Columns

ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક તથ્યો સાથેની પરંપરા ‘પલાંઠી’

પ્રત્યેક ધર્મની જુદી જુદી પરંપરાઓ હોય છે જે જેતે ધર્મના અનુયાયીઓ ફોલો કરતા હોય છે. બીજા ધર્મના ઉદાહરણ ટાંકવાના બદલે અહીં સીધી જ સનાતન સંસ્કૃતિને સ્પર્શતી બાબતોને ઉદાહરણ તરીકે લઇએ તો આજનો યુવાન બ્રાહ્મણ પરંપરાગત યજ્ઞોપવિત ધારણ કરેલી હોય તો જનોઇ પહેરતો હશે પણ તેની મહત્ત્વતા નહિ જાણતો હોય અને જો પૂછીએ તો લગભગ એવો જ જવાબ મળે કે અમારા બ્રાહ્મણોમાં તો પુરાણકાળથી જનોઇ આપવાની પરંપરા છે એટલે પહેરી છે.

કાંદા-લસણ નહિ ખાતા જૈનો કે સ્વામીનારાયણના અનુયાયીઓમાં પણ શા માટે નથી ખાતા તે જાણવા સિવાય અમારા વડવાઓ નહોતા ખાતા અને તે પરંપરા જાળવી અમે પણ નથી ખાતા તેવો જ જવાબ હોય શકે. અરે, નાની – નાની બાબતો હોય જેવી કે સાવરણો ઊભો ના રખાય, ચંપલ ઊંધા ના મુકાય, ઉત્તર દિશામાં માથું રાખીને ના સુવાય, ગુરુવારે કે શનિવારે સાબુ-શેમ્પુથી માથું ચોળીને ના નહવાય જેવી અનેકાનેક પારંપારિક પ્રક્રિયાઓ છે જેને આપણા બા-બાપુજી કે દાદા-દાદી અનુસરે છે. એટલે પરંપરા જાળવીને આપણે પણ અનુસરીએ છીએ.

જો કે એ ખોટું પણ નથી. દરેક લોકોએ ચોકકસપણે તેની પારિવારિક, સાંસ્કૃતિક પરંપરાઓને અનુસરવી જ જોઇએ પણ સાથે તેનું તથ્ય અને સત્ય પણ જાણવું જરૂરી હોય છે. આપણી સનાતની દરેક પારંપારિક પ્રક્રિયાઓ તથ્ય વગરની નહોતી તેની પાછળ ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક કે સમાજને સ્પર્શતા સામાજિક કારણો કે તથ્યો જોડાયેલા હોય છે. જો કે અગાઉ સત્સંગના અંકોમાં જનોઇ શા માટે? ચાંલ્લો, તિલક કે ત્રિપુંડનું મહત્ત્વ, પૂજા, આરતી, ઘંટ-ઘંટડી, પ્રદક્ષિણા અને પરિક્રમા જેવા અનેક વિષયોનું મહત્ત્વ દર્શાવતા લેખો પ્રગટ થઇ ચૂકયા છે. ત્યારે એક ખૂબ જ સરળ અને આપણને સૌને સ્પર્શતો વિષય વિચારોમાંથી ઉદ્‌ભવ્યો અને તે છે ‘પલાંઠી’. પલાંઠી મારીને બેસવા પર થોડું નિરીક્ષણ, સંશોધન અને જીવનવ્યવહારમાં અનુભવમાંથી તારવેલી વિગતોને સંક્ષિપ્ત શબ્દપ્રવાહ દ્વારા જાણવાની કોશિશ કરીએ.

આપણા દેવી – દેવતાઓની તસ્વીરોથી લઇ છેક પૌરાણિક કાળના ઋષિ-મુનિઓના ચિત્રો જોઇએ તો લગભગ એક સરખી પલાંઠી વાળીને બેઠેલી મુદ્રામાં જ જોવા મળે છે. આપણા ઘરમાં કે યજ્ઞશાળાઓમાં પૂજા-હવનમાં કે કથામંડપોમાં પલાંઠી વાળીને બેસવાની પ્રક્રિયા એ એક સામાન્ય જનજીવનનો ભાગ છે. પૂજા, ધ્યાન, અભ્યાસ કે ભોજન સમયે પલાંઠી વાળી બેસવું એ રૂટીન પ્રક્રિયા છે. આપણે કદાચ કયારેય નથી વિચાર્યું કે બેસવાનું તો માત્ર પલાંઠીવાળીને જ કેમ બેસવાનું?! જો કે અંગ્રેજોના આગમન પછી પાઠશાળાઓ ગાયબ થઇ ગઇ અને  બેંચવાળી સ્કૂલો આવી, નીચે જમીન પર જમવા બેસતા ત્યાં ડાઇનિંગ ટેબલો આવી ગયા, પહેલાં દુકાનોના થડા પર ગાદી-તકિયે બેસી ઢળતા મેજને તિજોરી બનાવી ધંધો કરતા ત્યાં ખુરશી-ટેબલ આવી ગયા અને પલાંઠી વાળીને બેસવાનું ઓછું થતું ગયું અને જાતજાતની શારીરિક તકલીફો વધવા માંડી.

