Business

સરભોણ–વાંકાનેર રાજ્ય ધોરી માર્ગ પર આવેલું બારડોલી તાલુકાનું આ છેવાડાનું સુંદર ગામ

સરભોણ-વાંકાનેર રાજ્યધોરી માર્ગ પર આવેલું નિઝર ગામ (Village) બારડોલી તાલુકાનું છેવાડાનું ગામ છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેતીમાં (Farming) શેરડી ઉપરાંત ડાંગર અને શાકભાજીના પાકો લેવામાં આવે છે. સિંચાઇની પૂરતી સગવડ હોવાથી ખેડૂતો બારેમાસ ખેતી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે. પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો મોટા ભાગના પરિવાર વિદેશમાં (Abroad) સ્થાયી થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના લોકો અમેરિકા ઉપરાંત ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, કેનેડા સહિતના દેશોમાં વ્યવસાય અર્થે સ્થાયી થયા છે. જેઓ વખતોવખત માદરે વતન આવી ગામના વિકાસમાં પોતાનો ફાળો આપી માતૃભૂમિની ઋણ અદા કરતા આવ્યા છે.

હળપતિ અને આદિવાસી સમાજ પશુપાલન વ્યવસાય ઉપરાંત ખેતમજૂરી કરે છે. તેમજ કોળી પટેલ, માહ્યાવંશી, આહીર, મૈસુરિયા, પ્રજાપતિ સમાજના લોકો પણ ગામમાં વસવાટ કરે છે. તમામ સમાજના લોકો શાંતિ અને એકતાની ભાવનાથી રહેતા આવ્યા છે. ગામના વિકાસમાં સરકારનો જેટલો ફાળો રહ્યો છે એટલો જ ફાળો ગ્રામજનો અને વિદેશમાં રહેતા એનઆરઆઈઓનો (NRI) પણ રહેલો છે. NRIની મદદથી ગામમાં સુખ સુવિધામાં વધારો થયો છે. શહેર જેવી સુવિધા નાનકડા ગામડામાં ઊભી થઈ રહી છે. જેનો શ્રેય ગ્રામજનો NRIની સાથે સાથે સરકારને પણ આપે છે. ગામના આગેવાન જયંતીભાઈ પરભુભાઈ પટેલ જણાવે છે કે, અમારું ગામ બારડોલી તાલુકાનું છેવાડાનું ગામ છે. આઝાદી પૂર્વે ગામ બ્રિટિશ શાસન હેઠળ આવતું હતું. તો બાજુનું તરસાડી અને કાની ગામ મહુવા તાલુકામાં હોવાથી આ ગામો વડોદરા રાજ્ય એટલે કે ગાયકવાડી સ્ટેટ અંતર્ગત આવતાં હતાં. જ્યારે પણ અંગ્રેજોનું કરવેરાને લઈને દબાણ વધતું ત્યારે ગ્રામજનો ઢોરઢાંખર સાથે હિજરત કરીને તરસાડી જતા રહેતા. જ્યારે અંગ્રેજોનું દબાણ ઓછું થતું ત્યારે પરિવાર સાથે પરત નિઝર આવી જતાં હતા. ગાયકવાડી સ્ટેટનું સરહદ નજીક હોવાથી ગ્રામજનોને આ ફાયદો થયો હતો.

અન્ય એક અગ્રણી શૈલેશભાઈ ભીખાભાઈ પટેલ જણાવે છે કે, અમારું ગામ ભલે બારડોલી તાલુકામાં હોય, પરંતુ ગામના ખેડૂતોની 80થી 90 ટકા ખેતીની જમીન મહુવા તાલુકામાં આવેલી છે. અને આથી જ અમારો વ્યવહાર મહુવા તાલુકા સાથે પણ રહેલો છે. મહેસૂલી કામકાજ હોય કે જમીનને લગતું કોઈ કામકાજ હોય તો મહુવા મામલતદાર કચેરીનો જ સંપર્ક કરવો પડે છે. પાટીદાર સમાજ અંગે તેઓ કહે છે કે, ગામના 200 જેટલા પાટીદાર પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. જ્યારે અહીં 100 જેટલા પરિવારો વસવાટ કરે છે. વિદેશમાં રહીને પણ NRI અમારા ગામને હંમેશાં મદદ કરતાં આવ્યા છે તેમની ગામ પ્રત્યેની લાગણીને કારણે વતનનું ઋણ અદા કરવા તેઓ ક્યારેય પાછા ફરતા નથી. ગામમાં બે મંદિર આવેલાં છે. જેમાં એક લાલજી મહારાજ મંદિર અને દક્ષિણમુખી હનુમાન મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરો ગ્રામજનોની આસ્થાનાં પ્રતીક છે.

