Sports

અંડર-19 વર્લ્ડ કપ તો માત્ર એક ઝાંખી, મહિલા ક્રિકેટમાં સંપૂર્ણ ક્રાંતિ આવવાની બાકી

રવિવારે દક્ષિણ આફ્રિકાના પોચેસ્ટ્રૂમમાં અંડર-19 મહિલા T-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે પરાસ્ત કરીને ભારતીય મહિલા ટીમે દેશને મહિલા ક્રિકેટમાં પહેલો વર્લ્ડકપ જીતાડ્યો તે સમયે પ્રેક્ષક તરીકે ત્યાં બેસીને ભારતીય મહિલા જુનિયર ખેલાડીઓને ચીયર કરી રહેલા ઓલિમ્પિક્સમાં પહેલી વાર એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા જેવા ચેમ્પિયને પણ કદાચ એ વિચાર્યું નહીં હોય કે આ કપ જીતવાનું ભારતીય મહિલા ક્રિકેટ માટે કેટલું મહત્ત્વનું પુરવાર થવાનું છે. કોઇને એ વાતનો અહેસાસ નહીં હોય કે આ કપ જીતવાથી ભારતમાં માત્ર મહિલા ક્રિકેટમાં જ નહીં પરંતુ ભારતમાં સમગ્ર મહિલા રમતને લઈને ભારતીયોની માનસિકતામાં પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી શકે છે. જે રીતે નીરજ ચોપરાએ ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો તે પછી હવે દેશના દરેક ગામડાનું બાળક તેના જેવું બનવા માગે છે તે રીતે જ હવે ભારતની છોકરીઓ મહિલા ક્રિકેટની આ સિદ્ધિ પછી રમતવીર બનવાનું સ્વપ્ન સેવતી થઇ જવાની છે એ નક્કી છે.

જો કે, મેદાનની બહાર, વિશ્વના સૌથી ધનિક બોર્ડ BCCI તેના યુવા સચિવ જય શાહના નેતૃત્વમાં બ્યુગલ ફૂંકી ચૂક્યું છે. દેશમાં પ્રથમ વખત ભારતીય પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓની મેચફી સમાન કરવામાં આવી અને તેની સાથે જ એક જ ઝાટકે દાયકાઓથી ચાલતા ભેદભાવનો અંત આવ્યો, જેના કારણે મહિલા ક્રિકેટને એક અલગ જ ગતિ મળી છે. તે પછી, હવે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ના પ્રસારણ અધિકારોએ તમામ રેટિંગ્સને પછાડીને રેકોર્ડ તોડ્યો હતો અને આ પછી જ્યારે WPLની 5 ટીમોની હરાજીમાં જે અણધારી બોલી લગાવીને ટીમો ખરીદવામાં આવી તેને ધ્યાને લેતા  હવે કોઈને એ વાતે જરા પણ શંકા ન હોવી જોઇએ કે દેશમાં મહિલા ક્રિકેટનું ભવિષ્ય અત્યંત  ઉજ્જવળ છે.

આ બધું તો થઇ જ રહ્યું છે પણ તે સિવાય પણ હજુ ઘણું થવાનું બાકી છે. હજુ બે મહત્ત્વના માઈલસ્ટોન બાકી છે. હવેથી લગભગ 2 અઠવાડિયાં પછી જ આ જ દક્ષિણ આફ્રિકામાં તેનું પહેલું સોપાન મંડાવાનું શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં ચેમ્પિયન અંડર-19 ટીમના કોચ અને બે મુખ્ય ખેલાડીઓ સીનિયર ટીમમાં સામેલ થઇને દેશને વધુ એક વર્લ્ડકપ જીતાડવા માટે પોતાનાથી બનતા પ્રયાસ શરૂ કરશે. ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં સીનિયર લેવલનો મહિલા T 20 વર્લ્ડકપ રમાશે. ભારતની સીનિયર ટીમ આજ સુધી ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન બની શકી નથી.

જો આ વખતે સીનિયર ટીમ પણ આ જ આફ્રિકાની ધરતી પર અંડર 19 ટીમની સફળતાનું પુનરાવર્તન કરવામાં સફળ થાય છે તો વિશ્વાસ રાખો કે WPL પણ તે પછી મેન્સ IPL સિવાય પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશે.  ભારતની જુનિયર મહિલા ટીમ ચેમ્પિયન બની તે પછી તેને માત્ર એક સંયોગ જ કહી શકાય કે જ્યારે સપ્ટેમ્બર 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે પહેલો T 20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યાર બાદ 2008માં પ્રથમ IPL ઈવેન્ટે ભારતીય ક્રિકેટની સાથે સાથે આખી દુનિયામાં સમગ્રતયા ક્રિકેટની તસવીર બદલી નાખી હતી. આ વખતે જો મહિલા ટીમ વર્લ્ડકપ જીતશે તો તેને વધારે આરામ નહીં મળે અને માર્ચ મહિનામાં WPLમાં સીધું રમવું પડશે. પરંતુ તેઓ બિલકુલ ફરિયાદ નહીં કરે કારણ કે હવેથી થોડા દિવસો પછી આ તમામ ખેલાડીઓની પણ હરાજી થશે, જેમાં એવી આશા છે કે તેઓને તેનાથી જબરદસ્ત આર્થિક લાભ પણ મળશે.

જુનિયર ખેલાડીઓએ શરૂઆત કરી છે, હવે સીનિયર્સે ટ્રોફી જીતીને આ શાનદાર સિઝનનો અંત કરવો પડશે. અંડર-19 મહિલા T-20 વર્લ્ડકપમાં ભારતની જુનિયર ટીમે ચેમ્પિયન બનીને જે ઇતિહાસ રચ્યો છે  તે લાંબો સમય સુધી ભારતીય રમત જગતમાં ગુંજતો રહેવાની સંભાવના છે. આ વર્લ્ડકપ વિજય ભારતમાં મહિલા રમતજગતને એક નવી ઊંંચાઇએ લઇ જનારો સાબિત થઇ શકે છે અને તેને કોઇ નકારી શકે તેમ નથી.

Most Popular

To Top