Dakshin Gujarat

બારડોલીમાં ચોરોએ મળસ્કે ચોરી કરી અને ઉપરથી સોસાયટીના રહીશો પર પથ્થરમારો પણ કર્યો

બારડોલી: (Bardoli) બારડોલી ટાઉન પોલીસ મથક (Police Station) વિસ્તારમાં ઇસરોલી ગામની હદમાં ડ્રીમ હોમ્સ સોસાયટીમાં મંગળવારે મળસ્કે ચારથી પાંચ ચોર ત્રાટક્યા હતા. પાંચ ઘરના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરી નાસવા જતાં ચોર ટોળકી અને સ્થાનિક રહીશો સામસામે આવી જતાં ચોરોએ પથ્થર મારો કર્યો હતો. એક ચોરે રહીશને તાળું મારતા પગમાં ઇજા થઈ હતી. જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ઇજા થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  • બારડોલીના ઇસરોલી ગામે ચોરોએ કરેલા પથ્થરમારામાં બેને ઈજા
  • ચોરી કરીને નાસવા જતાં હતાં ત્યારે જાગી ગયેલા સોસાયટીના રહીશો સામે આવી જતાં હુમલો કર્યો
  • રહીશોએ પણ દંડા ફટકારતાં બે ચોર લોહીલુહાણ, છતાં પાંચેય ચોરટાઓ નાસી છૂટવામાં સફળ રહ્યાં
  • પાંચેક ઘરોને નિશાન બનાવ્યા, સોના-ચાંદીના દાગીના, રોકડની ચોરી

મળતી માહિતી અનુસાર ઇસરોલી ગામે ડ્રીમ હોમ્સ સોસાયટીમાં મળસ્કે સાડા ચારેક વાગ્યાના સુમારે ચારથી પાંચ બુકાનીધારી ચોર ઘૂસી આવ્યા હતા અને પાંચ જેટલા બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. જે પૈકી એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં અને 20 હજાર રૂપિયા રોકડની ચોરી થઈ હતી. ચોરો આવ્યા હોવાની જાણ થતાં જ રહીશો જાગી ગયા હતા અને ચોરનો સામનો કર્યો હતો. લોકો જાગી ગયા હોવાની જાણ થતાં જ ચોરોએ પથ્થરમારો કર્યો હતો. ચોરો અને રહીશો સામસામે આવી જતાં એક રહીશને તાળાનો ઘા કરતાં ઘૂંટણમાં ગંભીર ઇજા પહોંચી હતી.

જ્યારે ચિત્રાંગ ભાવસાર નામના વ્યક્તિને પણ ચોરો સાથેની ઝપાઝપીમાં ઇજા થઈ હતી. બંનેને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામે પક્ષે રહીશોએ પણ દંડાથી પ્રહાર કરતાં બે ચોર લોહીલુહાણ થયા હોવાનું રહીશોએ જણાવ્યું હતું. જો કે તમામ ચોર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે મોડી સાંજ સુધી બારડોલી ટાઉન પોલીસ મથકમાં આ અંગે હજી સુધી કોઈ ગુનો નોંધાયો નથી.

Most Popular

To Top