Comments

ક્રિકેટના નિયમોમાં બે મહત્ત્વના અને જરૂરી સુધારા: વાઈડ બોલ અને રનઆઉટ વધુ સ્પષ્ટ બનાવાયા

સિત્તેરના દશકમાં ઈંગ્લેન્ડ ક્રિકેટટીમ ભારત સામે રમતી ત્યારે તે ભારત વિરૂધ્ધ એમસીસીની મેચો ગણાતી. આ સત્તાવાર નામ હતુ. એમસીસીનો અર્થ મેરીલીબોન ક્રિકેટ ક્લબ થાય. યુકેમાં ક્રિકેટની ગર્વનિંગ બોડી તરીકે 1993 સુધી તેનું મહત્ત્વ રહ્યું હતું. ત્યારે તેની સત્તાઓ ઓછી કરી નાખવામાં આવી છતાં ક્રિકેટની રમતો માટેના નિયમો ઘડવાનો કોપીરાઈટ અથવા અખત્યાર એમસીસી પાસે જ છે. લંડનમાં લોર્ડસ ખાતે તેનું હેડકવાર્ટર આવેલું છે.

આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ક્રિકેટ કમિટીની સલાહમસલતમાં એમસીસીના દ્વારા ક્રિકેટના નિયમો ઘડવામાં આવે છે. હવે ટેસ્ટ કે વન-ડે માટે કોઈ ખાસ, સાવ નવા કાનૂન ભાગ્યે જ ઘડાય છે. પરંતુ તેમાં કોઈ અસમંજસ હોય તો તેને કાનૂનમાં સ્પષ્ટરૂપ આપવું પડે છે. કેટલાકમાં નાના મોટા ફેરફારો કરવા પડે છે. આખી દુનિયાની ક્રિકેટ કલબો અને સંસ્થાઓ તેનું પાલન કરે છે. ટૂંકમાં એમસીસી દ્વારા અપનાવાયેલો રમતગમતનો નિર્ણય સુપ્રીમ ગણાય છે અને દુનિયાના તમામ અમ્પાયરોએ તેનું પાલન કરાવીને રમતો રમાડવાની રહે છે.

ઘણાંને એ વાતની નવાઈ લાગશે કે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા આઈસીસી પાસે રમતના નિયમો ઘડવાની સત્તા નથી. છતાં એમસીસી જેવી પ્રમાણમાં નાની સંસ્થા સર્વસ્વીકૃત એટલા માટે બની છે કે એમસીસી પૂર્ણપણે તટસ્થ છે. તે કોઈ સંસ્થા કે વ્યક્તિ માટે પક્ષપાત કે દુરાગ્રહ ધરાવતી નથી. પરિણામે ક્રિકેટ જગતની કોઈ એક પ્રભાવશાળી વ્યક્તિ સંસ્થા પાસે ધાર્યું કરાવી શકતી નથી. એમસીસીની આ નીતિને કારણે ક્રિકેટની રમતને ઘણો ફાયદો મળ્યો છે. જોકે અમુક ક્લબ લેવલો પર એમસીસીના નિયમોને સ્વીકારાયા નથી. તેમાંનું એક કારણ એ હોય છે એ ક્લબોના અમ્પાયરો નિયમોમાં નવા સુધારા-વધારાથી વાકેફ હોતા નથી. પરિણામે ઘણી વખત મેદાન પર કોઈ નિર્ણયના અનુસંધાને વિવાદો અને ઘર્ષણો જાગે છે.

હમણાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મહિલા ક્રિકેટ ટીમોની વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડ જીતની કગાર પર હતું. ઈંગ્લેન્ડને જીતવા માટે સત્તર રનની જરૂર હતી અને તેની પાસે એક વિકેત હતી. પરંતુ ભારતીય બોલરે બોલિંગ માટે દોટ મૂકી ત્યારે જ ઈંગ્લેન્ડની નોન-સ્ટ્રાઈકર રન માટે કિઝની બહાર નીકળી ગઈ. બોલરે બોલ ફેંકવાને બદલે નોનસ્ટ્રાઈકરની વિકેટ ખેરવી નાખી અને ઈંગ્લિશ નોનસ્ટ્રાઈકર રન આઉટ થઈ ગઈ. લોર્ડસના મેદાનમાં ફરિવાર હળવો વિવાદ થયો કે આ રીતે આઉટ કરવાનું વાજબી ગણાય? એક જેન્ટલમેન શિરસ્તો રહ્યો છે કે નોન-સ્ટ્રાઈકર કિઝની બહાર નીકળી જાય ત્યારે દોડવાનું કરી ચૂકેલા બોલરે નોનસ્ટ્રાઈકરને વોર્નિંગ આપવી જોઈએ કે નોનસ્ટ્રાઈકરને પોતે રન આઉટ કરી દેશે. પણ નોનસ્ટ્રાઈકર એ અવાજ ન સાંભળે તો? નોન સ્ટ્રાઈકરની પોતાની પણ કોઈ જવાબદારી ખરી કે નહીં?