ઓછી સરકારી જમીન ગામના વિકાસમાં અવરોધરૂપ
ગ્રામજનોની મુખ્ય સમસ્યા એ છે કે, ગામ પાસે સરકારી જગ્યા ખૂબ જ ઓછી હોવાથી સરકારી આવાસ કે અન્ય કોઈ બાંધકામ કરવું હોય તો શાસકોને મુશ્કેલી પડે છે. ગામમાં અનુસૂચિત જનજાતિની વસતી વધુ હોવાથી તેમના સરકારી આવાસ બનાવવા માટે જગ્યાની જરૂર રહેતી હોય છે. પણ ગામની સીમા ઓછી તેમજ સરકારી જમીનની મર્યાદાને કારણે વિકાસનાં કામોમાં મોટો અવરોધ ઊભો થઈ રહ્યો છે. ગ્રામજનોએ આજુબાજુનાં ગામો પર આધાર રાખવો પડે છે.

  • ગામનો કુલ રકબો : 215.62 હેક્ટર
  • ખેતીલાયક જમીન : 177.30 હેક્ટર
  • ગોચર : 0.89 હેક્ટર

મોટા ભાગના ગ્રામજનોની ખેતીની જમીન મહુવા તાલુકામાં
ગામના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથ જોડાયેલા છે. જો કે, ખેતીની લગભગ મોટા ભાગની જમીન અન્ય ગામોમાં આવેલી હોય મહેસૂલી આવકનો મોટો હિસ્સો પણ અન્ય ગામો ખાસ કરીને મહુવા તાલુકાનાં ગામો લઈ જતાં હોય છે. ગ્રામજનો ભલે બારડોલી તાલુકામાં રહેતા હોય પણ તેમની ખેતીની જમીન મહુવા તાલુકામાં આવેલી હોવાથી તેમણે મહુવા તાલુકા સાથે વિશેષ નાતો રાખવો પડે છે.

ગામનાં બે તળાવની બ્યુટિફિકેશનની તૈયારી
ગામના પાદરે એ સુંદર મજાનું તળાવ આવેલું છે. જે ગામની શોભા વધારે છે. તો અંદાજિત 40થી 50 વીઘાંનું અન્ય એક મોટું તળાવ ગામની સીમામાં આવેલું હોય તે જમીનમાં પાણીના તળ ઊંચા રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ તળાવને કારણે ગામના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તળાવ કિનારે જ વોટરવર્ક્સની બનાવી સમગ્ર ગામને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. ઉપ સરપંચ જણાવે છે કે, આ બંને તળાવને ભવિષ્યમાં બ્યુટિફિકેશન કરી ગામની શોભામાં ઓર વધારો કરવામાં આવશે. આ માટે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે. મંજૂરી મળશે એટલે બંને તળાવોની ફરતે વોક-વે સહિત ફરવાલાયક જગ્યા બનાવવાની અમારી નેમ છે. જે પૂર્ણ થાય તો અમારા ગામની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

  • ગામની વસતીવિષયક માહિતી :
  • કુલ વસતી 1312
  • સ્ત્રી – 640
  • પુરુષ – 672
  • સાક્ષરતા દર – 78.4%
  • અનુસૂચિત જનજાતિ – 675
  • અનુસૂચિત જાતિ – 153
  • કુલ ઘર 293

એસ.ટી. બસોની સગવડ નહીંવત
નિઝર ગામ સરભોણ–વાંકાનેર રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. પશ્ચિમ તરફ તરસાડી ગામ નજીકથી જ મહુવા-બારડોલી રાજ્ય ધોરી માર્ગ અને ઉત્તર તરફથી બારડોલી-નવસારી રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. ત્રણ તરફથી રાજ્ય ધોરી માર્ગ પસાર થતા હોવા છતાં ગામમાં એસ.ટી. બસોની સુવિધા નહીંવત છે. ગામમાં કોરોનાકાળ પૂર્વે 4થી 5 બસ આવતી હતી. જે હવે માત્ર એક જ બસ આવી રહી છે. બારડોલી ડેપોના રેઢિયાળ વહીવટને કારણે ગામના લોકોને બસની યોગ્ય સુવિધા મળતી ન હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગામને ફરીથી અગાઉ ચાલતી બસોના રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.

