Sports

શ્રીલંકામાં ફાટેલી હિંસા એશિયા કપ સહિતના ક્રિકેટ આયોજનો સામે પ્રશ્નાર્થ

શ્રીલંકામાં સરકાર સામે ફાટી નીકળેલા વિરોધને પગલે દેશભરમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી છે અને તેના કારણે કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે અને તેના કારણે દેશમાં જે આગામી મોટા રમત આયોજનો સામે તેની સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખાસ તો આગામી એશિયા કપ 2022નું આયોજન શ્રીલંકામાં થવાનું છે. એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)એ થોડા સમય પહેલા જ શ્રીલંકાને તેની યજમાની સોંપી હતી. આ ટૂર્નામેન્ટનું આયોજન 27 ઓગસ્ટથી થવાનું છે, પરંતુ દેશભરમાં ભારે હિંસા વચ્ચે શ્રીલંકામાં એશિયા કપ 2022 નું આયોજન જોખમમાં છે.

આર્થિક સંકટ બાદ હવે શ્રીલંકામાં હિંસા શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન પદેથી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ પણ લોકોનો ગુસ્સો શમ્યો નથી.  શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ દેશભરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ઈમરજન્સી એક્ઝિક્યુટિવ મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં એશિયા કપ 2022ની યજમાની અને શ્રીલંકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે ચર્ચા થવાની શક્યતા છે. કોલંબોમાં SLC એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાવાની છે. સ્થાનિક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે તેઓ દુબઈમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઔપચારિકતા અંગે ચર્ચા કરશે. મીડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગેની ચર્ચા પણ બેઠકમાં એજન્ડામાં હશે..

શ્રીલંકાને એશિયા કપ 2022ની યજમાની કરી શકશે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે 27 જુલાઈ સુધીનો સમય તેમને આપવામાં આવ્યો છે. અર્જુન રણતુંગા અને સનથ જયસૂર્યા સહિત ઘણા માજી ક્રિકેટરો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.  એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચૂક્યા છે કે એશિયા કપ 2022ના આયોજન અંગેનો અંતિમ નિર્ણય અમદાવાદમાં IPL 2022ની ફાઈનલ બાદ લેવામાં આવશે. દેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે SLC એ પાકિસ્તાન સામેની 3 મેચની ODI શ્રેણી રદ કરી છે. આ શ્રેણી જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન નક્કી કરવામાં આવી હતી. હવે માત્ર બે ટેસ્ટ જ રમાશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

પ્રવાસની તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે. આ તરફ ઓસ્ટ્રેલિયન ટીમનો જૂન-જુલાઈમાં થનારો શ્રીલંકા પ્રવાસ પણ ખતરામાં છે. હાલમાં શ્રીલંકાની આર્થિક સ્થિતિને જોતા ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરી શકશે કે કેમ તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. સોમવારે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ વિરોધ અને હિંસા વધુ તીવ્ર બની છે. આ હિંસામાં 5 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ જૂન-જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરવો પડશે. ઓસ્ટ્રેલિયાએ આ પ્રવાસમાં ત્રણ ટી20 મેચ, પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 7 જૂનથી 12 જુલાઈ સુધી યોજાનાર આ લાંબા પ્રવાસ માટે શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે આ પ્રવાસ પૂર્વ આયોજિત સમયે થશે. આજથી ત્રણ અઠવાડિયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને આ પ્રવાસ માટે કોલંબો પહોંચવાનું છે, જ્યાં હાલ સ્થિતિ સૌથી ખરાબ છે. ટીમ આખા પ્રવાસ માટે કોલંબોમાં 16 દિવસ વિતાવશે, જે શંકાના દાયરામાં છે કારણ કે શ્રીલંકાના વડા પ્રધાનના રાજીનામા પછી સ્થિતિ વધુ વણસી ગઈ છે.

સુરક્ષા વડા સ્ટુઅર્ટ બેઇલીએ ગયા મહિને આર્થિક સંકટ વચ્ચે દેશની મુલાકાત લીધી હતી અને મુલાકાતને લઈને સુરક્ષાની વાત કરી હતી. સોમવારે રાત્રે થયેલી હિંસા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મોનિટરિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાનો શ્રીલંકા પ્રવાસ દેશની અર્થવ્યવસ્થા માટે વધુ સારો સાબિત થઈ શકે છે, જ્યાં લોકો ખાદ્યપદાર્થોની અછત અને પાવર કટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ માટે 18 મહિનાના ક્રિકેટ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ત્યાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા ટીમ ભારતનો પ્રવાસ પણ કરશે જ્યાં તે 3 T20 મેચ રમશે. આ ઉપરાંત ટીમને 2023માં ફેબ્રુઆરી-માર્ચમાં ભારત સામે બહુપ્રતીક્ષિત ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે.

હાલની આ સ્થિતિને ધ્યાને લેતા એવું કહી શકાય કે જે રીતે કોરોનાના કારણે વિશ્વભરમાં રમતની ગતિવિધિઓ થંભી ગઇ હતી તે રીતે જ હાલની શ્રીંલકાની હિંસાને કારણે ત્યાં રમતની ગતિવિધિઓ થંભી શકે છે. તાજેતરમાં જ કોરોનાના કારણે ચીનમાં એશિયાડને સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો અને હવે શ્રીલંકાની હિંસાને કારણે જો ત્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ અને પાકિસ્તાનની ટીમની સીરિઝની સાથે જ ઉપખંડીય ક્રિકેટ ઇવેન્ટ એશિયા કપને સ્થગિત રાખવામાં આવે કે અન્યત્ર ખસેડવામાં આવશે તો એ બાબત એશિયન ઉપખંડ માટે ખરાબ ગણાશે. શ્રીલંકામાં સતત ચાલી રહેલા હિંસાચાર ઝડપથી અટકે અને જેમ બને તેમ ત્યાં શાંતિ સ્થપાય તે ક્રિકેટ વિશ્વ માટે સારી વાત ગણાશે.

Most Popular

To Top