National

રાજસ્થાનમાં એરફોર્સનું મિગ-21 પ્લેન ક્રેશ થઈને મકાન પર પડ્યું, ચારના મોત

નવી દિલ્હી: રાજસ્થાનના હનુમાનગઢમાં આજે તા.8 મે 2023ના રોજ સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ (Indian Airforce Mig 21 Plane Crash) થઈને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જો કે, બંને પાઇલોટ્સ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. હનુમાનગઢના એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું કે વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. તે બહલોલનગરમાં ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયું અને એક ઘર પર પડ્યું હતું. અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.

વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે, એરફોર્સના મિગ-21એ આજે ​​સવારે નિયમિત તાલીમ માટે ઉડાન ભરી હતી. પછી તે ક્રેશ થયું. બંને પાયલોટ પોતાની જાતને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક મિગ-21 એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલોટ શહીદ થયા હતા.

મિગ 21 1960માં કાફલામાં જોડાયું હતું
મિગ-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયેત મૂળના મિગ-21 એરક્રાફ્ટ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ-21 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં મિગ-21 વિમાનથી લગભગ 200 અકસ્માતો થયા છે.

મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે માર્ચમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ અકસ્માતો થયા છે, જેમાંથી 29 IAF પ્લેટફોર્મ સામેલ છે.

મિગ-21ને કાફલામાંથી દૂર કરવામાં આવી રહ્યું છે
મિગ-21 ક્રેશની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને એરફોર્સ તેને તેના કાફલામાંથી હટાવી રહી છે. એરફોર્સે ગયા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 બાઇસનની એક સ્ક્વોડ્રનને હટાવી દીધી હતી. યોજના 2025 સુધીમાં મિગ 21 ના ​​બાકીના ત્રણ સ્ક્વોડ્રનને તબક્કાવાર બહાર કરવાની છે.

Most Popular

To Top