Dakshin Gujarat Main

પત્ની મંદિરમાં દર્શન કરવા ગયા અને કારમાં બેઠેલા વાપી ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા

વાપી: વાપીમાં (Vapi) આજે સોમવારે સવારે ચોંકાવનારી ઘટના બની છે. અહીંના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી સરાજાહેર હત્યા (Vapi BJP Vice President Shailesh Patel Shot Dead) કરી દેવાઈ છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ આજે સવારે પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ધડાધડ ફાયરીંગ (Firing) કરીને કારમાં બેઠેલાં શૈલેષ પટેલનું ઢીમ ઢાળી દીધું હતું. જૂની અંગત અદાવતમાં આ મર્ડર (Murder) થયું હોવાની આશંકા છે.

  • વાપી તાલુકા ભાજપના ઉપ પ્રમુખની ફાયરિંગ કરી હત્યા
  • ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિર દર્શન કરવા ગયા હતા
  • બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર
  • જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા
  • ઘટનાને કારણે માહોલ ગરમ, પોલીસે હાથ ધરી તપાસ

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા કોચરવા ખાતે આવેલા શિવ મંદિર ખાતે ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન માટે ગયા હતા. તેમની પત્ની મંદિરમાં પૂજા કરી હતી ત્યારે શૈલેષ પટેલ કારમાં બેસી તેમની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા 4 હુમલાખોરોએ તેમની પર 4 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું, જેમાંથી 3 ગોળીઓ શૈલેષ પટેલને વાગતા તેઓનું કારમાં જ મોત થયું હતું. તેઓને લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સવારે 7.15 કલાકની આસપાસ બનેલી આ ઘટનાના લીધે વાપીમાં માહોલ તંગ બન્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે ફાયરીંગ કરનાર અજાણ્યા ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોનું પગેરું શોધવાના પ્રયાસ શરૂ કરાયા છે.

ડીવાયએસપી બી.એન. દવેના જણાવ્યા અનુસાર કોચરવા ગામમાં સવારે 7થી 7.15 વચ્ચે વાપી ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પર ચાર અજાણ્યા હુમલાખોરો દ્વારા ફાયરીંગ કરાયું હતું. આ હુમલામાં શૈલેષ પટેલનું મૃત્યુ થયું છે. પોલીસની ટીમ તપાસ કરી રહી છે. શકમંદોના નામ સામે આવ્યા છે.

Most Popular

To Top