Dakshin Gujarat

નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદને લીધે આવી સ્થિતિ સર્જાઈ

વલસાડ, સાપુતારા, વાંસદા : રાજ્ય હવામાન વિભાગની (Weather Department) આગાહીનાં પગલે છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) વિવિધ જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું છે. ડાંગ, નવસારી, ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામોમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદ (Rain) વરસ્યો છે. કપરાડા, ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારમાં સતત 20 મિનીટ સુધી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી માવઠાંના પગલે પાકને નુકસાન થયું છે. તેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ પાકને બચાવવાની એડ્વાઈઝરી બહાર પાડવામાં આવી છે.

  • ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેક ઠેકાણે માવઠુ પડતા આંબાનાં મોર, શાકભાજી સહિત શિયાળુ પાકને નુકશાનની વકી
  • કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો
  • શેરડી, કપાસ, કેળ, તુવેરના પાક અને પશુઓના રક્ષણ માટે ભરૂચમાં કૃષિ યુનિવર્સિટીએ એડ્વાઈઝરી આપી

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે દિવસ દરમ્યાન વાદળોએ ઘેરાવો ભર્યો હતો. બાદમાં મોડીસાંજે ગિરિમથક સાપુતારા, આહવા પંથક સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પડેલા કમોસમી વરસાદનાં પગલે આંબાનાં આમ્રમોર, શાકભાજી સહિત શિયાળુ પાકોને જંગી નુકશાન થવાની વકી સર્જાઈ હતી. ડાંગ જિલ્લાનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ મોડી સાંજે કમોસમી વરસાદી પડતા અહીના સમગ્ર જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.

ઉપરાંત કપરાડા તાલુકાના અંતરિયાળ ચાવશાળા સહિતના વિસ્તારોમાં બુધવારે સાંજે કાળા વાદળો ઘેરાયા બાદ કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને લઇ ચાવશાળામાં ચાલી રહેલા વિજ્ઞાન મેળામાં વિક્ષેપ પડ્યો હતો. તો ધરતી પુત્રોમાં ચિંતા જોવા મળી હતી. હાલે ડાંગર સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોઈ ડાંગર પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના વાંસદા પંથક સહિત તાલુકામાં આજે વહેલી સવારથી જ જાણે ચોમાસાનો માહોલ હોય તેવું વાદળછાયું વાતાવરણ બની ગયુ હતું. ત્યારે રાત્રે ૮:૩૦ વાગ્યાના સુમારે વાંસદાના કંડોલપાડા, દોલધા, મોટીવાલઝર જેવા ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા.

ઉમરપાડા-માંગરોળ અને તિલકવાડામાં વીસ મિનિટ સુધી વરસાદ પડ્યો
વાંકલ: ઉમરપાડાના વાડી ગામમાં સાડા છ વાગ્યાની આસપાસ વીસ મિનીટ જેટલો વરસાદ પડ્યો હતો. આંબાવાડી, લવેટ, નાની ફળી જેવાં ગામોમાં વરસાદી છાંટા પડતાં ખેડૂતોના પાકો જેવા કે રીંગણ, તુવર, ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તિલકવાડાના દેવલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવી બુધવારે કાળાડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતાં ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ અને તુવેરના પાકનું વાવેતર કર્યુ હોય અને અચાનક માવઠું થતાં ખેડૂતોને પાક બગડવાનો ડર સતાવી રહ્યો છે. હાલ ખેડૂતો ખેતરમાં કપાસ વીણવાની કામગીરી કરી રહ્યા છે. આ સમયે કપાસ તેમજ જીંડવા બગડવાની તેમજ તુવેરના પાકમાં પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને તિલકવાડા તાલુકાના લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.

એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ કરતા ભરૂચીઓ, સવારે ઠંડી, બપોરે ગરમી અને અને સાંજે માવઠું
ભરૂચ: ભરૂચમાં બુધવારે ત્રિવેણી ઋતુનો નગરજનોને અહેસાસ થયો હતો. વહેલી સવારે ૧૯ ડિગ્રી તાપમાન સાથે ઠંડક જોવા મળી હતી. બપોરે ૩૧ ડિગ્રી સાથે ગરમીનો પારો વધી રહ્યો હતો. જ્યારે સમી સાંજે સરેરાશ ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં હાંસોટમાં ધમાકેદાર વરસાદ અને અંકલેશ્વરમાં અમીછાંટણા પડતાં એક દિવસમાં ત્રણ ઋતુ જોવા મળી હતી.

ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે શિયાળાની ઋતુમાં ભરૂચ શહેર અને જિલ્લાના લોકોને સવારે ઠંડી, બપોરે ગરમી અને અને સાંજે માવઠાની અસર થઇ હતી. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. ભરૂચ મકતમપુર કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ હવામાન બુલેટિન જારી કરાયું છે. તા.૧૪મીથી ૧૮ ડિસેમ્બર સુધીમાં વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, વાલિયા ખાતે હળવા કે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.એચ.બી.સોડવડિયા તેમજ ડો.કે.વી.વાડોદરિયાએ ભરૂચ જિલ્લામાં પાંચ દિવસ સુધી માવઠાના માહોલમાં ખેડૂતો અને પશુપાલકોને જરૂરી તકેદારી રાખવાની સૂચના આપી છે.

બીજી તરફ માવઠાને લઇ ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. દરમિયાન આગાહીમાં હાંસોટમાં કમોસમી ધમાકેદાર ઝાપટું પડતાં ખેડૂતોમાં દોડધામ મચી થઇ હતી. ખાસ કરીને ખેતરમાં ઊભેલા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે, હાંસોટ પંથકમાં માર્ગો પાણીથી તરબોળ થઇ ગયા હતા. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના ત્રિવેણી ઋતુને લઈને ખેડૂતો અને પશુપાલકો માટે એડ્વાઈઝરી એવી જારી કરી હતી કે શેરડી, કેળ, કપાસ, તુવેર અને શાકભાજીના પાકોને રક્ષણ આપવા સૂચનો આપ્યાં હતાં. જ્યારે પશુપાલકોને પશુઓને પણ ઠંડી, ગરમી, માવઠા અને ભેજવાળા વાતાવરણથી બચવા યોગ્ય તકેદારી રાખવા જણાવાયું હતું.

Most Popular

To Top