Gujarat

વડોદરાના કરજણમાં બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ સમયે ક્રેન પડતા એકનું મોત, 6 ઘાયલ

અમદાવાદ: અમદાવાદ મુંબઈ (Ahmedabad-Mumbai) બુલેટ ટ્રેન (Bullet Train) પરિયોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલ કોરીડોરનું કામ ચાલી રહ્યું હતું તે સમયે વડોદરાના કરજણમાં એક મોટી દુર્ધટના સર્જાઈ છે. કરજણમાં ગર્ડર મૂકતા સમયે એકાએક ક્રેન પડી ગઈ છે. આ દુર્ધટનામાં એકની મોત તેમજ 6 લોકો ઘાયલ થયા હતા.

ગુજરાતના વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન એક દુર્ધટના ઘટી હતી. વડોદરાના કરજણ ખાતે બુલેટ ટ્રેનના કામ દરમિયાન ક્રેન પડી હતી. જેના કારણે અકસ્માતમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. વડોદરામાં કરજણ શહેરના કંબોલા પાસે આ ઘટના બની હતી. 1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો આરસીસીનો બ્લોક લઈ ક્રેન બુલેટ ટ્રેનની લાઈન પર મૂકવા જતી હતી. બાદમાં આ બ્લોક મૂક્યા પછી ક્રેન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ ગર્ડર ટ્રાન્સપોર્ટરમાંથી અનલોડ કરતી વખતે ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો જેના કારણે આ ઘટના ઘટી હતી. આ ઘટનાને લઈ શ્રમિકોએ સુપરવાઈઝર પર રોષ ઠાલવ્યો હતો. બુલેટ ટ્રેનના નિર્માણ સ્થળ પર દુર્ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક પ્રશાસને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.18 કિમી છે. હાલમાં આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

દુર્ધટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ ગયા હતા. ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. 

Most Popular

To Top