એક ઝેન ગુરુ પાસે તેના મિત્રે આપેલો બહુ સુંદર ક્રિસ્ટલનો એક કપ હતો.ઝેન ગુરુને તે કપ બહુ ગમતો. તેઓ પાણી કે દૂધ કે અન્ય કંઈ પણ પીણું આ કપમાં જ પીતાં અને હંમેશા પોતાની પાસે જ રાખતા અને પોતાને મળવા આવતા દરેક મુલાકતીને કપ દેખાડતા અને મિત્રની યાદ અપાવતી સુંદર ભેટ છે તેમ કહેતા અને દરેક વખતે તેમની આંખોમાં અનેરી ચમક આવતી.બધાને ઝેન ગુરુના આ પ્રિય કપ વિષે જાણ હતી.ઘણા જાણકારોને આ કપની ચાહત વધુ પડતી પણ લાગતી. પણ કોઈ જાણતું ન હતું કે રોજ રાત્રે સૂતી વખતે ઝેન ગુરુ કપ હાથમાં લઈને પોતાને યાદ કરાવતા કે આ ક્રિસ્ટલ કપ તૂટી ગયો છે.’ રોજ તેમાં કંઈ પણ પીતી વખતે તેઓ મનમાં વિચારતા કે આ કપ તૂટી ગયો છે.
એક દિવસ ઝેન ગુરુએ બધા મુલાકાતીઓને આ ક્રિસ્ટલ કપ બતાવ્યો અને તેમની વાત કરી મેજ પર મૂક્યો ત્યાં અચાનક એક મુલાકાતીનો ધક્કો વાગ્યો અને તે ક્રિસ્ટલ કપ નીચે જમીન પર પડીને ટુકડે ટુકડા થઈને તૂટી ગયો. બધા મુલાકતીઓ અને ઝેન ગુરુના શિષ્યો બધા થોડા ડરીને ચિંતામાં પડી ગયા કે હવે ગુરુજી શું કરશે? બધાના આશ્ચર્ય વચ્ચે બધા અવાચક હતા પણ ઝેન ગુરુ એકદમ શાંત હતા અને તેઓ એટલું જ બોલ્યા, ‘ઓહ ચાલો, સાફ કરીએ.’ તેમણે પોતે ઝાડુ હાથમાં લઈને ક્રિસ્ટલ કપના ટુકડાઓ સાફ કરવાની શરૂઆત કરી. બધા શાંત ઝેન ગુરુને જોઈ રહ્યા. ઝેન ગુરુ કપના ટુકડાઓ સાફ કરી બોલ્યા, ‘જીવનમાં સાચી ખુશીના બે પ્રકાર હોય છે.
પહેલો પ્રકાર છે કે જીવનમાં જે મળ્યું છે તેનો સ્વીકાર કરીને તેની સાથે ખુશ રહો અને હવે તમને ખુશીનો બીજો પ્રકાર કહું તે છે જીવનમાં જે મળ્યું છે તે એક દિવસ તૂટી જવાનું કે છૂટી જવાનું છે તેનો પણ સ્વીકાર કરી લો.’ ઝેન ગુરુએ આગળ કહ્યું, ‘જે વ્યક્તિ પોતાને જે મળ્યું છે અને પોતાની પાસે જે છે તેનો સ્વીકાર કરી તેના માટે આભારી રહે છે તે સાચો જ્ઞાની છે પરંતુ જે વ્યક્તિ એ જાણે છે અને સ્વીકારે છે કે તેની પાસે આજે જે કંઈ પણ છે તે હંમેશા તેની સાથે અને પાસે રહેવાનું નથી. તે વ્યક્તિ સાચા જ્ઞાનીથી પણ એક પગલું આગળ છે.’ ઝેન ગુરુએ કપ તૂટવા સાથે ઊંડી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.