Charchapatra

ગુજરાતમાં દારૂબંધી પુન: વિચારણા માંગે છે

બોટાદ જિલ્લામાં અને ધંધુકા પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઘણાં ગરીબ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે એમના કુટુંબનું શું થશે, એ વિચારે હૃદય દ્રવી ઊઠે છે. સરકારે એમના કુટુંબને રાહત આપવાનું આયોજન કરવું જોઇએ. ગુજરાતમાં ગરીબ લોકો અને મજૂર વર્ગ દેશી દારૂ પીએ છે, જેને લઇને આવી ઘટના બને છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તો ધારાસભાની ચૂંટણી સાથે દારૂબંધી ચાલુ રાખવી કે હટાવી લેવી, ઉપર મતદાન લેવામાં આવે. જો બહુમતી લોકો દારૂબંધી હટાવી લેવા માટે મત આપે તો દારૂબંધી હટાવી લેવી જોઇએ.

આખરે લોકશાહીમાં લોકોનો નિર્ણય જ આખરી ગણાય છે. ગાંધીજીના નામે દારૂબંધી ચાલુ રાખવાનો કોઇ અર્થ નથી. દેશનાં મોટા ભાગનાં રાજયોમાં દારૂબંધી નથી. વળી ગાંધીજી આખા દેશના નેતા હતા, માત્ર ગુજરાતના નહિ. અમેરિકામાં વાઇન અને બીઅર ગ્રોસરી સ્ટોર્સમાં મળે છે. ગુજરાતમાં પણ વાઇન, બીયર અને તાડીની છૂટ કરીને ગ્રોસરી અને અન્ય સ્ટોર્સમાં મળે એ રીતનું આયોજન કરવાનો સમય હવે પાકી ગયો છે. જેથી ગરીબ અને મજૂર વર્ગ જે દેશી દારૂ પીએ છે એમને એમાંથી ઉગારી શકાય અને એ લોકોની કિંમતી જિંદગી પણ બચાવી શકાય.
નવસારી  – દોલતરાય એમ. ટેલર            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top