Dakshin Gujarat

બારડોલી તાલુકાની સરહદને અડીને આવેલું કામરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વાંસદા રૂંઢી

બારડોલી તાલુકાની સરહદને અડીને આવેલું કામરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વાંસદા રૂંઢી. આ ગામ ડુંગર ચીખલીથી વલથાણ હાઇવે અને વિહાણથી સીમાડી કોસમાડી હાઇવે જતાં એમ બે માર્ગની વચ્ચે વસેલું છે. ગામના ઇતિહાસ અંગે વાતો કરતાં ગામના સરપંચ છનાભાઈ ચીમનભાઈ રાઠોડ જણાવે છે કે વર્ષો અગાઉ વાંસદા અને રૂંઢી બંને ગામો અલગ હતાં. ગામની ખાડીને પેલે પાર વાંસદા અને હાલ જે ગામ છે ત્યાં રૂંઢી ગામ આવેલું હતું. પરંતુ લોકવાયકા મુજબ વાંસદા ગામમાં તે સમયે પ્લેગ જેવો રોગચાળો ફાટી નીકળતાં ત્યાંથી આખું ગામ હિજરત થઈને રૂંઢી ગામમાં આવીને વસી ગયું હતું. અને ત્યારથી વાંસદા રૂંઢી એક જ ગામ થઈ ગયું હોવાનું વડીલો પાસેથી સાંભળવા મળ્યું છે. જો કે, વધુ ઇતિહાસ વિશે તેમને પૂરતી માહિતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. વાંસદા રૂંઢી આઝાદી પૂર્વે ગાયકવાડી રાજ્ય હેઠળ આવતું હતું.

ગામના આગેવાન અને અનેક સહકારી, સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હરેશભાઈ પટેલ કે જેઓ હરેશ રૂંઢીના નામથી લોકપ્રિય છે. તેમણે ગામની વિગતવાર વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે, સાથે જ થોડા અંશે કેટલાંક કુટુંબો ખાસ કરીને આદિવાસી સમાજ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે. તેઓ આગળ જણાવે છે કે, વાંસદા રૂંઢી ગામનો વિસ્તાર ખૂબ જ નાનો છે. આથી અહીંના જે ખેડૂતો છે તે પૈકી મોટા ભાગના ખેડૂતોની જમીન આજુબાજુનાં મોતા, પાલી, સેગવા, સેવણી અને મીરાપુર ગામની સીમામાં આવેલી છે. ગામમાં થતા પાકો વિશે માહિતી આપતાં તેઓ જણાવે છે કે, અમારા ગામમાં મહત્તમ ખેડૂતો શેરડીની ખેતી કરતા આવ્યા છે. જેનું કારણ એ છે કે, બારડોલી, કામરેજ, ચલથાણ જેવી સુગર મિલો નજીક પડતી હોય અને ભાવ પણ સારા મળતા હોવાથી ખેડૂતો શેરડીની ખેતી કરતા આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો શાકભાજીની ખેતી કરીને પણ રોજીરોટી મેળવી લે છે. શાકભાજી માટે સુરતનું એપીએમસી માર્કેટ નજીક હોવાથી ભીંડા, ફ્લાવર, દૂધી સહિતની ખેતી ખેડૂતો કરતા આવ્યા છે.

નાનકડું ગામ હોય કોઈ વિવાદ જોવા મળતો નથી. તમામ સમાજના લોકો હળીમળીને રહેતા આવ્યા છે. ખાસ કરીને અહી ચરોતરિયા લેઉવા પાટીદાર, હળપતિ, રમાનંદી, માહ્યાવંશી અને મૈસુરિયા સમાજના લોકો ભાઇચારાથી રહે છે અને ગામના વિકાસમાં ફાળો આપી રહ્યા છે. અહીં સૌથી વધુ વસી અનુસૂચિત જનજાતિની છે. જે કુલ વસતીના 59.76 ટકા જેટલી છે. જે પૈકી મોટા ભાગના લોકો ખેતમજૂરી સાથે જોડાયેલા છે. ગામમાં સામાજિક એકતા અને સૌહાર્દ જળવાઈ રહ્યો છે. ગામની મોટા ભાગની સમસ્યાઓ અને મુશ્કેલીનો ગામના લોકો ભેગા થઈને તેનું નિરાકરણ લાવતા હોય છે.

