Columns

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર કુદરતી સંપત્તિથી છલોછલ વલસાડ જિલ્લાનું આ ગામ

ગુજરાત અને મહારાષ્ટ્રની (Gujarat And Maharashtra) સરહદ પર કુદરતી સંપત્તિથી છલોછલ એવા સુથારપાડા ગામમાં શૈક્ષણિક સુવિધા આંખે ઊડીને વળગે તેવી છે. નાશિક જિલ્લાના પેઠની નજીક એવા સુથારપાડા અને કોતલ ગામના (Village) લોકો દ્રાક્ષના બગીચામાં કામ કરવા જાય છે. ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ ગામના લોકો માટે હાથવગાં છે. મહારાષ્ટ્રની બોર્ડર નજીક હોવાથી નાશિક જિલ્લાના પેઠ સાથેનો વહેવાર આ ગામના લોકોનો વધુ છે. વલસાડ જિલ્લાના (Valsad District) કપરાડા તાલુકાનું જાણીતું ગામ એટલે સુથારપાડા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા કોતલ ગામ ગ્રુપ ગ્રામ પંચાયત ગામના લોકો વિકાસની સાથે સાથે અનેકવિધ સમસ્યાઓ અને મુશ્કેલી પણ અનુભવી રહ્યા છે. વાવર જિલ્લા પંચાયત બેઠક અને વાવર તાલુકા પંચાયત બેઠક આ ગામમાં આવે છે.

આ ગામ 5.કિ.મી.ના એરિયામાં ફેલાયેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સુથારપાડાની વસતી 1234 અને કોતલ ગાવની વસતી 441 જેટલી છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદનું ગામ હોવાથી અહીંના લોકોનો મુખ્ય વ્યવહાર મહારાષ્ટ્રના પેઠ સાથે સૌથી વધુ છે. મહત્તમ ધંધા રોજગાર કરવા, રોજીરોટી રળવા પણ ગ્રામજનો પેઠ કે નાશિક સુધી જાય છે. ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ અહીંથી માત્ર 7 કિ.મી. દૂર છે. ગામના મહત્તમ લોકો નાશિક જિલ્લાના દ્રાક્ષના બગીચામાં કામ કરે છે. તો અહીં ભરાતો હોળીનો હાટ પંથકમાં પ્રખ્યાત છે. ત્રણ દિવસ સુધી ચાલતા હાટમાં લાખોની મેદની ઊમટી પડે છે. હાટમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના વેપારીઓ પણ પહોંચે છે. હાટમાં આદિવાસી સંસ્કૃતિના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બને છે. ગામના માજી સરપંચો અને સભ્યોના સંકલન થકી સરકારની યોજનાઓનો લાભ, પ્રાથમિક જરૂરિયાતોની સુવિધાઓ તો ઉપલબ્ધ કરી છે, પરંતુ હજુ ઘણું બધું વિકાસનું કામ કરવાનું બાકી છે.

સુથારપાડા પ્રાથમિક શાળામાં બગીચો અને રમતનાં સાધનો
સુથારપાડા ગામમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે. પ્રાથમિક શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પરિસરમાં બગીચો બનાવાયો છે. બગીચાની માવજત પણ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જ કરે છે. બગીચાને કારણે શાળાનું પરિસર પણ સુંદર અને લીલુંછમ લાગે છે. અહીં ઘાસની લોન પણ ઉગાડવામાં આવી છે. આ ઉપરાંત બગીચાની જગ્યામાં શાળાના વિદ્યાર્થી એવા નાનાં ભૂલકાં માટે નિસરણી તેમજ હીંચકા જેવાં રમતગમત માટેનાં સાધનો મૂકવામાં આવ્યાં છે. શાળામાં રીસેસ દરમિયાન બાળકો અહીં બગીચામાં રમત રમીને હળવાશ અનુભવે છે. સુથારપાડાની આ પ્રાથમિક શાળા અન્ય શાળાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડે તેવું લાગે છે.

