Dakshin Gujarat

વાપીનાં આ ગામે ફ્લેટની આકારણી માટે 2.5 લાખની લાંચ માંગનાર મહિલા સરપંચ અને પતિ પકડાયા

વલસાડ-વાપી: (Vapi) વાપીના ચંડોર ગામે એક રેસિડન્સીમાં ફ્લેટોની આકારણી (Assessment) કરવા માટે મહિલા સરપંચે રૂ. 2.5 લાખની લાંચ (Bribery) માંગી હતી. જેના પગલે ફ્લેટ રાખનારે એસીબીને (ACB) ફરિયાદ કરતાં એસીબીએ વાપી હાઇવે પર ખોડિયાર હોટેલમાં એક છટકું ગોઠવ્યું હતુ. જેમાં રૂ. 2.5 લાખ પૈકીની રૂ. 1 લાખની રકમનો હપ્તો લેવા આવેલી મહિલા સરપંચ અને તેનો પતિ એસીબીના છટકામાં રંગેહાથ પકડાઇ ગયા હતા.

  • ફ્લેટની આકારણી માટે 2.5 લાખની લાંચ માંગનાર સરપંચ અને પતિ પકડાયો
  • વાપીના ચંડોરની મહિલા સરપંચ અને તેના પતિને લાંચ લેતા વલસાડ એસીબીએ પકડી પાડ્યા

એસીબી પાસેથી મળતી વિગત મુજબ વાપી તાલુકાના ચંડોર ગામે બનેલી હનુમંત રેસિડન્સીમાં એક રહીશે કેટલાક ફ્લેટો રાખ્યા હતા. જેની આકારણી કરવાની બાકી હોય, ગ્રામ પંચાયતમાં તેની આકારણી માટે મહિલા સરપંચ મયુરીબેન મુકેશભાઇ પટેલે તેની પાસેથી રૂ.2.5 લાખની માંગણી કરી હતી. જેના બદલામાં ફ્લેટની આકારણી કરી આપવા જણાવ્યું હતુ. ત્યારે આ પૈસા નહીં આપવા માંગતા ફ્લેટ ધારકે એસીબીને ફરિયાદ કરી હતી.

જેના પગલે વલસાડ એસીબીના પીઆઇ કે. આર.સક્સેનાએ પોતાની ટીમ સાથે વાપી ખોડિયાર હોટેલના પાર્કિંગમાં સોમવારની સમીસાંજે એક છટકું ગોઠવ્યું હતુ. જ્યાં ફ્લેટ ધારકે સરપંચને રૂ.1 લાખ આપવાનો વાયદો કર્યો અને તેમને ત્યાં બોલાવ્યા હતા. મહિલા સરપંચ મયુરી તેના પતિ મુકેશ ભુલા પટેલ સાથે ત્યાં પહોંચી હતી. જેને રૂ.1 લાખની લાંચ સ્વીકારતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. જેમને ડિટેઇન કરી એસીબીએ તેની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top