Business

વિવનીટ એક્ઝિબિશન : સુરતમાં પહેલીવાર કમળના ફૂલની ડાળીમાંથી બનાવેલું કાપડ જોવા મળશે

સુરત (Surat): આવતીકાલે શનિવાર તા. 23 જુલાઈથી શહેરના સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના (SGCCI) પ્લેટિનમ હોલમાં વિવનીટ એક્ઝિબિશન -2022 (WeaveKniTT Exhibition) શરૂ થવા જઈ રહ્યું છે. કાપડ ઉત્પાદકોના આ પ્રદર્શનમાં પહેલીવાર વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા કમળના ફૂલની ડાળીમાંથી બનાવાયેલા યાર્નમાંથી બનેલા કાપડનું પ્રદર્શન કરવામાં આવશે. તે ઉપરાંત સુરતીઓનું પોતીકું વર્ષોપુરાણું લેપટ કાપડ કેવી રીતે બનતું હતું તે પણ પ્રદર્શનમાં દર્શાવવામાં આવશે. પ્રદર્શનના આયોજકો સુરતના કાપડનો ઉદ્યોગનો 50 વર્ષનો ઈતિહાસ ફરી જીવંત કરશે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન, ધ કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) ના પ્રમુખ રાજેશ મસંદના હસ્તે કરવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બરનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જ્યારે લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યા છે.

આ ઉપરાંત વિવનીટ પ્રદર્શનમાં લેપેટ ફેબ્રિક પણ બાયર્સનું ખાસ ધ્યાન ખેંચશે. સુરતમાં ખૂબ જ ઓછા વિવર્સ દ્વારા આ ફેબ્રિક બનાવવામાં આવે છે. સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં 1 લાખ 16 હજાર સ્કવેર ફુટ એરિયામાં પીલરલેસ એસી હોલમાં યોજાનાર એકઝીબીશનમાં 160 જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે. ગત વર્ષે યોજાયેલા વિવનીટ એકઝીબીશનમાં એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે આશરે રૂપિયા 400 કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. આ સમારોહમાં ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ્સના એડીશનલ ટેકસટાઇલ કમિશનર એસ.પી. વર્મા તથા સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

‘વિવનીટ એકઝીબીશન’ના એડવાઇઝર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ રજૂ કરવા સાથે કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. ‘વિવનીટ એકઝીબીશન’ના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, દુબઇ ખાતેથી UAE ના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્‌સ ગૃપ (ટેકસમાસ)નું પ્રતિનિધી મંડળ પ્રદર્શનની મુલાકાતે આવશે. એકઝીબીટર્સને આંતરરાષ્ટ્રીય કક્ષાના બાયર્સ સાથે સીધો સંપર્ક થશે અને તેઓને ગ્લોબલી બિઝનેસ માટેનું પણ પ્લેટફોર્મ મળી રહેશે.

Most Popular

To Top