સુથારપાડા ગામની વચ્ચેથી પસાર થતો નાશિક રોડ વેપાર માટે આશીર્વાદરૂપ
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે સુથારપાડા આવ્યું હોવાથી દ્રાક્ષના માંડવામાં મજૂરી માટે અહીંના લોકો રોજીરોટી માટે જાય છે. બીજી તરફ સ્ટેટ હાઇવે એવો નાશિક રોડ ધરમપુર-કપરાડામાંથી પસાર થાય છે. કપરાડા તાવુકાના સુથારપાડા ગામની વચ્ચેથી નાશિક રોડ પસાર થતો હોવાથી આ ગામ માટે સ્ટેટ હાઈવે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. નાશિક રોડની બંને તરફ ગામ વસેલું હોવાથી આ રસ્તા નજીક ઘણી વસતી વસી છે. ખાસ તો લોકોએ નાના-મોટી દુકાનો શરૂ કરીને વેપાર શરૂ કર્યો છે. આ વિસ્તારના લોકો માટે પણ નાશિક રોડની બંને તરફ આ ગામ વસેલું હોવાથી ઘણી બધી રીતે લોકોને ઉપયોગી સાબિત થાય છે. નાશિકની નજીક જ આ ગામ હોવાથી ઘણી બધી બાબતોમાં અહીંના લોકો ગુજરાત કરતાં વધુ મહારાષ્ટ્રના નાશિકના પેઠ પર નિર્ભર રહે છે. દ્રાક્ષના માંડવામાં કામ માટે અહીં તો ઘણા લોકો દ્રાક્ષના બગીચા પર પણ નિર્ભર રહે છે. આમ, નાશિક સ્ટેટ હાઈવેના કારણે પણ સુથારપાડા ગામમાં હવે પાકાં મકાનો બની રહ્યાં છે. તેના કારણે ગામ પણ ધીમે ધીમે વિકાસ તરફ ડગ માંડવા લાગ્યું છે.

ગામની સુવિધાઓ પર એક નજર
આ ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, 2 આંગણવાડી, હનુમાન મંદિર, આશ્રમશાળા ઉપરાંત કોતલ ગાવમાં 10 હેન્ડ પંપ, 7 પાણીની ટાંકી, જાહેર શૌચાલયો, પાણી પુરવઠા યોજના, મુખ્ય રસ્તાથી ફળિયાંને જોડતા આંતરિક રસ્તા આવેલા છે

સરકારી પ્રાથમિક શાળામાં પંખા-ગાર્ડન સહિતની સુવિધા
સરકારી પ્રાથમિક શાળામાં કુલ 365 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 10 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. શાળાની નોંધનીય બાબત એ છે કે, આચાર્ય ચેતનભાઈ દળવી સ્થાનિક હોવાથી તેમણે સાથી શિક્ષકો સાથે સંકલન કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા સાથે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, ક્લાસ રૂમમાં પંખા સહિત શાળા કેમ્પસમાં ગાર્ડન પણ બનાવ્યો છે. તો કેમ્પસમાં પણ પેવર બ્લોક હોવાથી ચોમાસા દરમિયાન પણ બાળકોને કોઈ મુશ્કેલી નડતી નથી. તો અન્ય ગામથી આવતાં બાળકો માટે હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે. શાળાનાં અનેક બાળકોએ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. અહીં ગર્લ લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ પણ ચાલે છે. જ્યાં 180 વિદ્યાર્થિની રહીને અભ્યાસ કરે છે. ઉપરાંત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ કાર્યરત છે. આ શાળાઓમાં 120 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

  • ગ્રામ પંચાયતની ટીમ
  • સરપંચ-રંજનબેન રાજેશભાઈ ગુબાડે
  • ઉપસરપંચ-વિજયભાઈ એસ. સરનાયક
  • સભ્યો
  • જેનીબેન એસ. માહલા
  • ગંગારામ કાશીરામ ગુબાડે
  • યેસુદીબેન એમ. મડકે
  • સુશીલાબેન એ. લોખંડે
  • કાશી લક્ષ્મણ લોખંડે
  • વિજય શંકર સરનાયક
  • એવાજ દેવરામ ગાયકવાડ
  • તલાટી-દીપકભાઈ આર. લાધવા
  • રાજકીય ક્ષેત્રે અગ્રણી
  • જિલ્લા પંચાયત સભ્ય-સુરેશ લક્ષ્મણ કામલી
  • તાલુકા પંચાયતના સભ્ય-નિરંજના મનુ જાદવ
  • ગામની વસતી – 1234
  • ગામના વોર્ડ – 8
  • સુથારપાડા -પુરુષ-614-મહિલા-620
  • કોતલગાવ -પુરુષ-211-મહિલા -230
  • કુલ વસતી-1675

