Columns

એક રાજાનો ‘‘ કેદમાં આનંદ’’ કેવો હોય શેકે?

એક રાજા યુદ્ધ હાર્યો અને યુદ્ધમાં તેના સેનાપતિ, મંત્રી, રાણી, કુંવર બધા જ માર્યા ગયાં અને દુશ્મન રાજાએ તેને જીવતો પકડી કેદમાં પૂરી દીધો.કેદખાનામાં તેણે જોયું કે તેના જેવા બીજા પાંચ રાજાઓ પણ બધું ગુમાવીને આ રાજાની કેદમાં વર્ષોથી હતા.દુશ્મન રાજા ન તેમને છોડતો હતો કે ન મારતો હતો.રાજ્ય, ખજાનો ,રાજગાદી બધું ગુમાવીને રાજાઓ કેદખાનામાં લાચારીભર્યું જીવન જીવી રહ્યા હતા.માત્ર એક વૃદ્ધ રાજાને છોડીને બધા ખૂબ જ દુઃખી હતા અને આ કેદમાંથી છૂટવા ક્યારે મળશે તેમ વિચારીને વધુ ને વધુ દુઃખી થતાં રહેતા.પેલો વૃદ્ધ રાજા અહીં ઘણાં વર્ષોથી કેદ હતો છતાં દુઃખી ન હતો. જાણે તેને કેદમાં ફાવી ગયું હતું.

નવા કેદી તરીકે આવેલો રાજા બહુ દુઃખી હતો.તેણે પેલા વૃદ્ધ રાજાને પૂછ્યું, ‘એક રાજા થઈને તમે આમ વર્ષોથી કેદખાનામાં સડો છો છતાં તમે દુઃખી નથી.શું તમને આ કેદમાંથી છૂટવાનું મન નથી થતું?’ વૃદ્ધ રાજાએ કહ્યું, ‘વર્ષો પહેલાં યુદ્ધ હાર્યો અને પકડાયો હતો ત્યાર બાદ થોડા દિવસ મને તારી જેમ જ ખૂબ ગુસ્સો આવતો હતો,દુઃખ થતું હતું,છૂટવાના પ્રયત્ન પણ કર્યા પણ બધું નકામું ગયું અને થોડાં વર્ષો બાદ મને આ કેદ એક આશિષરૂપ લાગવા લાગી.’

નવા કેદી રાજાએ પૂછ્યું, ‘અરે, આ કેદમાં મને હજુ આ વર્ષોની કેદ તમને આશીર્વાદરૂપ કઈ રીતે લાગી શકે? મારાથી આ કેદ બિલકુલ સહન નથી થતી.’ વૃદ્ધ રાજાએ કહ્યું, ‘આ કેદમાં આવ્યા પછી મને પહેલી વાર એકાંત મળ્યું.રાજા તરીકે તો આખો દિવસ દરબારીઓ,મંત્રીઓ,પ્રજા,દાસ-દાસીઓ,રાણીઓ અને કુંવર અને કુંવરીઓ વચ્ચે વ્યસ્ત અને ઘેરાયેલો રહેતો હતો.કયારેય પોતાની જાતને મળ્યો ન હતો અને જાણતો ન હતો.આ કેદમાં મને એકાંત મળ્યું અને આ એકાંતવાસમાં મેં ઘણું ચિંતન કર્યું અને એકાંતવાસે મારા અંતરપટ ખોલી નાખ્યા.મને જીવનની સાચી સમજ મળી.’

નવા કેદી રાજાએ પૂછ્યું, ‘શું સમજાયું તમને જીવન વિષે?’ વૃદ્ધ રાજાએ કહ્યું, ‘મને સમજાઈ ગયું કે સાચું સુખ શેમાં છે.મને સમજાઈ ગયું કે અત્યાર સુધી મેં મારા પોતાના સુખ માટે કાર્ય તેના હજારમા ભાગના પ્રયત્નો જો મેં બીજાના સુખ માટે કર્યા હોત તો સારું થાત.’નવા કેદી રાજાએ પૂછ્યું, ‘એ તો તમે છૂટીને એક રાજા તરીકે વધારે સારી રીતે કરી શકો.’ વૃદ્ધ રાજાએ કહ્યું, ‘કેદી બનવા પહેલાં હું એક રાજા હતો જ પણ મેં કોઈ એવા પ્રયત્નો કર્યા ન હતા તો હવે શું દેખાડો કરવો.હું અહીં ખુશ છું.સાથી કેદીઓને સાચી સમજ આપું છું,જરૂર પડે તો સેવા કરું છું અને ભગવાનનું નામ લેતો રહું છું.હવે તો જેટલો પણ સમય મારી પાસે છે તે આ રીતે ભગવાનની ભક્તિ અને કેદીઓની સેવામાં જ ગાળવા માંગું છું.આ હતાશા નથી;આ સાચી સમજણ છે-જીવનમાં જે પરિસ્થિતિ સર્જાય તેનું મનન અને સ્વીકાર કરી આનંદનો રાજમાર્ગ બનાવી લેવો.’ વૃદ્ધ રાજાએ સાચી સમજણ આપી.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top