Charchapatra

દરિયાઇ માર્ગે તરંગ પોસ્ટ સેવાનો શુભારંભ

તાજેતરમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા હજીરા સૂરત-ઘોઘા (ભાવનગર) વચ્ચે રોરો ફેરી સવરિસ અંતર્ગત ટપાલ પહોંચાડવાનો નવતર પ્રયોગ કેન્દ્રીય સંચાર મંત્રીના વરદહસ્તે થયાના સમાચાર છે. દરિયાઇ માર્ગે તરંગ પોસ્ટ સેવાના પ્રારંભથી ભાવનગર ટપાલ પહોંચતા પહેલા 30 કલાક થતા હતા તે હવે માત્ર સાત કલાકમાં પહોંચશે. આગામી દિવસોમાં વધુ દરિયાઇ માર્ગો પર આ પ્રકારની સેવા શરૂ થવાનું આયોજન થયું છે. મહિધરપુરા પોસ્ટ ઓફીસ દ્વારા સુરતમાં પાર્સલ વાન સેવા પણ શરૂ કરવામાં આવી છે. જે હાલ પુણા ગામ, સુરત ટેક્ષટાઇલ માર્કેટ, સરોલી, બોમ્બે માર્કેટ વિસ્તારમાં ગ્રાહકો પાસે જઇ નજીવા દરથી 500 ગ્રામના માત્ર 36 રૂા. ચુકવવાથી આ સેવા મળી શકશે. આ બંને સેવાઓ નોંધપાત્ર છે. પણ ટપાલ કર્મચારીઓ નિવૃત્ત થાય છે.

અવસાન પામે છે કે શિક્ષિત નવયુવાન ભાઇ બહેનો બીજી સારી પગારવાળી નોકરી મળતા પોસ્ટ ખાતુ છોડી જાય છે કે પોસ્ટમેન મિત્રો બઢતી મેળવે છે તે જગ્યાઓ ખાલી જ રહે છે. રેલ મંત્રી, સાંસદ દર્શનાબેન, સાંસદ સી.આર. પાટીલ, પરભુભાઇ વસાવા, દ.ગુ. ચેમ્બર ઓફ કોમર્સ, સામાજીક સેવા સંસ્થાઓ, સિનિયર સીટીઝન કલબોને સૂરતના સુજ્ઞ નાગરિકો ઉચ્ચ સ્થળે રજૂઆત કરી સુરતની એંસી લાખની વસ્તી જોતા વધુ પોસ્ટ ઓફિસો પોસ્ટમેન, કારકુનોની ભરતી કરે એ ઇચ્છનીય છે. સુરતની ત્રણે પાંખ યુનિનયનો (ભારતીય, નેશનલ, ઓલ ઇંડિયા) પણ સક્રિય રજૂઆતો કરી કર્મચારીની બઢતી કરાવે એ તાતી માંગ છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પેપરલીક કરનારા અદ્યમ ગુનેગાર છે
કોઇપણ પરીક્ષાના પેપર લીક કરનાર, લીક પેપર વેચનાર, ખરીદનાર અને લીક પેપરના આધારે પરીક્ષા પાસ કરનાર બધા જ અપરાધી છે. અને શિક્ષાને પાત્ર છે. આ બધા કુકર્મીઓ સમાજના ગુનેગાર છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને કલંકીત કરનારા પાતકી ગુનેગારો છે. વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે, ચારિત્ર સાથે, આશા – આકાંક્ષા સાથે આ અવિચારી માણસોએ અધમતા કરી છે. વિશ્વાસઘાત કર્યો છે. એ લોકો અક્ષમ્ય અપરાધી છે. રાજયના વહિવટમાં અસત્યતત્વ ઘુસાડનારા નિર્લજજ, લાલચું અને રાજયદ્રોહી સ્વાપદો છે. પૈસો કમાવવાની ધૃણાસ્પદ લાલસામાં તેઓ કેટલી હદે નીચ કર્મ કરવાનું પસંદ કરે છે અને તેનો દુ:ષપરિણામ તેઓ જોતા નથી. કાળું ધન મેળવવા માટે સારી ગુણવત્તા ધરાવતા, નિસ્વાર્થ, પ્રમાણિક ઉમેદવારોને નિ:ષપ્રભ કરવાનું એમનું કાવતરું છે.

ભ્રષ્ટાચારી, અનૈકતા સર્જનારાઓને વહિવટમાં દાખલ કરવાનો એમનો દુષ્ટ ઇરાદો છે. પેપરો લીક કાંડમાં અનેક નાના મોટા લોકો સક્રીય હોઇ શકે છે. લીક કરવાનું કામ કરીને વિદ્યાર્થી અને વાલીઓ જોડે મહા ભયંકર કૃત્ય કરવાનો અપરાધ કરનારા અપરાધીઓને સખત સજા થવી જોઇએ. જેને જોઇને ફરીવાર આવું ભિષણ કૃત્ય કરવાની કોઇ હિમ્મત જ કરે. ૧૫ ગુનેગાર તો પકડાયા છે તેઓ  બીજા ૧૫ ના નામો બોલશે. બધાને અસહ્ય  એવી સજા મળશે તો જ એમની આંખ ખુલશે. હવે ન્યાયતંત્ર જે કરે તે ખરું?
સુરત     – બાળકૃષ્ણ વડનેરે            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top