Charchapatra

સરકારી પેન્શનરોનું શું?

ભારત સરકારે જુલાઇ 22નું 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરી દીધું. પેપરમાં સમાચાર વાંચી લાગતા વળગતા ખુશ થઇ ગયા પરંતુ ખરેખર તો તે જાહેર થયેલ 4 ટકા મોંઘવારી ભથ્થુ રાજય સરકારના કર્મચારીઓને હજુ મળ્યું નથી. વળી જાન્યુ. 23નું મોંઘવારી ભથ્થુ જાહેર થયુ નથી તે પણ જાહેર થશે ત્યારે કર્મચારીઓ તેમની રીતે વ્યવસ્થા કરી શકે છે, પરંતુ જેઓ પેન્શન પર જ તેમનો જીવન નિર્વાહ કરે છે તેમને આ મોંઘવારી સામે ટકી રહેવા શું કરવાનું? બેંકો લોન આપે નહીં તેવા સંજોગોમાં કેટલાક પેન્શનરોએ ખાનગી લોનની વ્યવસ્થામાં પડવું પડતું હોય છે અને બાપ કરતા બેટો મોટો હોય તેવું વ્યાજના દૂષણમાં પડવું પડે છે. વળી ભારત સરકારે તો સને 2016માં તેમના કર્મચારીઓ માટે માસિક રૂા. એક હજારનું મેડીકલ એલાઉન્સ પણ જાહેર કર્યું છે. તે બધો તફાવત પણ ચૂકવવાનો બાકી છે ત્યારે પેન્શનરોનું ધ્યાન રાખી ભારત સરકાર અને રાજય સરકાર આ બાબતે જાગૃત થાય તેવું પેન્શનરોનું દૃઢપણે માનવું છે.
સુરત     – પરેશ ભાટિયા     -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ સરકારની નીતિઓ બનાવટી છે
વર્તમાન સરકાર દેશને સ્વનિર્ભર અને આત્મનિર્ભર બનાવવાની વાતો કરે છે. પણ અખબારી અહેવાલો કંઇક અલગ જ દર્શાવે છે. તાજેતરમાં જ આપણે ચીનથી યુધ્ધ સરંજામ ખરીદ્યો છે. એટલું જ નહીં મહામાનવોના મોટા મોટા પૂતળાઓ પણ ચીનથી જ બનીને આવેછ ે. અનેક નાની નાની જીવન જરૂરી ચીજો તો અલગ જ વળી પ્રજાને ચીની બનાવટનો બહિષ્કાર કરવાનો ઉપદેશ અપાય છે અને સરકાર કંઇક અલગ જ આચરણ કરી રહી છે. ચીન પાસેથી શસ્ત્રો ખરીદીની વાતોથી હેરત થઇ. આપણા ચીન સાથેના વર્તમાન વિવાદો જોતા જો યુધ્ધ થાય તો શું આપણે ચીન પાસેથી ખરીદ કરેલા શસ્ત્રો જ તેની સામે ઉગામીશું? વિચારવુ રહ્યું. આપણા ઘણા લોકો પોતાના કસબ અને હુનરને લઇ વિદેશ વસવાટ માટે જઇ રહ્યા છે.

જો આત્મનિર્ભર બનવુ હશે તો તેના કારણો પ્રથમ શોધવા રહ્યા. આપણી દરેક બાબતે નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધી રહ્યં છે. પરિણામે આપણા રૂપિયાનું અવમૂલ્યન થઇ રહ્યું છે. અર્થતંત્ર ખાડે જઇ રહ્યું છે. મોંઘવારી માઝા મુકી રહી છે. પ્રજા પિસાઇ રહી છે. સરકાર દેવુ કરીને વિકાસના બણગા ફુંકી રહી છે. ઘર અને રાષ્ટ્ર ખંડેર થતા જાય છે અને સરકાર મોંઘુ મોંઘુ રાચરચીલુ વસાવતી જાય છે જેમકે પૂતળાઓ સરકારી ઇમરતો ધર્મ સ્થાનો પ્રવાસધામો સ્ટેશનો ટ્રેનોને ભવ્ય બનાવતી જાય છે. પરિણામે દેશ દેવામાં ડુબી રહ્યો છે. જો આમ જ સરકાર કરતી રહેશે તો ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપપ્ન કયારેય સાકાર નહીં થાય તે નક્કી.
નવસારી           – ગુણવંત જોષી    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top