Dakshin Gujarat

ડાંગના આદિવાસીઓ જંગલના રાજા વાઘદેવને ખુશ કરવા કરે છે આ અર્પણ

સાપુતારા : રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં આદિવાસીઓ આજે પણ પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પુજા અર્ચના કરે છે. જેનું ઉત્તમ ઉદાહરણ વાઘ બારસ છે. ડાંગ જિલ્લાનાં આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે. અને તેની પૂજા અર્ચના પણ કરે છે. અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિને વળગી રહેનારા આદિવાસી પ્રજાએ આજરોજ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે વાઘ બારસની ઉજવણી કરી હતી.

  • વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિને વળગી રહેનારા આદિવાસીઓ
  • જંગલનાં રાજા વાઘદેવને મરઘા તથા નાગદેવતાને ખુશ કરવા મરઘીનું ઈંડુ મૂકે છે
  • મોરદેવને ખુશ કરવા ચોખા તેમજ સૂર્ય અને ચંદ્ર દેવને નારિયેળનું નૈવેધ ચઢાવે છે

પ્રકૃતિ પૂજક ડાંગ જિલ્લાના આદિવાસીઓએ હર્ષોલ્લાસ પૂર્વક વાઘ બારસની ઉજવણી કરી હતી. વાઘ બારસ તહેવારની ઉજવણીનું મહત્વ આસો વદ એટલે વાઘ બારસ દિવાળી પહેલાનો આ દિવસ આદિવાસી પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણનો દિવસ હોય છે. પોતાના ઘરના પાલતુ પ્રાણીઓ કે જે જંગલમાં ઘાસચારો માટે રખડતા હોય છે. તેમના રક્ષણ માટે તેઓ વાઘદેવતાની પૂજા કરે છે.

વાઘ બારસના દિવસે ગામના સૌ કુટુંબીજનો એકઠા થઈને વાઘદેવતાની પૂજા કરે છે. સવારના સમયે આદિવાસી લોકો ગામ કે સીમના વાઘદેવને ફુલહારથી સજાવે છે. ત્યારબાદ નારિયેળ વધેરીને પૂજાની શરૂઆત કરે છે. જંગલનાં રાજા વાઘદેવને મરઘા તથા નાગદેવતાને ખુશ કરવા માટે તેઓ મરઘીનું ઈંડુ મૂકે છે. જ્યારે મોરદેવને ખુશ કરવા માટે ચોખા તેમજ સૂર્ય અને ચંદ્ર દેવને નારિયેળનું નૈવેધ ચઢાવે છે. વાઘદેવતાને 4 વર્ષ સુધી સળંગ મરઘાની બલી ચડાવવામાં આવે છે. અને પાંચમાં વર્ષે બકરાની બલી ચડાવાય છે. ડાંગ જિલ્લામાં આજરોજ પારંપરિક વાઘબારસની ઉજવણી કરવામાં આવી હતી.

Most Popular

To Top