ગામમાં રહેતા ચરોતરિયા પાટીદાર સમાજમાંથી મોટા ભાગના લોકો વિદેશમાં ખાસ કરીને અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા છે. જેઓ પણ પોતાના વતનનું ઋણ અદા કરવા માટે હંમેશાં તત્પર રહેતા હોય છે. તેમના સહયોગ થકી ગામનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. વિદેશમાંથી જરૂરી વિકાસનાં કામો અંગે તેમનો સહયોગ મળતો હોય છે. જેથી ગામમાં પ્રાથમિક જરૂરિયાતનાં કામો પૂર્ણ કરવામાં સરળતા રહે છે.

આઝાદી પૂર્વે વાંસદા રૂંઢી ગાયકવાડી શાસન હેઠળ આવતું હતું. જેને કારણે ગામમાં જરૂરી સુવિધા તે સમયે પણ ઉપલબ્ધ હતી. કોઈ મોટી સમસ્યાઓ ગામમાં જોવા મળતી નથી. જેનાથી ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, ખાસ કરીને આ ગામ બારડોલી તાલુકાની સરહદને અડીને આવેલું હોય તાલુકામથક કામરેજ કરતાં અહીંના લોકો બારડોલી સાથેનો વ્યવહાર વધુ રાખતા આવ્યા છે. તેમના માટે બારડોલી જ મુખ્ય મથક સમાન છે. બીજી તરફ ગામમાંથી તાલુકા મથક કામરેજ સુધી જવા માટે વાહન વ્યવહારની કોઈ સીધી સુવિધા ન હોવાથી ગ્રામજનોએ કામરેજ જવા માટે ખાનગી વાહનોનો જ ઉપયોગ કરવો પડે છે. ગામના ખેતમજૂરો અને ગરીબ પરિવારો માટે થોડી મુશ્કેલી સર્જે છે.

નાનકડું ગામ છતાં સહકારિતાનો વિકાસ
વાંસદા રૂંઢી ગામ નાનું હોવા છતાં સહકારી પ્રવૃત્તિના પાયા પણ વર્ષો પહેલાં નંખાઈ ગયા હતા. સહકારી પ્રવૃત્તિ અહીં નાના પાયે વિકસેલી જોવા મળે છે. ગામમાં આઝાદી બાદ 1950માં વાંસદા રૂંઢી સેવા સહકારી મંડળી નામથી એક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળીના કાર્યક્ષેત્રમાં વાંસદા રૂંઢી ઉપરાંત મીરાપુર અને ખાનપુર ગામનો સમાવેશ થાય છે. અંદાજિત એક કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ મંડળીમાં ખેડૂતો માટે ખાતરનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે, જેમાં હાલ પ્રમુખ તરીકે રમણભાઈ દલપતભાઈ પટેલ છેલ્લાં 31 વર્ષથી સેવા આપી રહ્યા છે. જ્યારે ઘનશ્યામભાઈ રાજેન્દ્રભાઈ વૈધ 33 વર્ષથી મંત્રી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. વિના સહકાર નહીં ઉધ્ધારના સૂત્ર સાથે ચાલતી આ મંડળીનો હેતુ સહકારિતા થકી ખેડૂતોનો ઉધ્ધાર કરવાનો છે. આ મંડળી થકી ખેડૂતો બેફિકર થઈને પોતાની ખાતરની જરૂરિયાત પૂરી કરી શકતા હોય છે. મંડળીને કારણે ખેડૂતોએ વ્યાજખોરો કે શાહુકારોના ચક્કરમાંથી છૂટકારો મળે છે. મંડળી તેમણે ખાતરની ખરીદી પર રિબેટ પણ આપે છે. જેનો ખેડૂતોને ફાયદો થતો હોય છે.

  • ગામની વસતીવિષયક માહિતી (2011)
  • કુલ ઘર–148
  • –  કુલ વસતી – 661
  • પુરુષ – 338
  • સ્ત્રી – 323
  • –  અનુસૂચિત જાતિ – 8
  • પુરુષ – 4
  • સ્ત્રી – 4
  • –  અનુસૂચિત જનજાતિ – 395
  • પુરુષ – 201
  • સ્ત્રી – 194
  • –  સાક્ષરતા દર કુલ – 69.53%
  • પુરુષ – 77.08%
  • સ્ત્રી – 61.77%
  • –  કુલ કામદાર – 288
  • પુરુષ – 227
  • સ્ત્રી – 61
  • BPL પરિવાર – 96

