Dakshin Gujarat

ઉકાઈ ડેમની સપાટી એટલી વધી ગઈ કે ઈનફલો ઘટવા છતાં આટલું પાણી છોડવું પડ્યું…

વ્યારા: વીતેલા 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદનું (Rain) ભારે જોર રહ્યું હતું. સૌથી વધુ તાપી (Tapi) જિલ્લાના ડોલવણમાં (Dolvan) 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ઉપરવાસમાં સતત ભારે વરસાદના લીધે ઉકાઈ ડેમમાં (Ukai Dam) રાત્રિ દરમિયાન પોણા બે લાખ ક્યૂસેક પાણીની આવક રહી હતી, જેના પગલે ડેમમાંથી પોણા બે લાખ 1,74,478 ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

સવારથી વરસાદનું જોર ઘટતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. દરમિયાન બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 341.12 ફૂટ પર પહોંચી હતી. ડેમમાં ઈનફલો 64,459 નોંધાયો હતો, તેનીસામે આઉટફલો 99,382 ફૂટ રાખવામાં આવ્યો છે. હાલમાં ઈનફલો ઘટતા આઉટફલો ઘટાડાયો છે, પરંતુ તે ઈનફલોની સરખામણીએ બમણો જ રાખવામાં આવ્યો છે. આ અગાઉ સવારે 10 કલાકે ઉકાઈ ડેમમાં 117754 ઈનફલો સામે 170236 આઉટફલો થઈ રહ્યું છે. ડેમની સપાટી 341.18 ફૂટ પર હોય હવે તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી. તેથી પોણા બે લાખ ક્યૂસેકનો આઉટફલો ચાલુ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઉકાઈ ડેમની હાલની સપાટી ભયજનક સપાટી 345થી માત્ર 3 ફૂટ દૂર છે. દરમિયાન ઉકાઈ ડેમમાંથી છેલ્લાં 24 કલાકથી સતત પોણા બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય તંત્ર દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદી કિનારે આવેલા ગામોના લોકોને નદીના પાણીનું સ્તર વધી રહ્યું હોય નદીમાં નહીં જવા તથા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સુરતમાં વિયર કમ કોઝવેની સપાટી 9.12 નોંધાઈ છે.

વલસાડમાં વિદ્યાર્થી અને પલસાણામાં માતા-પુત્ર તણાયા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદી તેમજ ડેમો છલકાયા છે. ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે પારડી નજીક માતા-પુત્ર કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે સ્થાનિક યુવાનોએ ત્યાં પહોંચી ડૂબતા યુવાનને બચાવી લીધો હતો.

મળતી માહિતી અનુસાર અટગામમાં રહેતાં મીરા અરવિંદ પટેલ તેમના પુત્ર શૈલેષ સાથે બાઈક પર બેસી રોનવેલ ગામે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાંજણ રણછોડ-ભોમા પારડી ગામ વચ્ચેનો વાંકી નદી પરના કોઝવે પરથી પસાર થતી વેળા ભારે વરસાદથી વાંકી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. જેને જોઈ સ્થાનિક યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને શૈલેષ દેખાતાં તેને બહાર કાઢી લીધો હતો. જો કે, મીરાબેન ન દેખાતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાના પગલે વલસાડ પોલીસ તેમજ પાલિકાની ફાયરની ટીમ મીરાબેનને શોધવા મોડી રાત સુધી સક્રિય જોવા મળી હતી. જો કે, મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

Most Popular

To Top