પુસ્તકાલય અને કોમ્યુનિટી હોલ માટે સરપંચની પહેલ
ગામનાં વર્તમાન સરપંચ રંજનબેન ગુબાડે કહે છે કે, ગામમાં અગાઉના શાસકોએ પણ રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય શિક્ષણ માટે ઘણું કામ કર્યું છે. છતાં હજુ પોલીસ આઉટ પોષ્ટ, સાર્વજનિક પુસ્તકાલય, કોમ્યુનિટી હોલ, બે ફળિયાંમાં આંગણવાડી બનાવવાની મારી પ્રાથમિકતા છે. સાથે ગામમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા અને જે ફળિયાંમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ઊભી થાય છે, ત્યાં કાયમી ધોરણે સમસ્યા ઉકેલવી મારી પ્રાથમિકતા છે.

એપીએમસી જલદી શરૂ થાય તો સ્થાનિક ખેડૂતોને ફાયદો થાય
ગામના વડીલ અને માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્ય હરિભાઈ રામજીભાઈ ગુબાડેએ જણાવ્યું કે, ગામનો વિકાસ તો ધીરે ધીરે થઈ રહ્યો છે. જો કે, હજુ ઘણું બધું કરવાનું બાકી છે. સરકારે અહીં એપીએમસી તો બનાવી, પરંતુ હજુ તેને શરૂ કરી નથી. જો શરૂ થાય તો શાકભાજી અને ફળફળાદિની ખેતી કરતા ખેડૂતોને વેચાણ માટે સરળતા પડી શકે.

ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત
સુથારપાડા ગામમાં કરોડોના ખર્ચે એપીએમસી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ખર્ચ કરાયો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અહીં ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત થયું હોવા છતાં નવું મકાન બનાવવા કોઈ કાર્યવાહી થઈ નથી. હાલમાં જૂના મકાનમાં કાર્યરત ગ્રામ પંચાયતમાં તલાટી, સરપંચ સહિત ગ્રામજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગામનાં વિવિધ કામો કરવા માટે અમે મક્કમ છીએ: નિરંજના જાદવ
સુથારપાડા કોતલ ગામ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારનાં વાવર તાલુકા પંચાયત સભ્ય નિરંજના મનુભાઈ જાદવે જણાવ્યું કે, તેમના આવ્યા બાદ વિકાસનાં અનેક કામો સુથારપાડા સહિત તેમના મત વિસ્તારમાં કર્યા છે, જેમાં મુખ્યત્વે રસ્તાનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં પાઇપલાઇનનાં કામો કરવામાં આવશે. તેમજ કૂવા, સ્મશાનભૂમિ, આંગણવાડીનાં રિપેરિંગનાં કામો, પ્રાથમિક શાળાઓનાં રિપેરિંગનાં કામો, નાળાં અને સામૂહિક શેડ તેમજ વિવિધ પ્રકારના વિકાસનાં કામો કરવામા આવશે. આ સાથે પ્રજાલક્ષી કામોની સાથે સરકારની વિવિધ યોજનાઓના લાભો પણ લોકોને અમે અપાવ્યા છે. સુથારપાડા એપીએમસી જલદી શરૂ થાય એ જરૂરી છે. એપીએમસી શરૂ થાય તો ખેડૂતો માટે સારી સુવિધા ઊભી થઈ શકે.

