભવિષ્યમાં રશિયન ગેસનો સંપૂર્ણ કટઓફ થવાની સંભાવના છે. પ્રમુખ ઝેલેન્સકીએ મોસ્કો પર સમગ્ર યુરોપ સામે ‘ગેસ યુદ્ધ’ચલાવવાનો આરોપ મૂક્યો છે અને યુરોપના નેતાઓને વિનંતી કરી કે તેઓ રશિયન ધમકીઓ સામે હાર ના માને. EUના કુલ ગેસ વપરાશમાં રશિયન ગેસનો હિસ્સો ૪૦ ટકા છે અને ઘરો તેમજ વ્યવસાયો માટે ગેસ એ ઊર્જાનો મુખ્ય સ્રોત છે.

EUના હંગેરી સિવાયના તમામ ૨૭ સભ્ય દેશોએ આ પગલાને ટેકો આપ્યો હતો. આયર્લેન્ડ, સાયપ્રસ અને માલ્ટાને કેટલીક છૂટ આપવામાં આવી હતી જેથી તેઓને વૈકલ્પિક ઊર્જા સ્રોતો શોધવા માટે થોડો સમય મળી રહે. ઉપરાંત રશિયા સાથે વીજ ગ્રીડ સાથે જોડાયેલા બાલ્ટિક દેશોને પણ છૂટ આપવામાં આવી છે. EUના ઊર્જા કમિશનર, કાદરી સિમસનના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયનની ગેસનો સ્ટોરેજ કરતી ટાંકીઓ સામાન્ય રીતે શિયાળા પહેલાં લગભગ ભરેલી હોય છે, પણ અત્યારે માત્ર ૬૬ ટકા ભરેલી છે એટલે કે ૩૩ ટકા ગેસની ઘટ છે.

ફ્રાન્સના વડા પ્રધાન એલિસાબેથ બોર્ને સરકારના પ્રધાનો અને વહીવટીતંત્રોને તેમની કચેરીઓના એર કન્ડીશનીંગ અને હીટિંગનો ઉપયોગ ઘટાડી ઊર્જા બચત અભિયાનની આગેવાની લેવા અનુરોધ કર્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પહેલાં તેના ૫૫ ટકા કુદરતી ગેસના સપ્લાય માટે રશિયા પર નિર્ભર રહેનારા જર્મની માટે આ એક મોટો દાવ છે. છેલ્લે કેટલાક મહિનાઓમાં તેણે આ હિસ્સો ઘટાડીને ૩૦ ટકા કર્યો છે પરંતુ જર્મની એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેની પાસે શિયાળામાં ટકી રહેવા માટે પૂરતા પ્રમાણમાં બળતણનો સંગ્રહ હોય. યુરોપિયન દેશો ઉનાળા કરતાં શિયાળામાં વધુ ગેસનો ઉપયોગ કરે છે.

રશિયાની સરકારી માલિકીની ગેસ કંપની ગેઝપ્રોમે કહ્યું છે કે તે નોર્ડ સ્ટ્રીમ-૧ પાઇપલાઇન દ્વારા જર્મનીને મોકલાતા કુદરતી ગેસનો જથ્થો વધુ ઘટાડશે. જુલાઈ મહિનામાં આ પાઇપલાઇન દ્વારા યુરોપમાં મોકલાતો રશિયન ગેસનો પ્રવાહ ઘણા દિવસો સુધી બંધ રહ્યો હતો. તાજેતરમાં તે ફરી શરૂ થયો છે પણ તેના વોલ્યુમના લગભગ ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે. રશિયા આ બધા માટે મેન્ટેનન્સને લગતાં તકનીકી કારણો આપે છે. પણ છેલ્લા અઠવાડિયામાં ગેસ પુરવઠામાં જે રીતે વિક્ષેપ પડી રહ્યો છે તે જોતાં રશિયા યુરોપને આ શિયાળામાં કેવું પરેશાન કરી શકે છે તેનો ચિતાર મળે છે. યુરોપ અને રશિયા વચ્ચે ઊર્જાનું સંતુલન એકતરફી નથી. રશિયા તેની ઊર્જા માટે નવા ગ્રાહકો શોધે તે કરતાં વધુ સરળતાથી યુરોપ ગેસના નવા સ્રોતો શોધી શકે છે. રશિયાએ ચીનને ગેસ વેચવો હોય તો સાઇબિરીયાની આરપાર વિશાળ પાઇપલાઇન નાખવી પડે.

ઉત્તર અમેરિકાથી પેસિફિક દ્વારા મોકલવામાં આવતા પ્રવાહી કુદરતી ગેસની સરખામણીમાં આ પ્રોજેક્ટ ખર્ચની દૃષ્ટિએ અવ્યવહારુ છે. યુક્રેન યુદ્ધ પછી રશિયાને ઊર્જા ક્ષેત્રે અલગ પડવાનું જોખમ ઊભું થયું છે અને આ શિયાળામાં રશિયાની ઊર્જા બાબતે વર્તણૂક કેવી રહે છે તે નક્કી કરશે કે આ જોખમ વાસ્તવિકતા બની રહેશે કે નહીં. પશ્ચિમી દેશો સામે ઊર્જા કટોકટી મોં ફાડીને ઊભી છે. વિશ્વ બજારો ખોરવાઈ ગયાં છે. આ વૈશ્વિક કટોકટી માટે પુતિનનું યુક્રેન પર આક્રમણ જવાબદાર છે. યુક્રેન જેટલું વહેલું યુદ્ધ જીતી જશે, તેટલી ઝડપથી કટોકટી હળવી થશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top