Madhya Gujarat

લુણાવાડા સહિત 5 તાલુકામાં પાણીની સમસ્યા

આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા સહિત પાંચ તાલુકાના દોઢ સો ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાય તેવો ભય ઊભો થયો છે. આ પાંચ તાલુકાના ગામોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તાત્કાલિક તળાવો ભરવામાં આવે તેવી માગણી સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી છે. આ અંગે તેઓએ જળસંપત્તિ મંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી હતી. લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, કપડવંજ અને કઠલાલ તાલુકાના અંદાજે દોઢ સો જેટલા ગામોને સુજલામ સુફલામ યોજના તથા અન્ય વિવિધ યોજનાના સ્ત્રોતથી સિંચાઇની સુવિધા આપવા તતા ગામ તળાવને જોડાણ કરી પાણીથી ભરવા માટે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળીને રજુઆત કરી હતી. આ રજુઆતમાં રતનસિંહે જણાવ્યું હતું કે, કપડવંજ, કઠલાલ તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી સિવાય અન્ય કોઇ પાણીનો સ્ત્રોત નથી. અપૂરતા વરસાદના કારણે દર વર્ષે તળાવ ખાલી જ રહે છે. જેથી ભૂગર્ભજળ ખૂબ જ નીચા જવાના કારણે કુવા અને બોર પણ સુકાઇ રહ્યાં છે. પીવાના પાણીની તથા સિંચાઇના પાણી માટે કાયમી સમસ્યા છે, જેને લઇને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. પાણી સમસ્યાથી ઝઝુમતા દોઢ સો ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પાણીની અછતના કારણે તેઓ દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યાં છે. સિંચાઇથી વંચીત વિસ્તારો જેવા કે કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા તાલુકાના દોઢ સો જેટલા ગામ તળાવને જમીન સંપાદન ન કરવા પડે તેવા આશયથી પાઇપ લાઇન દ્વારા જોડાણ કરવા પણ રજુઆત કરી છે.

પાઇપ લાઇન દ્વારા જોડાણ કરવાથી જમીન સંપાદન કરવી નહીં પડે
કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા તાલુકાના દોઢ સો જેટલા ગામ તળાવોને જમીન સંપાદન ન કરવી પડે તેવા આશયથી પાઇપલાઇન દ્વારા જોડાણ કરવા પણ સાંસદે રજૂઆત છે. અગાઉ રજૂઆતના અનુસંધાને 80 લાખ રૂપિયાના ખર્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં રૂપિયા 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આઠ તાલુકા માટે બજેટમાં 14 કરોડની જોગવાઇ કરવામાં આવી
કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદ, ગળતેશ્વર, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ જેવા તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂપિયા 200 કરોડની કિંમતની રિચાર્જ વેલ ,પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવની કેપેસીટી વધારવા વિગેરે કામગીરી તબક્કાવાર કરવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. આ કામ માટે 14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પંચમહાલના સંસદ રતનસિંહ રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બજેટમાં નાણાંની જોગવાઇ કરવા બદલ આભાર માન્યો હતો.

Most Popular

To Top