ગુજરાતની સરખામણીએ સાક્ષરતા દર ઓછો
2011ની વસતી ગણતરી મુજબ વાંસદા રૂંઢી ગામનો સાક્ષરતા દર ગુજરાતના પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યો છે. ગુજરાતના 78.03 ટકાની સરખામણીમાં આ ગામનો સાક્ષરતા દર 69.53 ટકા છે. ગામમાં પુરુષ સાક્ષરતા દર 77.08 ટકા જોવા મળે છે. જેની સામે સ્ત્રી સાક્ષરતા દર 61.77 ટકા જેટલો નીચો છે. ત્યારે અહીં સ્ત્રી સાક્ષરતા પર કામ કરવું જરૂરી છે.

  • ગ્રામ પંચાયતના પદાધિકારી
  • છનાભાઈ ચીમનભાઈ રાઠોડ – સરપંચ (ફોટો)
  • છોટુભાઈ રણછોડભાઈ પટેલ – ઉપસરપંચ
  • સોનલબેન રમેશભાઈ રાઠોડ – સભ્ય
  • ભારતીબેન ઇન્દ્રજીતભાઈ પરિખ – સભ્ય
  • રૂપલબેન લલ્લુભાઈ રાઠોડ – સભ્ય
  • બળદેવભાઈ ઈચ્છુભાઈ રાઠોડ – સભ્ય
  • ચંપાબેન દિનેશભાઇ રાઠોડ – સભ્ય
  • હેતલબેન મહેન્દ્રભાઈ સોલંકી – સભ્ય
  • અંકિતભાઈ સંજયભાઈ રાઠોડ – સભ્ય
  • કામિનીબેન કે. પટેલ

ઘણા પાટીદાર પરિવાર વિદેશમાં સ્થાયી
કામરેજ તાલુકાના આ નાનકડા ગામમાં વસતા પાટીદારોના કેટલાક પરિવારો વિદેશની ધરતી પર સ્થાયી થયા છે. અહીં દરેક પરિવારમાં અને ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ વિદેશમાં વસે છે. ખાસ કરીને અમેરિકા અને ઈંગ્લેડમાં વસતા લોકો પોતાના વતનનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. તેઓ ગામની પ્રાથમિક જરૂરિયાત મુજબ વારે તહેવારે ગામના વિકાસનાં કામોમાં સહભાગી થતા હોય છે. જેને કારણે ગામનો સમતોલ વિકાસ શક્ય બન્યો છે. સરકારી યોજનાઓ ઉપરાંત એનઆરઆઇના સહયોગથી જ ગામમાં રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આજે દરેક ફળિયાંમાં ડામર રોડ, સીસી રોડ અથવા પેવર બ્લોકથી પાકા રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. જેને કારણે લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે.

સરપંચ તરીકે ત્રીજી વખત વરણી
ગામના સરપંચ છનાભાઈ ચીમનભાઈ રાઠોડની સરપંચ તરીકેની આ ત્રીજી ટર્મ છે. તેમના કાર્યકાળ દરમિયાન સરકારી યોજનાઓ થકી થતાં વિકાસનાં કામોને કારણે ગામના ખૂણે ખૂણે સુવિધાઓ પહોંચી છે. ગામમાં ઘર ઘર નળથી લઈ આવાસ યોજનાઓના લાભો પણ જે-તે લાભાર્થીઓને મળી રહ્યા છે. બે ટર્મ માટે છનાભાઈ સરપંચ તરીકે બિનહરીફ ચુંટાયા હતા, એ સમયે આખું ગામ સમરસ થયું હતું. જો કે, ગત ચૂંટણીમાં જ સરપંચ માટે તેમણે ચૂંટણી લડવી પડી હતી. જેમાં પણ ગામ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકતાં તેઓ ત્રીજી વખત ગામના સરપંચ બની શક્યા છે.

ગામની પ્રાથમિક શાળા 74 વર્ષની થઈ
ગામની પ્રાથમિક શાળાને 74 વર્ષ પૂર્ણ થયાં છે. ગત ફેબ્રુઆરી માસમાં જ ગ્રામજનો અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓએ સાથે શાળાના 74 વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી. તા.11-2-1949ના રોજ શાળાની સ્થાપના થઈ હતી. હાલ શાળામાં 1થી 5 ધોરણ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને બે શિક્ષકો કાર્યરત છે. શાળાનું મકાન પણ નવું બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ગ્રામજનો સતત મદદરૂપ થતા આવ્યા છે. પાંચમા ધોરણ પછી અહીંનાં બાળકોએ મોતા અથવા તો પાલી જવું પડે છે.