પંગતમાં બેસીને જમવાની પણ એક પરંપરા હતી, જ્ઞાતિભોજન, લગ્ન હોય કે કોઇ પણ શુભ – અશુભ પ્રસંગનો જમણવાર, 2 – 4 લાઇનની પંગતોમાં પલાંઠી વાળીને બેસેલા લોકો ભોજન આરોગતા જોવા મળતા. એ પરંપરા તો લગભગ લુપ્ત થવાની કગાર પર છે. બધે જ બુફે ડિનર અને ખુરશી-ટેબલના જમણવાર આવી ગયા અને એટલે જ હવે નીચે બેસીને કયારેક જમવાનું થાય ત્યારે નથી ગમતું. ખરેખર તો નીચે આસન પર કે પાટલા પર પલાંઠી મારી બેસવાના અનેક ફાયદાઓ નિષ્ણાતો બતાવે છે. પહેલું તો એ જ કે વજન નિયંત્રિત કરી શકાય છે. જો કે એ જલ્દી કોઇ સ્વીકારે નહિ પણ હકીકત છે કારણ કે પાચનક્રિયા નિયમિત રહે છે.

અપચા જેવી પરેશાનીથી મુકિત મળે છે. ભોજન લેવા વારંવાર વાંકા વળવાની એક પ્રકારની કસરતથી કરોડરજજુની કે પીઠને સ્પર્શતી સમસ્યા કયારેય થતી નથી. પલાંઠીમાં પગની ચોકડી બને છે. ગોઠણથી વળેલા પગની પલાંઠી પગની માંસપેશીઓ અને હાડકાને મજબૂત બનાવે છે. ગોઠણના ‘વા’ એ આજના યુગમાં 35-40 વર્ષના યુવાનોથી લઇ 60-70 ના વૃધ્ધોમાં સામાન્ય થઇ ગયા છે. કાયમ પલાંઠી વાળીને વધુ સમય બેસતા હોય તો તે લોકો  ગોઠણના વાથી થતી મુશ્કેલીઓથી મુકત રહી શકે છે. પલાંઠી વાળીને બેસો એટલે આખા શરીરનું વજન જાંઘ, સાથળ અને કુલ્હા પર આવે છે તેથી ત્યાંની માંસપેશીઓ અને હાડકાની મજબૂતાઇ વધે છે. નાભિની નીચેના પેટના ભાગને પેલ્વિક કહે છે તેના સ્નાયુઓ જેટલા ઢીલા એટલી તકલીફ વધુ…. પણ પલાંઠી વાળી બેસવાથી આ સ્નાયુઓ ટાઇટ અને મજબૂત બને છે. જે પાચનક્રિયા સરળ બનાવે છે.

સૌથી મહત્ત્વનું એક કારણ એ જાણવા મળે છે કે રકતનો પ્રવાહ નિયમિત રહે છે. રકતપ્રવાહ નિયમિત રહે તો હૃદય પાચન અવયવો સુધી સરળતાથી રકત પહોંચાડે છે. પણ જયારે તમે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસો ત્યારે વિપરીત અસર થાય છે. ખુરશી પર બેસવાથી રકતપ્રવાહ પગ લટકતા હોવાથી સીધો પગ તરફ ગતિ કરે છે. ભોજન આરોગતી વખતે જ ભોજન પચાવાની પ્રક્રિયા ચાલુ થઇ જતી હોય છે. આ પ્રક્રિયામાં અધિક ઊર્જા પણ જરૂરી હોય છે. પલાંઠી વાળીને જમવાથી શરીરની ઊર્જા લીવર – જઠર જેવા અવયવો સુધી અધિક માત્રામાં પહોંચે છે.

