Editorial

આઇએમએફની શરત પાકિસ્તાનીઓને રાતા પાણીએ રડાવે તેવી છે

પાકિસ્તાન 76 વર્ષના સૌથી મોટા આર્થિક સંકટ  સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનના આગામી 4 દિવસો ખુબ મહત્વના માનવામાં આવી રહ્યાં છે. વિદેશી મુદ્રાભંડારની કમીના કારણે પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થાને બચાવી રાખવા માટે ઇન્ટરનેશનલ મૉનિટરી ફન્ડ  આઇએમએફ પાસે લૉન માંગી છે. આઇએમએફ જલદી પોતાની શરતોનું ફાઇનલ લિસ્ટ પાકિસ્તાન સાથે શેર કરી શકે છે. ફાઇનલ લિસ્ટ પહેલા IMFની એક શરતથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, IMFએ પાકિસ્તાનના શાહબાઝ શરીફ ની સરકાર પાસે ગ્રેડ 17 અને તેનાથી ઉપરના કેટલા સરકારી ઓફિસર છે, તેની અને તેમના પરિવારના સભ્યોની સંપતિને શેર કરવાનું કહ્યુ છે, એટલે કે કરપ્ટ અધિકારીઓ પર IMF ની સૌથી મોટી એક્શન હશે.

વળી, પાકિસ્તાન સરકારની સામે જો કરપ્શન પર એક્શન થયુ તો સેનાથી લઇને સરકાર સુધી બધાના અસલી ચહેરા સામે આવી જશે. હાલમાં IMF અને પાકિસ્તાન સરકારમાં પૉલીસી નેગૉસિએશન ચાલી રહ્યું છે. જેની ફાઇનલ તસવીર 9 ફેબ્રુઆરીએ સ્પષ્ટ થઇ શકે છે. ખરેખરમાં, પાકિસ્તાનના ખજાનામાં માત્ર 7 દિવસના ગુજારા લાયક ડૉલર બચ્યો છે. આ બધાની વચ્ચે IMF ની શરતોની રાહ પાકિસ્તાન માટે મોટો પડકાર બની ગઇ છે. પાકિસ્તાન પર લગભગ 130 અબજ ડૉલરનું દેવુ ચઢી ગયુ છે. આમા ચીન અને સાઉદી અરબનું દેવુ પણ સામેલ છે.

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 3.09 અબજ ડૉલર છે. ચીનનું લગભગ 30 અબજ ડૉલર દેવુ છે. પાકિસ્તાનની હાલની સ્થિતિની વાત કરીએ તો દેશ અત્યારે અહીં મોંઘવારીનો દર 27.6 ટકા ઉપર પહોંચી ગયો છે અને આ દર 1975 પછી સૌથી વધુ છે પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ દ્વારા જે શરત મૂકવામાં આવી છે તે ખૂબ જ આકરી છે આઇએમએફની અન્ય શરતો ઉપર નજર કરીએ તો IMFએ કહ્યું છે કે, તે 1.2 અબજ ડૉલર ત્યારે જ આપશે જ્યારે પાકિસ્તાન સરકાર આ માટે બાકી તમામ શરતો સાથે રાજકીય ગેરંટી આપે.

રાજકીય ગેરંટીનો સીધો અર્થ છે કે જો કોઈ અન્ય પક્ષ જેમ કે ઈમરાન ખાનનો પક્ષ સત્તામાં આવે તો તે કોઈ વાયદાથી પાછળ હટી શકે નહીં. સમસ્યા એ છે કે ઈમરાન અન્ય રાજકીય પક્ષના વાયદાઓ માનશે નહીં. હવે IMF શું કરે? માનવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદમાં એક વટહુકમ લાવી આ શરત પૂરી કરશે. જો કે આ પણ ઘણું મુશ્કેલ છે. તેના બે કારણો છે. એક-સંસદમાં વિપક્ષ છે જ નહીં. બીજું-6 મહિના પછી વટહુકમ સમાપ્ત થઈ જશે. હવે જોવાનું રહેશે કે 9 ફેબ્રુઆરીએ IMF અને પાકિસ્તાન સરકાર વચ્ચે શું નક્કી થાય છે.

પાકિસ્તાન દેવાળિયું ફૂંકતા કેટલા દિવસો સુધી બચી રહેશે તે જોવાનું રહેશે. હાલમાં સરકાર પાસે માત્ર 3.6 અબજ ડૉલર બચ્યા છે અને તે પણ UAE અને સાઉદી અરબના છે. એટલું જ નહીં.  IMF ઈચ્છે છે કે પાકિસ્તાન સરકાર ઈલેક્ટ્રીસિટી અને ફ્યુલને 60% સુધી મોંઘુ કરે. ટેક્સ કલેક્શન બમણું કરવા કહેવામાં આવ્યું છે. હવે નક્કી થઈ ગયું છે કે 9 ફેબ્રુઆરીએ જ્યારે IMF અને શાહબાજ સરકાર વચ્ચે વાતચીત પૂરી થશે અને જો સરકાર આ શરતો માની લેશે તો મોંઘવારી લગભગ બમણી થઈ જશે.  જાન્યુઆરી 2022માં મોંઘવારી દર 13% હતો. આનો અર્થ એ થયો કે ફક્ત 1 વર્ષમાં મોંઘવારી દર બમણો થઈ ગયો.

આ આંકડો પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (PBS)એ બુધવારે જાહેર કર્યો હતો. PBS મુજબ, 1975 પછી મોંઘવારી સૌથી વધુ છે અને તે વખતે આંકડો 27.77% હતો. સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી અથવા શરમની વાત એ છે કે આ સમયે કરાચી બંદર પર 6 હજાર કન્ટેનર્સ ઊભા છે અને તેને અનલોડ નથી કરી શકાતા કારણ કે બેન્કો પાસે ડૉલર નથી, તેથી પેમેન્ટ થઈ શકતું નથી. કારોબારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેનાથી મોટી મુશ્કેલી સામાન્ય લોકો માટે એ છે કે દૈનિક વપરાશની વસ્તુઓ જેમ કે ફળ, શાકભાજી બધુ અહીં છે અને તે લગભગ ખરાબ થઈ ચૂક્યું છે. હવે તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે બંદર પર નવા કન્ટેનર્સને ઊભા કરવા માટે જગ્યા પણ વધી નથી. પાકિસ્તાનના એક મોટા ન્યૂઝપેપર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્ચૂન’એ બુધવારે એક અહેવાલમાં IMFની એક એવી શર્ત વિશે જાણકારી આપી છે કે જેને પૂરી કરવી હાલ પૂરતી અશક્ય છે.

Most Popular

To Top