Dakshin Gujarat

વલસાડની સિંગર વૈશાલીના મર્ડરમાં સામેલ એક કોન્ટ્રાક્ટ કિલર પંજાબથી પકડાયો

વલસાડ, પારડી : વલસાડની (Valsad) ગાયિકા (Singer) વૈશાલી મર્ડર (Murder) કેસમાં હત્યાની સોપારી આપનારી બબિતાને પકડી પાડી પોલીસે (Police) મહત્વની સફળતા મેળવી હતી. જેની પુછતાછ બાદ તેણે જે વ્યક્તિને હત્યાની સોપારી આપી હતી, એ હત્યારાના સાથીદારને પોલીસે પંજાબથી પકડી પાડ્યો હતો. જેણે પણ હત્યામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું છે.

વૈશાલીની હત્યાના કોન્ટ્રાક્ટ કિલરને પકડવા પોલીસે હાથ ધરેલી કવાયતમાં પોલી આ હત્યામાં સામેલા એવા પંજાબના લુધિયાણામાં રહેતા ત્રિલોકસીંગ લાલસીંગને પકડી પાડ્યો છે. તેણે હત્યામાં મુખ્ય આરોપી સાથે મદદગારીની મહત્વની ભૂમિકા ભજવી હતી. બબિતા જે વ્યક્તિ સાથે વાત કરતી સીસી ટીવી કેમેરામાં દેખાઇ હતી એ ત્રિલોકસીંગ જ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ તેની ધરપકડ કરી તેની વધુ પુછતાછ હાથ ધરી છે.

આ સંદર્ભે એક પત્રકાર પરિષદમાં ડીએસપી રાજદિપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું કે, ત્રિલોકસિંગ પંજાબના લુધિયાણાના બસિયામાં રહે છે. તે હત્યાની સોપારી લેનાર મુખ્ય આરોપીનો મિત્ર છે અને તે વલસાડ આવ્યો હતો. ત્રિલોક સીંગ વ્યવસાયે ડ્રાઇવર અને કેટલીક છૂટક મજૂરી કરે છે. જે હત્યાની ઘટનામાં સામેલ થયો હતો. હાલ પોલીસે તેનો ગુનાહિત ઇતિહાસની તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી તેનો કોઇ ઇતિહાસ બહાર આવી શક્યો નથી. હાલ પોલીસ તેની ઝીણવટભરી પુછતાછ હાથ ધરી રહી છે તેમજ આ કેસમાં અન્ય બે આરોપીઓને પકડવાની કવાયત હજુ સુધી ચાલી રહી છે. પોલીસની ટીમ સતત આ કેસની તપાસ કરી રહી છે.

હત્યા થઇ ત્યારે બબિતા ત્યાં જ હતી
પોલીસે પકડેલા ત્રિલોકસીંગની પુછતાછમાં તેણે જણાવ્યું કે, જ્યારે વૈશાલી કાર લઇને આવી ત્યારે બબિતા અને અન્ય બે આરોપીઓ તેની સાથે બેસી ગયા હતા. તેમણે વૈશાલીને બેહોશ કરી અને પછી એક સ્કાર્ફ વડે તેની હત્યા કરી હતી. ત્યારબાદ બબિતા બહાર આવી અને તેણે કહ્યું હતું કે, કામ થઇ ગયું છે. એ દરમિયાન ત્રિલોકસિંગ બહાર નજર રાખતો હતો. બબિતાએ કામ થઇ ગયું એવું જણાવ્યું પછી જ તે કારમાં બેઠો હતો.

હત્યા પહેલા અને પછી તમામ આરોપીઓ સુરત રોકાયા હતા
હત્યા માટે પંજાબથી વલસાડ આવેલા આરોપીઓ પહેલાં સુરત આવ્યા હતા. જ્યાં તેઓ એક હોટેલમાં રાત રોકાયા હતા. ત્યાંથી તેઓ વલસાડ આવ્યા હતા. હત્યા બાદ પણ તેઓ હાઇવે પર આવ્યા અને ત્યાંથી વાહન લઇ સુરત પહોંચ્યા અને ત્યાં જઇ ફરીથી હોટેલમાં રોકાયા હતા. ત્યારબાદ બીજા દિવસે તેઓ ટ્રેનમાં બેસીને પંજાબ પહોંચ્યા હતા.

ત્રિલોક સીંગને સોપારીના રૂ. 1.80 લાખ મળ્યા હતા
હત્યાની સોપારી રૂ. 8 લાખ ત્રણેય આરોપીઓ સરખે હિસ્સે વહેંચવાના હતા. જે પૈકી રૂ. 1.8 લાખ ત્રિલોકસીંગને હાલ અપાયા હોવાનું તેણે કબુલ્યું હતુ. બાકીના પૈસાનો હિસાબ પછી થાય એવું હાલ લાગી રહ્યું છે. જોકે, અન્ય બે આરોપીઓ પકડાય પછી બાકીના રાઝ ખુલશે.

ત્રિલોકસીંગ માજી સૈનિકનો પુત્ર
ત્રિલોકસીંગના પિતા લાલસીંગ માજી સૈનિક હતા. તેઓ ખૂબ પ્રામાણિક અને સીધા વ્યક્તિ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ માત્ર 5 ધોરણ સુધી અભ્યાસ કરનાર ત્રિલોકસીંગ પૈસાની લાલચમાં તેમજ ખોટી સંગતમાં આ હત્યા કેસમાં સામેલ થયો હોવાનું હાલ પ્રારંભિક ધોરણે બહાર આવ્યું છે.

ધોરણ 9 સુધી ભણેલી બબિતા કોણ છે ?
બબિતા મૂળ હરિયાણાની છે. તેના લગ્ન મથુરામાં થયા હતા. તેના સાસરિયાઓ મથુરા રહે છે, પરંતુ કામ અર્થે તેમના સસરા વલસાડ આવ્યા અને અહીં વસી ગયા હતા. બબિતાએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો. જોકે, ધોરણ 9 સુધી અભ્યાસ કરનારી બબિતા સોશિયલ મિડિયામાં રચી પચી રહેતી હોય તે ખૂબ સ્માર્ટ બની ગઇ હતી. તે કાપડની દુકાન પણ પોતાની રીતે જ ચલાવતી હતી. જે પોતાના પૈસાના વ્યવહાર તેના પતિ કે અન્ય કોઇ ઘરના પરિવારના સભ્યને જણાવતી પણ ન હતી. આ હત્યાનો પ્લાન તેણે પોતે જ કોન્ટ્રાક્ટ કિલર સાથે ઘડી કાઢ્યો હતો. જગ્યા જોવા પણ તે સાથે ગઇ હતી અને તેણે જ આ જગ્યા નક્કી કરી હતી. તેમજ હત્યા થઇ ત્યાં સુધી તે ત્યાં જ રહી હતી.

Most Popular

To Top