SURAT

હવે સુરતની યુનિવર્સીટીમાં કોઈપણ ફેકલ્ટીના ઉમેદવાર કોઈપણ કોર્સ કરી શકશે

સુરત: શહેર (Surat)ની વીર નર્મદ દ.ગુ.યુનિ. (VNSGU)એ નેશનલ એજ્યુકેશન પોલિસી (National education policy) અંતર્ગત મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણાવી તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને મુક્ત કરવા ક્રાંતિકારી પહેલ ભરી છે. શહેરની વીર નર્મદ દ.ગુ.યુનિ.ખાતે સોમવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ તેમજ મલ્ટિ લેવલ એક્ઝિટ અંગે નિર્ણય કરાયો છે. આ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અંતર્ગત સરકારે કરેલી ભલામણો ઉપર મંથન કરાયું હતું. એકેડેમિક કાઉન્સિલે તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને મુક્ત કરવા કોશિશ શરૂ કરી છે.

આ અંગે માહિતી આપતા એકેડેમિક કાઉન્સિલના સદસ્ય ડો.સ્નહેલ જોષીએ કહ્યું હતું કે, દરેક ફેકલ્ટીના ઉમેદવાર પોતાની ફેકલ્ટીના વિષય સિવાયના વિષય પણ ભણી શકે એ માટે શક્યતાઓ ચકાસાઇ રહી છે. એ માટે આગામી પંદરમી જુલાઇના રોજ દરેક ફેકલ્ટીની તેમજ બોર્ડની બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી મામલે ચર્ચા કરાશે. જે મુજબ કઇ ફેકલ્ટી સાથે કયા વિષય અધર ફેકલ્ટીના ભણાવી શકાય એ અંગે યાદી તૈયાર કરાશે. હાલ યુનિ.આશરે 600 જેટલા વિષયો ભણાવે છે. તે પૈકી કયા અને કેટલા વિષયો કઇ ફેકલ્ટીના ઉમેદવારોને અધર ફેકલ્ટી સબ્જેક્ટ તરીકે આપી શકાય એ અંગે ફાઇનલ થશે.

મલ્ટિ લેવલ એક્ઝિટ એટલે અધૂરા અભ્યાસનું કલંક મટી જશે

સંજોગવસાત અધૂરો અભ્યાસ કરતાં ઉમેદવારોને પાછળથી ઘણી વખત વસવસો થતો હોય છે. સેંકડો ઉમેદવારો એવા છે, જેમણે બાર પાસ પછી અભ્યાસ છોડી દીધો હોય. આ ઉમેદવારો ગ્રેજ્યુએટ નહીં થઇ શકતાં અધૂરા અભ્યાસને પગલે કોઇ ડિગ્રી કે કોઇ પ્રમાણપત્ર મેળવી શકતા નહોતા. પરંતુ હવે આવા ઉમેદવારોને પણ તેમના અભ્યાસ મુજબ પ્રમાણપત્ર કે પદવી મળશે. આ અંગે એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો.સ્નેહલ જોષીએ કહ્યું હતું કે, યુનિ. મલ્ટિ લેવલ એક્ઝિટ અંગે પણ વિચારી રહી છે. જેમાં ધોરણ-12 પછી કોલેજનું પહેલું વરસ કરનારને ડિપ્લોમા, બીજું વરસ કરનારને એડ્વાન્સ ડિપ્લોમા તેમજ ત્રીજું વરસ કરનારને ડિગ્રી અપાશે. જે યુનિ. ઓલરેડી જે-તે ફેકલ્ટીના સ્નાતકને આપે છે. પરંતુ પહેલાં બે વરસ માટે પણ ડિપ્લોમા આપવા વિચારણા ચાલી રહી છે.

પીજી અને યુજીની ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવાશે

વીર નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કે.એન.ચાવડાની ધારણા આખરે સાચી પડી છે. વીર નર્મદ યુનિ.એ બે અઢી મહિના પહેલાં ફાઇનલ યરના ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવા મન બનાવી લીધું હતું. પરંતુ ઉપરથી રાજ્ય સરકારે રૂક જાવનો આદેશ આપતાં આ વાત અટકી પડી હતી. અને યુનિ.એ એ પછી ઓનલાઇન એક્ઝામ્સ નાછૂટકે લેવી પડે તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ સ્થિતિ વચ્ચે સરકારે આગામી પંદરમી જુલાઇથી ડાયરેક્ટ એજ્યુકેશન ચાલુ કરવા જાહેરાત કરતાં યુનિ.એ પણ સ્નાતકના છઠ્ઠા સેમેસ્ટર તેમજ અનુસ્નાતકના ચોથા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવા નક્કી કરી લીધું છે. એ માટે બે પરીક્ષા વચ્ચે ગેપ સહિતનો પ્રોગ્રામ અપાશે.

Most Popular

To Top