Dakshin Gujarat

વલસાડ પાસે એસટી બસની બ્રેક ફેઇલ થઈ જતા ત્રિપલ અકસ્માત સર્જાયો

વલસાડ : વાપીથી (Vapi) 20 પેસેન્જર ભરીને વલસાડ (Valsad) આવી રહેલી એસટી બસની (S.T Bus) વલસાડ એસપી સર્કલ પાસે બ્રેક ફેઇલ (Breakfail) થઈ જતા રિક્ષા (Auto) અને એક્સયુવી કાર (XUV car) વચ્ચે ત્રિપલ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટી બસમાં બેઠેલા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી, વાહનોને (Vehicle) થોડુ ઘણું નુકસાન થયું હતું.

બુધવારે સવારે વલસાડ એસટી ડેપોમાંથી જીજે-૧૮-વાય-૯૬૭૩ એસટી બસમાં પેસેંજર ભરીને વલસાડથી વાપી જવા માટે રવાના થઇ હતી. વાપી એસટી ડેપોમાં પેસેન્જર ઉતારીને ત્યાંથી 20 પેસેન્જર ભરીને પરત વલસાડ આવવા માટે બસ રવાના થઈ હતી. ત્યારે વલસાડ એસપી સર્કલ પાસે એસટી બસની બ્રેક અચાનક ફેલઈ થઇ જતા આગળ ચાલતી રિક્ષા નં. જીજે ૧૫ ટીટી ૬૦૧૬ અને એક્સયુવી કાર નં. ડીડી ૦૩ કે ૭૫૩૮ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આજુબાજુના લોકો તથા એસપી સર્કલ પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા. અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી. કાર અને રિક્ષાને ભારે નુકસાન થયું હતું, જે અંગેની પોલીસ ફરિયાદ હજુ નોંધાઈ નથી.

વલસાડ એસટી ડિવિઝનની બસોમાં કંઈકને કંઈક ખામી સર્જાતા રામભરોસે મુસાફરી કરતા પેસેન્જર
વલસાડ એસટી ડિવિઝનની બસમાં દર વખતે કંઈકને કંઈક ખામી સર્જાતી હોય છે. એસટી બસમાં પેસેન્જર રામભરોસે મુસાફરી કરતા હોય છે. ગમે ત્યારે એસટી બસ ખોટકાઈ જવી, ક્યાંક બસ બગડી જતાં પેસેન્જરોને ધક્કો મારીને એસટી બસ ચાલુ કરતા જોવા મળ્યા છે, તો કેટલીક બસમાં ટિકિટના ડિઝીટલ મશીન ખોટકાઈ જતાં અધવચ્ચે પેસેન્જરોને ઉતારી દેવાયા હોવાના કિસ્સા તો વલસાડ એસટી ડિવિઝનમાં જ જોવા મળી રહ્યા છે. કડક અને કર્તવ્યનિષ્ઠ ઉચ્ચ અધિકારીની છાપ ધરાવતા ડિવિઝનલ કંટ્રોલરના તાબા હેઠળ આવતા ડેપોની કામગીરી કેમ ઢીલી પડી રહી છે, તે લોકોને સમજાતું નથી. ક્યાંક બસના ઠેકાણાં નથી, ક્યાંક સમયસર બસ મુકાતી નથી, ક્યાંક ખીચોખીચ મુસાફરો ભરાતા હોવા છતાં મિનીબસ જ ફાળવાય છે, ક્યાંક ડિઝીટલ ટિકિટ મશીનોની આવરદા પૂર્ણ થઈ ગઈ છે, તો ક્યાંક રાત્રિના સમયે કંટ્રોલ કેબીન પર કર્મચારીઓ ફરકતા જ નથી, આવી કેટલીય સમસ્યાઓ ઉદભવી રહી છે, છતાં ઉચ્ચ અધિકારીઓની આંખમાં કેમ આવતું નથી.

Most Popular

To Top