આ તો શારીરિક ફાયદાની વાત થઇ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ જોઇએ તો ધ્યાન કરતી વખતે પલાંઠી વાળીને બેસવાથી સુષુમ્ણા નાડીનો વિદ્યુતપ્રવાહ શકિત કેન્દ્ર જેવા શરીરના સાતેય ચક્રોને સક્રિય કરે છે. એટલે તો યોગ-પ્રાણાયામના અષ્ટાંગ યોગની સિધ્ધિ માટેનું પ્રથમ ચરણ જ પલાંઠી વાળીને બેસવાની મુદ્રા છે. લાંબા સમય સુધી પલાંઠી વાળીને બેસી ના શકાતું હોય તો યોગગુરુઓ કેટલાંક આસન બતાવે છે. બાલાસન, કપોતાસન, ટો-ટચ (અંગૂઠા પકડવા), વજ્રાસન, લૂઝ પોઝ અને બ્રિજ પોઝ જેવા આસનો રોજ એક  – એક મિનિટ 3- 4 વખત કરો તો પલાંઠી વાળીને બેસવાના દરેક અવયવોની કસરત થશે અને એક મહિનામાં લાંબો સમય સુધી પલાંઠી વાળી બેસવાને સક્ષમ થઇ જવાશે. (પ્રેગનન્ટ સ્ત્રીઓએ ડૉકટરની સલાહ મુજબ કસરતો કરવી) માતાઓ પણ તેના નાના બાળકને સ્તનપાન કરાવવા પલાંઠી વાળી મુદ્રા જ વધુ પસંદ કરે છે.

આપણી મહિલાઓ પહેલા 5 વાગે ઊઠી રાત્રીના 9 વાગ્યા સુધી કાર્યરત રહેતી જેમાં 25% સમય પલાંઠી વાળીને બેસી કામ કરવામાં વપરાતો એટલે નીરોગી રહેવાનું એ પણ એક કારણ હતું. આજે સ્ટેન્ડીંગ કિચનમાં રસોઇ બનાવવાની, ડાઇનિંગ ટેબલ પર જમવાનું, સોફા કે સેટી પર પગ લટકાવી બેસી TV-મોબાઇલ જોયા કરવામાં આખો દિવસ નીકળી જાય અને એટલે જ જાતજાતની શારીરિક અને માનસિક બીમારીઓના ભોગ બનવું પડે અેનુ કારણ એટલું જ કે કદાચ આપણી પરંપરાઓને આપણે અનુસરતા નથી. તથ્યોસભર પરંપરાઓનો જયારે છેદ ઊડી જાય છે ત્યારે દવાખાના સુધીનો રસ્તો કંડારાય છે.

અહીં પલાંઠી સાથે સંકળાયેલો એક વધુ શબ્દ યાદ આવે છે અને એ છે ઢીંચણિયું…. સાવ જ લુપ્ત થઇ ગયેલ ઢીંચણિયાની પરંપરા વિશે તો થોડું જાણીએ…. ગુજરાત – સૌરાષ્ટ્રમાં જાણીતું લાકડાનું આ ઢીંચણિયું લોકો જમવા બેસે ત્યારે ઢીંચણ (ગોઠણ) નીચે રાખતા એટલે તે ઢીંચણિયા તરીકે ઓળખાતું. કયાંક કોઇ કાઠિયાવાડી પ્રકારની હોટલોમાં જયાં ભારતીય બેઠકથી ભોજન પીરસાતું હોય છે ત્યાં એક સંભારણા સ્વરૂપે ઢીંચણિયા જોવા મળે છે. જમવા બેસો ત્યારે ગોઠણ નીચે તે રાખવાનું તથ્ય પણ જાણવા જેવું છે.

દૂધપાક, બાસુંદી, લાડુ જેવા ભારે મિષ્ટાન્ન ભોજનની થાળીમાં હોય ત્યારે ઢીંચણિયું જમણી બાજુના ઢીંચણ નીચે રખાતું જે સૂર્યનાડીને સક્રિય કરી દે અને ભોજન પચવામાં સરળ બને તો દૂધ, દહીં કે પ્રવાહી પીતી વખતે ઢીંચણિયું ડાબી બાજુના ગોઠણ નીચે ગોઠવાઇ જતું જેથી ચંદ્રનાડી સક્રિય બને અને પ્રવાહી હજમ થવામાં મદદરૂપ બને. જો કે એવી કેટલીય પરંપરાઓ આજે ભૂલાઇ જવા પામી છે જે માણસજાતને શારીરિક અને માનસિક રીતે ફાયદાકારક હતી.

Most Popular

To Top