ચોમાસામાં ખાડી આફતરૂપ બને છે
ગામના છેવાડે આવેલી ખાડી ચોમાસામાં ગ્રામજનો માટે આફતરૂપ બનતી હોય છે. ભારે વરસાદ પડે ત્યારે ખાડીમાં પૂર આવવાથી ગામનું ખાડી ફળિયામાં પાણી ફરી વળે છે. જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષો જૂની સમસ્યાનો હજી સુધી કોઈ હલ આવ્યો નથી. ગ્રામજનો ખાડી કિનારે પાળો બાંધવાની માંગ કરી રહ્યા છે. જો અહીં પાળો બાંધી દેવામાં આવે તો ગામમાં પ્રવેશતું પાણી અટકી શકે એમ છે. ગ્રામજનોએ આ અંગે રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે સરકાર અને વહીવટી તંત્ર આ બાબતે ખાસ ધ્યાન આપે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે.

  • ગામમાં ઉપલબ્ધ માળખાગત સુવિધા
  • પાણીની ટાંકી
  • પ્રાથમિક શાળા
  • આંગણવાડી
  • મંદિર-3
  • સહકારી મંડળી
  • RO પ્લાન્ટ
  • ધર્માદા દવાખાનું
  • સીસી રોડ
  • ડામર રોડ

ગામનું ગૌરવ ડો.મુકેશ પટેલ 12 વર્ષથી ધર્માદા દવાખાનું ચલાવે છે
તેઓ ભલે વિદેશમાં સ્થાયી થયા હોય પણ તેમનો જીવ તો અહીં જ છે
વાંસદા રૂંઢી ગામના વતની અને હાલ USAમાં રહેતા ડો.મુકેશભાઈ પટેલ ગામના પહેલા ડોક્ટર છે. તેમણે ભારતમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ USAમાં MD કાર્ડિયોલોજિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હાલ તેઓ USAમાં રહીને પોતાનું ક્લિનિક ચલાવે છે. તેઓ ગામનું ગૌરવ છે. ડો.મુકેશભાઈ પટેલ ભલે વિદેશમાં સ્થાયી થયા હોય, પરંતુ ગામના નાનામાં નાના માણસને તબીબી સારવાર સરળતાથી મળી રહે તેની વિશેષ કાળજી તેમણે રાખી છે. તેઓ ગામમાં છેલ્લાં 13 વર્ષથી તેઓ ગામમાં સ્વ.ભીખાબાપા અને ડાહીબા પરિવારના નામથી સાર્વજનિક ધર્માદા દવાખાનું ચલાવે છે. જ્યાં અઠવાડિયામાં ચાર વખત ડોક્ટર આવે છે. અને ગામ ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકોને પણ બિલકુલ નિઃશુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવે છે. તેમની આ પ્રવૃત્તિને કારણે વર્ષે 3થી 4 હજાર દર્દીઓને રાહત થતી હોય છે.

કોરોના પછી બસ બંધ થઈ જતાં લોકોને હાલાકી
વાંસદા રૂંઢી ગામ બારડોલીથી 12 કિ.મી. અને તાલુકા મથક કામરેજથી 15 કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામમાં કોરોના પહેલાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમય બસ આવતી હતી. ત્યાર બાદ બારડોલી એસ.ટી.ડેપોના કથળેલા કારભારને કારણે ગામમાં હવે કોઈ બસ આવતી નથી. ગામમાં બસ સ્ટેન્ડ તો છે પરંતુ બસ ન આવતી હોવાથી વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધોરણ-5 પછી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ બારડોલી કે સુરત જતા હોય છે. પણ ગામમાં બસ ન હોવાથી નાછૂટકે એમણે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. શાળાના સમયે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. નજીકના અલૂરા પાલી જતી બસ અહીંથી જતી હોય બારડોલી જવા માંગતા લોકોને સરળતા રહેતી હતી. પરંતુ હવે બસો સદંતર બંધ કરી દેવામાં આવતાં લોકોએ ખાનગી વાહનો પર જ આધાર રાખવો પડે છે. તાલુકા મથક કામરેજ જવા માટે તો અહીં કોઈ સુવિધા જ ઉપલબ્ધ ન હોવાથી સરકારી કામકાજ માટે જવા માંગતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

