Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં 48783 યુવાઓ પ્રથમવાર મતદાન કરશે, દ.ગુ.માં દારૂ રોકવા માટે ચેકપોસ્ટ તૈયાર

વલસાડ: (Valsad) લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ (Loksabha Election 2024) જાહેર થતાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે ૨૬ – વલસાડ (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર અંગે માહિતી આપતા જણાવ્યું કે, મત વિસ્તારમાં કુલ ૨૦૦૬ મતદાન મથકો ખાતે મતદાન થશે. જેમાં આ સંસદીય મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભા ક્ષેત્ર ૧૭૩- ડાંગ, ૧૭૭-વાંસદા, ૧૭૮-ધરમપુર, ૧૭૯-વલસાડ, ૧૮૦-પારડી, ૧૮૧-કપરાડા અને ૧૮૨-ઉમરગામનો સમાવેશ થાય છે. સંસદીય ક્ષેત્રમાં ૯,૩૯,૩૭૯ પુરૂષ, ૯,૦૮,૮૧૦ સ્ત્રી અને ૨૨ અન્ય મતદારો મળી કુલ ૧૮,૪૮,૨૧૧ મતદારો છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના વયજૂથના પ્રથમવાર મતદાન કરશે એવા ૪૮,૭૮૩ મતદારો જ્યારે ૨૦ થી ૨૯ વયજૂથના ૮૬,૨૨૩ મતદારોનો સમાવેશ થાય છે. ૨૨૭ સેવા મતદારો અને ૧૩,૨૮૭ દિવ્યાંગ મતદારો છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧,૭૭,૪૪૩ મતદારોનો વધારો થયો છે. વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક ખાતે રેમ્પ અને વ્હીલચેરની વ્યવસ્થા તેમજ ૬૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા અને વયોવૃદ્ધ મતદારોને તેમના ઘર બેઠા મતદાન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.

વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત જાણકારી કે ફરિયાદ માટે કંટ્રોલ રૂમની રચના વલસાડ જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે. હેલ્પલાઈન/ફરિયાદ નિવારણ સેન્ટરના ટેલિફોન નં. ૦૨૬૩૨ ૨૪૦૦૧૪ અને ટોલ ફ્રી નં ૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ કાર્યરત છે. તાલુકા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્રો તથા જિલ્લા કક્ષાએ મતદાર સંબંધી ટોલ ફ્રી હેલ્પલાઈન નં.૧૯૫૦ તેમજ આચારસંહિતાના ભંગ બાબતે લોકો C-vigil appના માધ્યમથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. જેનો ૧૦૦ મિનિટમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાર જાગૃતિ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ટ્વીટર હેન્ડલ @collectorvalsad અને @DeoValsad તેમજ નાયબ જિલ્લા ચૂંટણી કચેરીના ઈ-મેઈલ એડ્રેસ dydeo25@gmail.com કાર્યરત છે.

આચાર સંહિતાના અમલ માટે 84 ટીમ તૈનાત
આચાર સંહિતાની ચૂસ્ત અમલવારી અને મોનિટરીંગ માટે જિલ્લાના પ્રવેશ માર્ગ પર ૩૨ ચેક પોસ્ટની રચના, ૨૦ ફ્લાઈંગ સ્ક્વોડ, ૨૨ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૧૫ વીડિયો સર્વેલન્સ ટીમ, ૫ વીડિયો વ્યુઈંગ ટીમ, ૬ એકાઉન્ટીંગ રૂમ, ૧૬ એમસીસી સહિત કુલ ૮૪ ટીમની રચના કરવામાં આવી છે. સંસદીય મતદાર વિભાગમાં ૭ ડિસ્પેચીંગ અને રિસીવિંગ સેન્ટરો બનાવાયા છે.

દારૂ, ગુટકા અને રોકડ રોકવા માટે 32 ચેકપોસ્ટ
જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ અન્ય રાજ્ય અને સાથે જોડાયેલો વિસ્તાર હોવાથી દારૂ, ગુટખા, રોકડ અને ડ્રગની હેરાફેરી રોકવા ૩૨ જેટલી ચેકપોસ્ટ કાર્યરત થઈ જશે. ૧૨૦૦ થી વધુ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.

ડાંગ જિલ્લામાં ૧,૯૬,૭૭૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
સાપુતારા : ૨૬-વલસાડ (એસ.ટી.) સંસદીય મતક્ષેત્ર હેઠળના ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી માટે પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે તેમ, જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે જણાવ્યુ હતુ. જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાએ કાયદો અને વ્યવસ્થાની જાળવવા પોલીસ અધિકારીઓ, જવાનો અને CRPF કંપનીના જવાનોને પણ ફરજ નિયુક્ત કરાશે તેમ જણાવ્યુ હતુ. યશપાલ જગાણિયાએ ડાંગ જિલ્લાની આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ ચાપતી નજર રાખી રહી છે.

૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૯ મતદાન મથકો પર ૧ લાખ ૯૬ હજાર ૭૭૯ મતદારોમાં ૯૮,૫૧૬ પુરુષ, ૯૮,૨૬૧ સ્ત્રી અને ૨ થર્ડ જેન્ડર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સૌથી વધુ મતદારો ૧૭૪-આહવા (યુ-૩) મતદાન મથકે ૧૩૪૪ મતદારો, અને સૌથી ઓછા ૨૬૨-ભુર્ભેડી મતદાન મથકે ૮૩ મતદારો નોંધાવા પામ્યા છે. જિલ્લામાં ૧૦૨૬ દિવ્યાંગ મતદારો, ૧૮૬૬ જેટલા ૮૦ પ્લસ વયજુથના મતદારો, અને ૮૪૭૭ જેટલા ૧૮ પ્લસ નવા, યુવા મતદારો નોંધાયા છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લામાં ૧૯ નોડલ ઓફિસરો સહિત ૬૪ ઝોનલ/રૂટ ઉપરાંત એક આદર્શ મતદાન મથક, એક યુવા મતદાન મથક, એક પીડબ્લ્યુડી મતદાન મથક, સાત સખી મતદાન મથક પણ ઉભા કરાયા છે. અગાઉની ચૂંટણીઓના પરિણામ તરફ નજર કરીએ તો સને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ૮૧.૩૩ ટકા, સને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૭૨.૬૪ ટકા, સને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે ૮૧.૨૩ ટકા, સને ૨૦૨૦ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૭૩.૭૧ ટકા, અને સને ૨૦૨૨ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૮.૦૯ ટકા મતદાન નોંધાવા પામ્યું છે.

Most Popular

To Top