Dakshin Gujarat

બારડોલીમાં ચોરીની વધતી જતી ઘટના અટકાવવાના પ્રયાસરૂપે સોસાયટીઓના રહીશોએ અપનાવી આ રીત

બારડોલી : બારડોલીમાં (Bardoli) વધી રહેલી ચોરીની (Theft) ઘટનાને કારણે લોકોનો પોલીસ (Police) પરથી ભરોસો ઊઠી રહ્યો છે. પોતાનું અને પોતાની માલમિકલતનું રક્ષણ હવે જાતે જ કરવાનું નક્કી કરી કેટલીક સોસાયટીઓના રહીશોએ રાત્રિ ફેરી શરૂ કરી છે. રાત્રિના સમયે સોસાયટીના યુવાનો જાગીને ચોરીની ઘટના અટકાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. જ્યારે જિલ્લા પોલીસ માત્ર દારૂ-જુગારના કેસો કરવામાં જ વ્યસ્ત દેખાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી બારડોલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ગત દિવસો દરમિયાન સરદાર વિલા સોસાયટીમાં પિસ્તોલની અણીએ લૂંટની ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય એક સોસાયટીમાં પથ્થરમારો કરી ચોરો નાસી છૂટ્યા હતા. સાઈ ક્રિષ્ના સોસાયટીમાં પણ ચોરોએ બે મકાનને નિશાન બનાવ્યાં હતાં. તો તેનના સહયોગ નગરમાંથી પણ રોકડ અને ઘરેણાંનો ચોરી થઈ હતી.

વારંવાર બનતી ચોરીની ઘટના છતાં પોલીસ એક્શનમાં દેખાતી નથી. ત્યારે પોલીસે ખુદ સોસાયટીઓના રહીશો સાથે મીટિંગ કરી પોતાની રક્ષા જાતે કરવા માટેની સૂચના આપી હતી. પોલીસ સ્ટાફ ઓછો હોવાથી પહોંચી વળાય તેમ ન હોય લોકોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. પોલીસે પણ હાથ ઊંચા કરી દેતાં હવે લોકોએ પણ જાતે જ પોતાનું રક્ષણ કરવાનું મુનાસીબ માન્યું છે અને રાત્રિ ફેરીની શરૂઆત કરી છે. તારીખ અને વાર પ્રમાણે સોસાયટીઓના રહીશોએ વારા બાંધી સોસાયટીઓમાં રાત્રિ ફેરી ફરી રહ્યા છે. ભૂતકાળમાં થયેલી ચોરીના ભેદ ઉકેલી ન શકેલી પોલીસ હવે લોકોનો સહયોગ મળી રહ્યો છે ત્યારે કેટલી સક્રિય થઈને ચોરોને પકડવામાં પોતાનું પરાક્રમ બતાવી શકે છે એ જોવું રહ્યું.

બારડોલીમાં કારનો કાચ તોડી ચોર કારટેપ સહિત કુલ 1.60 લાખનો સામાન ચોરી ગયો
બારડોલી: બારડોલીની મધ્યમાં આવેલી સર્વોદયનગર સોસાયટીમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી ચોર બિનધાસ્ત કાર ટેપ અને અંદર મૂકેલા સામાન મળી કુલ 1.60 લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બારડોલીની સર્વોદય નગરમાં આવેલા મેહુલભાઈ ભટ્ટના મકાનના આંગણામાં તેમના પુત્રએ કાર પાર્ક કરી હતી અને રાત્રે ઘરમાં સૂઈ ગયો હતો. શુક્રવારે મળસકે તેમની કારને એક ચોરે નિશાન બનાવી હતી. ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક શખ્સ તેમની કાર પાસે આવે છે અને કારનો પાછળની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કરે છે. કારમાંથી 1.35 લાખની કિંમતની કાર ટેપ ઉપરાંત ઓનલાઈન મંગાવેલા 19 હજારની કિંમતના બુટ અને કપડાં મળી અંદાજિત 1.60 લાખ રૂપિયાની ચોરી કરી નાસી છૂટે છે.

સવારે જ્યારે મેહુલભાઈનો પુત્ર ઊઠે છે ત્યારે કારનો કાચ તૂટેલો જોતાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ગત મહિને પણ સર્વોદયનગરમાં મૂકેલી બે કારમાંથી કાર ટેપની ચોરી થઈ ગઈ હતી. અન્ય એક ઘટના ગાંધી રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં બની હતી. નિકુંજ મૈસુરિયાના ઘરની બહાર મૂકેલી કારનો કાચ તોડી અંદરથી પણ ટેપની ચોરી કરી ગયા હતા. વારંવાર બનતી ચોરીની ઘટનાની લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે જિલ્લા પોલીસ દારૂ અને ગાંજાના ગુનાની સાથે સાથે ચોરીના ગુના ઉકેલવામાં પણ ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે.

Most Popular

To Top