તબીબ શિંદે લોકોની સેવા કરી રહ્યા છે, તેઓ કવિ પણ છે
સરકારી દવાખાનાના તબીબ છેલ્લાં 9 વર્ષથી અહીં ફરજ બજાવે છે. સામાન્ય રીતે કહેવાય છે કે, કપરાડા તાલુકામાં નોકરી કરો એટલે સજા મળી હોય તેવું માનવામાં આવે છે. પરંતુ 9 વર્ષથી એમ.ઓ. તરીકે ફરજ બજાવતા ડો.મહેન્દ્ર શિંદેએ આદિવાસીઓ પ્રત્યેની સાચી ચાહના અને લગનની સાથે બોગસ તબીબોની ચુંગાલમાંથી લોકોને બચાવવા શહેરી વિસ્તારોમાં મળતી નોકરી ન સ્વીકારી અહીં સેવા આપી રહ્યા છે. અહીંનાં 40થી વધુ ગામોમાં તમે કોઈને પણ પૂછો ડો.શિંદેને તમામ ઓળખતા જ હોય છે. 24 કલાક સરકારી દવાખાનું ખુલ્લું રહે છે. ભૂતકાળમાં ગર્ભવતી મહિલાઓ પ્રસૂતિ સમયે તાત્કાલિક સારવાર કે માર્ગદર્શનના અભાવે મૃત્યુના કિસ્સા પણ બન્યા હતા કે પછી ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયનના કિસ્સાઓમાં આર્થિક રીતે પણ મુશ્કેલી નડતી હતી. જો કે, ડો.શિંદેના માર્ગદર્શન થકી આજે અહીં મોટા પ્રમાણમાં સફળ રીતે ડિલિવરી થાય છે. તેઓ કહે છે બસ આજ લોકો મારો પરિવાર છે. શહેરી વિસ્તારમાં મળતી તકો છોડી અંતરિયાળ સુથારપાડાને કર્મભૂમિ બનાવી રહેલા ડો.મહેન્દ્ર શિંદે તાલુકા હેલ્થ ઓફિસરની ફરજ દરમિયાન બોગસ તબીબો જે લોકોની જિંદગી સાથે ચેડાં કરતા હોય તેમની સામે અભિયાન ચલાવ્યું હતું. તો સૌથી નોંધનીય બાબત એ છે કે, તેઓ તબીબ હોવા સાથે કવિ અને લેખક પણ છે. તેમણે અત્યાર સુધી 328 કવિતા લખી છે. જ્યારે મહોબ્બતેં, ખ્વાહિશેં, યાદેં, તપિસ, ગુલદસ્તા, સોચ, પૈગામ, આર્જુ નામનાં 8 પુસ્તક પણ લખ્યાં છે. તેઓ કહે છે, બસ અહીંના લોકોની સેવાનું ધ્યેય અને પ્રકૃતિ સાથેનો નાતો હવે મારું મિશન છે. સાથે તબીબ અલગ અલગ વિષય ઉપર 100 જેટલા પ્રોગ્રામ પણ દૂરદર્શન પર કરી ચૂક્યા છે.

એક સમયે આ આશ્રમશાળા એકમાત્ર શિક્ષણનો સ્રોત હતી
કપરાડાના માજી ધારાસભ્ય સ્વ.બરજુલભાઈ પટેલની સંસ્થા સંચાલિત આશ્રમશાળા 1997ના વર્ષથી અહીં કાર્યરત છે, જેમાં 152 વિદ્યાર્થી અહીં રહીને ધો.1થી 8 સુધીનું શિક્ષણ મેળવે છે. આ શાળામાં 3 શિક્ષકો ફરજ બજાવે છે. હાલમાં આ આશ્રમશાળાનું સંચાલન વસંતભાઇ પટેલ કરી રહ્યા છે. જે સમયે અહીં સરકારી શાળાઓ ઓછી હતી તેવા સમયે આશ્રમશાળા એકમાત્ર શિક્ષણનો સ્ત્રોત બની હતી. આશ્રમશાળામાં અભ્યાસ કરી કેટલાય વિદ્યાર્થીઓ તલાટી, શિક્ષક અને અન્ય સરકારી નોકરીઓ કરે છે.

સુથારપાડામાં ઉદઘાટનની રાહ જોતી એપીએમસી
સુથારપાડામાં આજુબાજુનાં 25થી વધુ ગામ વચ્ચે સેન્ટરનું ગામ હોય વળી મહત્તમ લોકો ખેતી સાથે સંકળાયેલા હોય, સરકારે અહીં સ્થાનિક ખેત ઉત્પન્ન વસ્તુઓ ખેડૂતો ટ્રાન્સપોર્ટ ખર્ચ વગર સ્થાનિક કક્ષાએ વેચાણ કરી શકે એ માટે કરોડોના ખર્ચે એપીએમસીનું નિર્માણ કર્યું છે. જો કે, આશરે ત્રણ વર્ષ અગાઉ તૈયાર કરાયેલી એપીએમસી કોઈ અગમ્ય કારણથી શરૂ ન થતાં મકાન ધીરે ધીરે જર્જરિત થઈ રહ્યું છે. છતાં એપીએમસી સાથે સંકળાયેલા પદાધિકારીઓ કે જિલ્લા કક્ષાના સંબંધિત વિભાગના અધિકારીઓએ પણ એપીએમસીને ધમધમતી કરવામાં કોઈ રસ ન દાખવતાં ખેડૂતોએ નાછૂટકે તેમની ખેતી ઉત્પાદનો વેચાણ કરવા મહારાષ્ટ્ર જવું પડે છે. મહારાષ્ટ્રમાં નહીં જાય તો 30 કિ.મી. દૂર નાના પોંઢા એપીએમસીમાં જવું પડે છે, જેમાં વાહનનું ભાડું અને સમયનો વ્યય થાય છે.