સામાજિક-શૈક્ષણિક અગ્રણી શૈલેષ પટેલ
ગામના શૈલેષભાઈ ભીખાભાઈ પટેલ પણ સામાજિક, શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ હાલ શ્રી સરદાર બારડોલી તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ મંડળી લિમિટેડના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત વિસ્તારની સૌથી મોટી ગણાતી સરદાર સ્મારક હોસ્પિટલમાં પણ તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. બારડોલી પ્રદેશ કેળવણીમંડળમાં સહમંત્રી, સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટી તાજપોરમાં કારોબારી સભ્ય તરીકે નિયુક્ત થયેલા છે. આ ઉપરાંત અન્ય અનેક નાની-મોટી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હોવાથી બારડોલી વિસ્તારમાં તેમની સારી એવી શાખ જોવા મળે છે.

સામાજિક અગ્રણી મુકેશ પટેલ
ગામના મુકેશભાઈ વનમાળીભાઈ પટેલ પણ સામાજિક ક્ષેત્ર આગળ પડતા છે. તેઓ હાલ સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ અને સંયુક્ત પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

ગ્રામ પંચાયત સતત પાંચ ટર્મથી સમરસ
બારડોલી તાલુકાનાં ખૂબ જ ઓછાં ગામો હશે જ્યાં ગ્રામજનોની આપસી સહમતીથી જ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થઈ જતી હોય છે. નિઝર ગામ તેમાંનું એક છે. ગામના ઉપસરપંચ ઉમેશભાઈ પટેલ જણાવે છે કે, ગામમાં છેલ્લી પાંચ ટર્મથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. ગામમાં અરસપરસની સહમતીથી જ સભ્યો અને સરપંચ નક્કી કરવામાં આવે છે. જેનો ગ્રામ પંચાયતને લાભ પણ મળી રહ્યો છે. પાંચ ટર્મથી સમરસ ગામ થવાથી ગ્રામ પંચાયતને રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતમાંથી પુરસ્કાર રૂપે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી ગામના વિકાસનાં કામો કરવામાં સરળતા રહે છે. ગામમાં દરેક જાતિના લોકો ભાઇચારાની ભાવનાથી રહેતા હોય, સતત પાંચમી વખત ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચ બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. જે અમારા ગામ માટે ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે, આવી જ એકરાગીતા આગામી ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે માટેના ગ્રામજનો સતત પ્રયાસો કરતા રહે છે.

115 વર્ષ જૂની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન વિદ્યાર્થીઓ માટે જોખમી
ગામમાં આવેલી પ્રાથમિક શાળા 115 વર્ષ જૂની છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમના વડવાઓ પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો હતો. ‘ગુજરાતમિત્ર’ના માજી પત્રકાર સ્વ. અમૃતભાઈ નાયકના પિતા અને બારડોલીના બ્યૂરો ચીફ તુષાર નાયકના દાદા બાપુભાઈ નાયક (સરભોણ) શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમનો નિઝર ગામ સાથે ખૂબ સારો નાતો રહ્યો હોવાનું ગામના અગ્રણી જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું. એટલુ જ નહીં ગામની આ શાળામાં બારડોલી સુગર ફેક્ટરીના વર્તમાન પ્રમુખ અને સહકારી અગ્રણી રમણલાલ સુખાભાઈ પટેલે પણ અભ્યાસ કર્યો હતો. જો કે, હાલ શાળાનું મકાન 115 વર્ષ જૂનું હોવાથી જર્જરિત થઈ ગયું છે. ધોરણ-1થી 8 સુધીના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. ઓરડાઓ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ પૂરવાર થઈ શકે એમ છે. ગ્રામજનો દ્વારા શાળાનું નવું મકાન બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાથી વિદ્યાર્થીઓ જર્જરિત મકાનમાં ભણવા મજબૂર બન્યા છે. આ શાળામાં માત્ર નિઝર જ નહીં, પરંતુ આજુબાજુના તરસાડી, પથરાડિયા, ગોજી અને આટિયા ફળિયા, કાનીના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવે છે.

