Dakshin Gujarat

ઉમરગામમાં એવું તો શું થયું કે હાટ બજારમાં બેસેલા પાથરણા વાળાઓ જીવ બચાવીને ભાગ્યા

ઉમરગામ: (Umargam) ઉમરગામ શહેરમાં વર્ષો જૂનું વડલાનું વૃક્ષ (Tree) ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ પડતાં હાટ બજારમાં (Haat Bazaar) બેસેલા પાથરણા વાળાઓ જીવ બચાવીને ભાગ્યા હતા. સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે વૃક્ષ મરાઠી શાળાની (School) છત ઉપર પડતા છતને નુકસાન થયું હતુ પરંતુ રવિવારે શાળામાં રજા હોવાથી બાળકોનો બચાવ થયો હતો.

  • ઉમરગામ શહેરમાં વર્ષો જૂનું વડલાનું વૃક્ષ ધરાશયી
  • મરાઠી શાળાના છત ઉપર વૃક્ષ પડતા છતના ભાગને નુકસાન
  • રવિવારે શાળામાં રજા હોવાથી બાળકોનો બચાવ થયો
  • વર્ષો જૂનું વૃક્ષ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોવાની‌ જાણ પાલિકાને વારંવાર કરવામાં આવી હતી છતાં પાલિકાએ કોઈ જ ગંભીરતા દાખવી નહીં !

ઉમરગામ શહેરના મરાઠી શાળા નજીક ખૂબ જ વર્ષો જૂનું વડલાનું વૃક્ષ હતું. જે અચાનક પડી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. રવિવારે બે થી અઢી વાગ્યાના સુમારે અચાનક જ આ વૃક્ષ જમીનમાંથી ઉખેડી ગયું હતું. વૃક્ષ ધરાશયી થતા રવિવારે હાટ બજારમાં પાથરણા પાથરીને બેસેલા દુકાનદાર વેપારીઓમાં તથા ખરીદી કરવા આવેલા તેમજ ઝાડ પાસે ઉભેલા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષના પડવાના અવાજથી લોકો આમતેમ ખસી જતા તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. એટલું જ નહીં બપોરનો સમય હોય લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.

આ વૃક્ષ મરાઠી શાળાની છત ઉપર પડતા છતના ભાગને નુકસાન થયું હતું. રવિવાર હોવાથી શાળામાં રજા હતી જેથી બાળકોનો પણ બચાવ થયો હતો. આ વૃક્ષની બાજુમાં જ એક નાનું મંદિર આવેલ છે મંદિરને જરાય નુકસાન થવા પામ્યું ન હતું. વડનું વૃક્ષ પડવાની જાણ થતા જ ઉમરગામ નગરપાલિકાની ટીમ દોડી આવી હતી. વર્ષો જૂનું આ વડલાનું વૃક્ષ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોય વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ નગરપાલિકાએ કોઈ ધ્યાન આપ્યું ન હતું. જેને લઈને પણ પાલિકા સામે નગરજનોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી.

Most Popular

To Top