૧૦૦ ટકા આદિવાસી વસતી ધરાવતું મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદનું ગામ સુથારપાડા પ્રગતિના પંથે
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સુથારપાડા ગામ આવેલું છે આ ગામ મહારાષ્ટ્રની નજીક હોવાથી અહીંના લોકોનો રોજીરોટીનો વહેવાર નાશિકના પેઠ સાથે વધુ હોવાનું જાવો મળે છે. ગામમાં હનુમાનજીનું મંદિર છે જે લોકોની આસ્થાનું થાનક છે. અહીં આશ્રમશાળા, પ્રાથમિક શાળા તેમજ ઉત્તર બુનિયાદી શાળાઓ છે. સરકારી શાળામાં અહીંના આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તેની વ્યવસ્થા છે. સુથારપાડા ગામના મહિલા સરપંચ દ્વારા વિકાસના ઘણાં કામો શરૂ કર્યા છે. ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતના સૌ સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે સહભાગી થઈ રહ્યા છે. આગામી દિવસોમાં કપરડા તાલુકાનું જ નહીં જિલ્લાનું અગ્રેસર ગામ સુથારપાડા બનશે તેવું કહી શકાય. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ છે. સુથારપાડા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે.

આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીં નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો પાકે છે. અહીંના લોકો મોટાભાગે કુકણા બોલી બોલે છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે. આ ગામ તાલુકા મથક કપરાડાથી મહારાષ્ટ્ર રાજ્યના પેઠ થઈ નાશિક જતા રાજ્ય ધોરીમાર્ગ પર આશરે ૨૩ (ત્રેવીસ) કિલોમીટર જેટલા અંતરે દરિયાઈ સપાટીથી 1,400 ફૂટ (430 મીટર) જેટલી ઊંચાઈ પર આવ્યું છે. ૨૯૩.૪૭ હેક્ટર એરિયામાં પથરાયેલું સુથારપાડા ગામમાં ૨૩૯ જેટલા ઘરધારકો છે. સુથારપાડા ખાતે કાર્યરત આશ્રમ શાળા કેમ્પસમાં જ ઉત્તર બુનિયાદી શાળા ધો.9થી10ની કાર્યરત છે જેમાં 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 5 શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.

હનુમાનજીનું મંદિર આસ્થાનું થાનક
સુથારપાડા ગામમાં હનુમાનજીનું મંદિર છે. જે લોકોની આસ્થાનું થાનક બન્યું છે. હનુમાનજીના મંદિરમાં લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક વારે તહેવારે તેમજ શનિવારે દર્શન કરવા જાય છે.

સુથારપાડામાં રોપાનું વિતરણ કરવા માટે સરકાર કટિબદ્ધ
કપરાડા તાલુકામાં ફળવાળા ઝાડ માટે રોપાનું વિતરણ થાય છે. સુથારપાડામાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ફળવાળા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. રોપાનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતો અને લાકોને ફળવાળા ઝાડ માટે રોપા આપવામાં આવે છે.

પીએચસી હવે સીએચસી બન્યું, પણ બીજા ગામમાં
સુથારપાડા ખાતે અગાઉ તબીબી સુવિધાઓ માટે પી.એચ.સી. કાર્યરત હતું. જો કે, સરકારે તેને અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કર્યું છે. જે માટે 5 કરોડથી વધુની ફાળવણી પણ સરકારે કરી છે. અત્યાધુનિક તબીબી સુવિધાઓ, સાધનો અને ક્વાર્ટરનું નિર્માણ અહીં થઈ રહ્યું છે. જો કે, જગ્યાના અભાવે નવું દવાખાનું અહીં બનાવવાના બદલે ગિરનારા ગામ ખાતે લઈ જવાયું હોવાથી સ્થાનિકોમાં થોડી નારાજગી પણ જોવા મળી રહી છે. અહીં બાળરોગ નિષ્ણાત, ફિઝિશિયન, સ્ત્રીરોગ નિષ્ણાત સહિત તબીબો નથી.

Most Popular

To Top