શાળાની કોઈ પણ જરૂરિયાત હોય તો ગ્રામજનો હંમેશાં સહાયરૂપ થતાં હોય છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મથી લઈ પાઠ્યપુસ્તક, નોટબુક અને પગરખાં પણ દાતાઓ દ્વારા આપવામાં આવતા હોય છે. બાળકોને ઘર બેઠા માધ્યમિક શિક્ષણ મળી રહે તેમજ આજુબાજુના ગ્રામજનોને પણ માધ્યમિક શિક્ષણ માટે બારડોલી સુધી લંબાવું નહીં પડે તે હેતુથી સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ નિઝરમાં ધો.9 અને 10ની સરકારી માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શાળાની બાજુમાં આધુનિક મકાન બનાવવામાં આવ્યું છે. જેમાં નિઝર ઉપરાંત આજુબાજુની શાળાના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગામમાં માધ્યમિક શાળા હોવાથી ગ્રામજનોને તેમના બાળકોને બહાર ભણવા મોકલવામાંથી રાહત મળી છે. ઉચ્ચ અભ્યાસ માટે નજીકમાં જ ઉકા તરસાડિયા યુનિવર્સિટી આવેલી છે. ઉપરાંત બારડોલી પણ નજીક પડતું હોય ત્યાં પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે.

  • ગામનાં ફળિયાં
  • સોસાયટી ફળિયું
  • કંટોલ ફળિયું
  • માહ્યાવંશી ફળિયું
  • જૂનું ફળિયું
  • નવું ફળિયું
  • પટેલ ફળિયું
  • કોળીવાડ ફળિયું
  • શાંતિવન
  • સ્નેહ રેસિડેન્સી
  • પથ્થર ફળિયું
  • ગ્રામ પંચાયત બોડી
  • # ગીતાબેન ભુલાભાઈ હળપતિ – સરપંચ
  • # ઉમેશભાઈ રમણભાઈ પટેલ – ઉપ સરપંચ
  • # સુમિત્રાબેન કમલેશભાઈ હળપતિ – સભ્ય
  • # ધર્મિષ્ઠાબેન ભરતભાઇ પટેલ – સભ્ય
  • # રામિલાબેન કિશોરભાઈ રાઠોડ – સભ્ય
  • # મુકેશભાઈ સોમાભાઈ હળપતિ – સભ્ય
  • # રાકેશભાઈ સોમાભાઈ હળપતિ – સભ્ય
  • # નિકુંજભાઈ ઠાકોરભાઈ પટેલ – સભ્ય
  • # ઇલાબેન અશોકભાઇ હળપતિ – સભ્ય
  • # દક્ષાબેન એમ. પટેલ – તલાટી કમ મંત્રી ફોટો : જર્જરિત પ્રાથમિક શાળા, અત્યાધુનિક સરકારી માધ્યમિક શાળા

પિયત મંડળીને કારણે ખેડૂતોને સિંચાઈમાં સરળતા
ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી સિંચાઇની પણ આવશ્યકતા રહે છે. ગામમાંથી કાકરાપાર ડાબા કાંઠાની કેનાલની પાણી સિંચાઇ માટે મળી રહેતું હોવાથી ખેડૂતોની સિંચાઇ માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ખેડૂતોને સરળતાથી સિંચાઇનું પાણી મળી રહે એ માટે ગામમાં નિઝર વિભાગ પિયત સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી છે. મંડળીના પ્રમુખ મુકેશભાઈ વનમાળીભાઈ પટેલ જણાવે છે કે, પિયત મંડળીની સ્થાપના થવાથી ગામના ખેડૂતોને સરળતાથી અને સમયસર પાણી મળતું થયું છે. જેથી પહેલા જે ખેતરમાં પાણી પીવડાવવા માટે ખેડૂતોમાં પડાપડી થતી તે ઓછી થઈ છે. ખેડૂતો શાંતિથી પોતાના પાકને પાણી આપી શકે છે. પાણી સમયસર મળવાથી પાક પણ સારો પાકે છે. જેનો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે.