એનઆરઆઈ પરિવારના સહયોગથી વારિગૃહનું નિર્માણ
સમસ્ત ગામમાં પીવાની પાણીની સગવડ માટે વર્ષ-1999માં ગામના જ એનઆરઆઈ પરિવારના સહયોગથી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્વ.ભીખાભાઇ કાલીદાસભાઈ પટેલના સ્મરણાર્થે ગં.સ્વ.ડાહીબેન ભીખાભાઈ પટેલ પરિવાર તરફથી વાંસદા રૂંઢી વારિગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના અન્ય પરિવારોએ પણ વારિગૃહના નિભાવદાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. પરિવારના દાનથી ગામના લોકોને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બની શક્યું હતું.

દાતાઓના સહયોગથી પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ કાર્યરત
વારિગૃહની સાથે જ પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ પણ દાતાઓ સહયોગથી ચાલી રહ્યો છે. ગામના સ્વ.ડાહ્યાભાઈ ગુલાબભાઇ પટેલ પરિવાર તરફથી એક લાખના માતબર દાન સાથે આ શુદ્ધીકરણ પ્લાન્ટ વર્ષ-2000માં શરૂ થયો હતો. જેમાંથી ગ્રામજનોને અત્યંત નજીવા દરે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે.

ગામના આગેવાન હરેશ પટેલ બારડોલી અને કામરેજની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા
ગામના આગેવાન હરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ બારડોલી તેમજ કામરેજ તાલુકામાં આવેલી અનેક શૈક્ષણિક, સામાજિક, સહકારી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ગામના વિકાસનાં કામો હોય કે કોઈ અન્ય ગૂંચ પડી હોય તેઓ કામ કરવા માટે હંમેશાં તત્પર હોય છે. સૌપ્રથમ 1988માં ભારતીય જનતા પાર્ટીના બે રૂપિયાના સભ્ય તરીકે પોતાના જાહેર જીવનની શરૂઆત કરનાર હરેશભાઈ આજે વિસ્તારની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ-1995થી વાંસદા-રૂંઢી સેવા સહકારી મંડળીમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેમણે સેવણી રાઈસમિલમાં કારોબારી સભ્ય તરીકે 6 વર્ષ, વિહાણ બાગાયતમાં કારોબારી સભ્ય તરીકે 6 વર્ષ, વિહાણ વિભાગ ક્રેડિટ સોસાયટીમાં કારોબારી સભ્ય તરીકે 8 વર્ષ સેવા આપી છે. હાલ તેઓ બારડોલી સુગર ફેક્ટરીના વાહન ઓપરેટર સમિતિના પ્રમુખ તરીકે છેલ્લાં સાત વર્ષથી કાર્યરત છે. આ પહેલા તેઓ આ જ સમિતિમાં 16 વર્ષ સુધી કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ તેઓ સંકળાયેલા છે. બારડોલીના પ્રસિદ્ધ અગાસી માતા મંદિરના ટ્રસ્ટી તરીકે 20 વર્ષથી કાર્યરત છે. ચરોતરિયા લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ ગંગાધરાના ઉપપ્રમુખ તરીકે 12 વર્ષથી, સંયુક્ત પાટીદાર સમાજના ખજાનચી તરીકે 10 વર્ષથી. ચરોતરિયા લેઉવા પાટીદાર સમાજ–બારડોલી નગરના પ્રમુખ તરીકે દસ વર્ષથી પ્રમુખ તરીકે તેમજ વાંસદા રૂંઢી જય અંબે મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેમણે કેદારેશ્વર મહાદેવ મંદિરમાં કાર્યવાહક સમિતિના મંત્રી તરીકે પણ પાંચ વર્ષ સેવા આપી હતી. શૈક્ષણિક પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો તેઓ હાલ સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, તાજપોર કોલેજના કારોબારી સભ્ય અને એક્ઝિક્યુટિવ સભ્ય તરીકે, જનતા સાર્વજનિક કેળવણી મંડળ (વામદોત હાઈસ્કૂલ)માં છેલ્લા 14 વર્ષથી કારોબારી સભ્ય તરીકે અને વિહાણ હાઈસ્કૂલમાં છેલ્લાં 12 વર્ષથી કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે.

Most Popular

To Top