Top News

યુક્રેન પછી આ દેશ પર થશે હુમલો, પુતિનના મિત્રએ લીક કર્યો પ્લાન

બેલારૂસ: (Belarus) રશિયા (Russia) 7 દિવસથી યુક્રેન (Ukraine) પર હુમલો (War) કરી રહ્યું છે અને હવે ગમે તે ઘડીએ યુક્રેનની રાજધાની કિવ પર કબ્જો કરી લે તેવું માનવામાં આવી રહ્યું છે, ત્યારે શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યુદ્ધને યુક્રેન પર જ અટકાવી દેશે કે તેનાથી આગળ વધશે તે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે. અમેરિકા અને પશ્ચિમી દેશો પુતિન વિરુદ્ધ મોરચો ખોલી શકે છે તેવી ચર્ચા વચ્ચે શું પુતિન તેના લશ્કરને અન્ય દેશો પર મોકલશે? તે સવાલ ઉઠ્યા છે. રશિયાનો આગલો ટાર્ગેટ કયો દેશ હશે? આ અંગે રશિયાના મિત્ર દેશ બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ સંકેત આપ્યા છે. હાલમાં ટીવી અને સોશિયલ મીડિયામાં બેલારૂસના રાષ્ટ્રપતિનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નકશો બતાવી રહ્યાંછે. આ વીડિયોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનને જીત્યા બાદ રશિયા અને પુતિનનો આગામી ટાર્ગેટ મોલ્ડોવા (Moldova) હશે.

બેલારુસિયન સરમુખત્યાર એલેક્ઝાંડર લુકાશેન્કોએ ભૂલથી યુક્રેન પછી રશિયાના આગામી લશ્કરી મિશનનો પર્દાફાશ કર્યો છે. યુરોપના છેલ્લા સરમુખત્યાર કહેવાતા લુકાશેન્કોએ ભૂલથી દુનિયાને કહ્યું કે યુરોપનો નાનકડો દેશ મોલ્ડોવા રશિયન હુમલાનો આગામી શિકાર બની શકે છે. લુકાશેન્કો યુક્રેન પર રશિયાના હુમલાના માર્ગ વિશે ટીવી પર પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે ખુલાસો કર્યો.

ટીવી પર દેખાડવામાં આવી રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લુકાશેન્કો યુદ્ધ સાથે જોડાયેલા એક વિશાળ નકશાની સામે ઉભા છે. આ નકશામાં યુક્રેન અને મોલ્ડોવા દેખાય છે. આ નકશામાં યુક્રેનના નાના પાડોશી દેશ મોલ્ડોવામાં ઓપરેશન વિશે જણાવવામાં આવ્યું છે. બેલારુસના નેતા લુકાશેન્કો રશિયાની મદદથી ઘણા વર્ષોથી સત્તામાં છે અને પુતિનના નજીકના મિત્ર છે. લુકાશેન્કોએ રશિયન દળોને યુક્રેન પર હુમલો કરવા માટે તેની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી.

બેલારુસ સૈનિકો યુક્રેન સરહદ પાર કરે છે?
યુક્રેનનો દાવો છે કે બેલારુસિયન સેનાએ રશિયન સેના સાથે મળીને ઉત્તરીય ક્ષેત્રમાં હુમલો કર્યો છે. લુકાશેન્કોએ આ આરોપને નકારી કાઢ્યો છે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે બેલારુસિયન સૈનિકોએ સરહદ પાર કરી હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી. દરમિયાન, બ્રિટને બેલારુસ દ્વારા રશિયાના સમર્થન માટે પ્રતિબંધોની જાહેરાત કરી છે. બ્રિટને કહ્યું કે યુક્રેન પર હુમલો કરવામાં બેલારુસે સક્રિયપણે રશિયાની મદદ કરી.

આ પહેલા બેલારુસિયન સરમુખત્યાર એલેક્ઝાંડર લુકાશેન્કોએ રશિયાને પોતાના દેશને પરમાણુ બોમ્બ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સરમુખત્યાર લુકાશેન્કોએ અમેરિકા સહિત પશ્ચિમી દેશો પર યુક્રેન યુદ્ધ દ્વારા રશિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો છે. બેલારુસના સરમુખત્યારે ભારપૂર્વક કહ્યું છે કે રશિયા સામે યુએસ અને યુકેના પ્રતિબંધો યુક્રેનમાં રશિયાના હુમલામાં વધારો કરી રહ્યા છે.

લુકાશેન્કોએ કહ્યું હતું કે, ‘ પ્રતિબંધો લાદી પશ્ચિમી દેશો રશિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. આપણે અહીં સંયમ રાખવાની જરૂર છે જેથી મુશ્કેલીમાં ન આવે કારણ કે પરમાણુ યુદ્ધ બધું ખતમ કરી દેશે. લુકાશેન્કોએ ચેતવણી પણ આપી હતી કે જો યુદ્ધ ચાલુ રહેશે તો યુક્રેન માંસના ઢગલામાં ફેરવાઈ જશે. તેમણે કહ્યું કે જો આ યુદ્ધ ચાલુ રહેશે તો તે ખૂબ જ ગંભીર બનશે.

મોલ્ડોવા વિશે જાણો
મોલ્ડોવા યુક્રેન અને રોમાનિયાની વચ્ચે આવેલો નાનકડો દેશ છે. 1991ની 27મી ઓગસ્ટે તે સોવિયેત સંઘથી આઝાદ થયો હતો. આ દેશનું કુલ ક્ષેત્રફળ માત્ર 33,846 વર્ક કિલોમીટર જ છે. અહીંની જનસંખ્યા 40 લાખથી ઓછી છે. અહીં લોકો મોલ્ડોવિયન ભાષા બોલે છે અને તેઓની કરન્સી મોલ્દોવન લિયૂ છે. આ દેશ યુરોપિયન ખંડમાં આવેલો છે. અહીંનું સૌથી મોટું શહેર અને રાજધાની ચિસીનાઉ છે.

Most Popular

To Top