ગામની દૂધમંડળીમાં દૈનિક 300 લીટર દૂધની આવક
ખેતીની સાથે સાથે ગામના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન પણ કરવામાં આવે છે. ખાસ કરીને હળપતિ સમાજ, આહીર સમાજ અને કોળી પટેલ સમાજના લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં નિઝર વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળીના પ્રમુખ મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા અનુસાર ગામના સવાર-સાંજ થઈને દૈનિક 300 લીટર જેટલા દૂધની આવક થાય છે. આ દૂધ સુમુલ ડેરીમાં મોકલવામાં આવે છે. દૂધના પોષણક્ષમ ભાવ મળવાથી પશુપાલકોને પણ સારી એવી આવક ઊભી રહી છે. દૂધ ડેરીને કારણે ગામના આદિવાસી સમાજને એક આવક ઊભી થઈ છે જેના કારણે તેમની આર્થિક હાલતમાં પણ સુધારો આવી રહ્યો છે.

ગામમાં બેન્કની સુવિધા ઉપલબ્ધ
નિઝર બારડોલી તાલુકાનું છેવાડાનું ગામ હોવા છતાં અહીં બેન્ક સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં પહેલા બેન્ક ઓફ બરોડાની મોબાઇલ બેન્ક અઠવાડિયામાં એક વખત આવતી હતી. હવે ગામમાં જ બેન્કની કાયમી શાખા થઈ જતાં ગ્રામજનોને રાહત થઈ છે. આ ઉપરાંત ગામમાં જ પોસ્ટ ઓફિસની સુવિધા પણ ઉપલબ્ધ હોય ગામના નાના બચતકારો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.

ગામમાં જરૂરિયાતમંદ તમામ વર્ગોને મેડિકલ અને શિક્ષણ સહાય
ગામમાં મેડિકલ ઈમરજન્સી અને શિક્ષણ માટે ગ્રામજનો તેમજ NRIના સહયોગથી મેડિકલ સહાય ફંડ અને શિક્ષણ સહાય ફંડની જોગવાઈ કરવામાં આવી છે. ગામના તમામ વર્ગોને ઈમરજન્સીમાં મેડિકલ સહાયની જરૂરિયાત જણાય તો 1 લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની સહાય તાત્કાલિક કરવામાં આવે છે. આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સ્કૂલ – ટ્યુશન ફી, યુનિફોર્મ, નોટબુક, પાઠ્યપુસ્તકની સહાયતા કરવામાં આવે છે. વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ જણાઈ તો ઉચ્ચ અભ્યાસ માટે પણ શૈક્ષણિક સહાય કરવામાં આવે છે.

ગામના યુવકો ‘અનુપમ યુવકમંડળ’ ચલાવે છે
ગામમાં યુવકો અનુપમ યુવકમંડળના નામથી એક મંડળ ચલાવે છે. જે મંડળ ગામમાં વિવિધ પ્રવૃત્તિ કરતું આવ્યું છે. અનુપમ મંડળ તહેવારો પર અલગ અલગ પ્રવૃત્તિ અને તેની ઉજવણીનું આયોજન કરે છે. હાલમાં જ આ યુવકમંડળનાં 50 વર્ષ પૂર્ણ થતાં ગામમાં સુવર્ણ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ મંડળ દ્વારા વર્ષમાં એક વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઈમરજન્સીમાં તાત્કાલિક લોહી મળી રહે એ હેતુથી ગામના લોકોના બ્લડગ્રુપની એક યાદી બનાવવામાં આવી છે. જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે જે-તે ગ્રુપના વ્યક્તિનો સંપર્ક કરી તાત્કાલિક લોહીની સગવડ કરી શકાય. એટલું જ નહીં કોરોના કાળ દરમિયાન ગામમાં માસ્ક વિતરણની પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. સાથે ગામના વધુ ને વધુ લોકો કોરોના વિરોધી વેક્સિન મુકાવે એ માટે મંડળના સભ્યો ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા હતા અને વેક્સિન કેન્દ્ર સુધી લાવી રસી મુકાવવાનું કાર્ય કર્યું હતું. અનુપમ મંડળની કામગીરીને ગ્રામજનો બિરદાવી રહ્યા છે.

ગામના વડીલ જયંતીભાઈ પટેલ બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત
ગામના આગેવાન અને વડીલ એવા જયંતીભાઈ પરભુભાઈ પટેલ હાલ બારડોલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ રાજકીય જ નહીં, પરંતુ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં પણ આગળ પડતાં છે. તેઓ બારડોલી સુગર ફેક્ટરીના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ હાલ બારડોલીની પ્રતિષ્ઠિત એવી સરદાર પટેલ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. આ ઉપરાંત સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ બિરાજમાન છે.

બાજુના ગામમાં GIDC આવેલી હોવાથી રોજગારીની સમસ્યા નહીંવત્
નિઝર ગામને અડીને આવેલા મહુવા તાલુકાના તરસાડી ગામે GIDC આવેલી હોય અહીં અનેક ઔદ્યોગિક એકમોની સ્થાપના થયેલી છે. એકદમ નજીકના વિસ્તારમાં જ આ ઔદ્યોગિક એકમો આવેલાં હોય ગ્રામજનોનો રોજગારીનો પ્રશ્ન રહેતો નથી. ગામના મોટા ભાગના તરસાડી ખાતે આવેલી વિવિધ ફેક્ટરી અને ઉદ્યોગોમાં નોકરીએ જતાં હોય છે. જેના કારણે ગામના લોકોનું જીવનધોરણ પણ જળવાયેલું છે.

NRIએ ગામને હરિયાળું કરવાની નેમ લીધી
NRI રમેશભાઈ હીરાભાઈ પટેલે ગામની સીમામાં વધુ ને વધુ વૃક્ષો આવી ગામને વૃક્ષચ્છાદિત બનાવવાની નેમ લીધી છે. તેઓ જ્યારે પણ વતન આવે ત્યારે ગામના જુવાનિયાઓની મદદથી ગામની ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરાવે છે. ગામના તળાવની પાળ હોય કે ગોચર હોય કે પછી ગામનું પાદર હોય ઠેર ઠેર વૃક્ષોનું વાવેતર કરી ગામમાં હરિયાળી રહે તેવા પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેની ગામના લોકો પણ સરાહના કરે છે. એટલું જ નહીં વૃક્ષારોપણ અને તેના ઉછેરમાં પણ મદદ કરતા આવ્યા છે. હાલ ગામના વિવિધ વિસ્તારોમાં હરિયાળી દેખાઈ રહી છે, જે NRIના સહયોગને લઈને જ શક્ય બન્યું છે.

મિનરલ વોટરની ડોર ટુ ડોર ડિલિવરી
ગામના લોકોને મિનરલ વોટર મળી રહે એ માટે પણ ગ્રામજનો દ્વારા સરસ સગવડ કરવામાં આવી છે. મોટા ભાગનાં ગામોમાં મિનરલ વોટર લેવા માટે નક્કી કરેલા સ્થળે જાતે જવું પડતું હોય છે. જ્યારે અહીં મિનરલ વોટર ઘર ઘર પહોંચાડવામાં આવે છે. તદ્દન નજીવા દરે આ સુવિધા ગ્રામજનોને પૂરી પાડવામાં આવે છે.
ભારતીય સૈન્યમાંથી 18 વર્ષની સેવા આપી નિવૃત્ત થયેલા પ્રમોદકુમાર રાઠોડ
સામાજિક, શૈક્ષણિક, સહકારી અને રાજકીય ક્ષેત્ર પ્રતિનિધિ પૂરા પાડનાર નિઝર ગામ દેશની સેવા પણ આગળ પડતું છે. ગામે દેશની સુરક્ષા માટે એક સૈનિક પણ આપ્યો છે. ગામના માહ્યાવંશી મહોલ્લામાં રહેતા પ્રમોદકુમાર દુલ્લભભાઈ રાઠોડે ભારતીય સૈન્યમાં 18 વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત થયા હતા. તેઓ 113 રેજિમેન્ટના આર્ટિલરી વિભાગમાં કાર્યરત હતા. ગત વર્ષે 17મી એપ્રિલ-2021ના રોજ તેમનું કુદરતી અવસાન થયું હતું.

Most Popular

To Top