શ્વાસ ભરીને દોડતા બોલર પાસે એ અપેક્ષા રાખવી કે એ ચેતવણી આપે તે વધુ પડતી છે. કારણ કે ત્યારે બોલવાનું મુશ્કેલ હોય. આ કંઈક પ્રથમ પ્રસંગ ન હતો અને અગાઉ ફર્સ્ટકલાસ ક્રિકેટમાં 53 (ત્રેપન) ખેલાડીઓને આ રીટે આઉટ અપાયા જ છે. ક્યારેક ચેતવણી અપાઈ હશે અને ક્યારેક નહીં અપાઈ હોય. આ વખતે ઈંગ્લેન્ડના હાથમાંથી મહત્ત્વની જીત સરકી ગઈ તેથી વિવાદ થયો. આજકાલના બોલરો જૂના શિરસ્તાનું પાલન કરતા નથી. આ કારણોથી એમસીસીને જણાયું કે નિયમોને વધુ સ્પષ્ટ બનાવવાની જરૂર છે. કલબે હમણાં ક્રિકેટના નિયમોમાં અમુક સુધારા કર્યા તેમાં આ પ્રકારની ડિસમિસલ (આઉટ)ને વધુ નોર્મલ સ્વરૂપ આપવા માટે તેને નિયમ ક્રમાંક 41: 16 માંથી દૂર કરીને નિયમ 38માં સમાવી લેવામાં આવી છે. આ કલમ રનઆઉટ માટેની છે. મતલબ કે હવે આ પ્રકારે આઉટ થયેલી વ્યક્તિ રનઆઉટ જ ગણાશે. કોઈ વોર્નિંગની જરૂર નથી.

એમસીસીએ બીજો એક સુધારો કર્યો છે, જે વાઈડ ડિલિવરીને લગતો છે. ક્રિઝ પર ખેલાડી ક્યાંય પણ ઊભો હોય, જો દડો એના બેટ વિંઝવાની મર્યાદાથી બહાર હશે તો વાઈડ બોલ ગણાશે. સામાન્ય રીતે લેગ સાઈડમાં વાઈડ બોલ વધુ પડતા હોય છે. વન-ડેમાં ઘણા સ્ટ્રાઈકરો બોલર એકશન શરૂ કરે ત્યારે લેગસાઈડ પર જતા રહે અને બોલ આવી પહોંચે તે અગાઉ વિકેટની આડા મૂળસ્થાને આવી જાય. હવે સ્ટ્રાઈકર લેગ સાઈડમાં છે તે જોઈને બોલર બોલ ફેંકે અને સ્ટ્રાઈકર મિડલમાં આવી જાય તો એ બોલ સ્વાભાવિકપણે જ વધુ વાઈડ જવાનો અને લાગવાનો. આવા બોલને હવે વાઈડ આપતા અગાઉ એમ્પાયરે આકલન કરવું પડશે.

આજ કાલ લેગ સાઈડમાં થોડા દૂર બોલને વાઈડ જાહેર કરાય છે તેમ હવે પછી નહીં થાય. આથી બોલરે રન-અપ શરૂ કર્યો ત્યારે, તે પળે સ્ટ્રાઈકર ક્યાં ઊભો હતો તે હકીકતને પણ અમ્પાયરે ધ્યાનમાં લેવી પડશે. અમુક ત્વરિત પળોમાં, વીજળીના ચમકારામાં આવી ઘટનાઓ ઘટતી હશે તેથી ભવિષ્યમાં આ જોગવાઈથી કદાચ નવા પ્રકારની માથાકૂટો મેદાનમાં જોવા મળશે. એવી સંભાવના પણ રહે છે. જોકે ટેકનોલોજી ફ્રેકશન ઓફ સેકન્ડની પણ નોંધ રાખે છે. તેથી વિવાદનો આખરી નિર્ણય યોગ્ય રીતે આપી શકાશે.  ક્રિકેટની રમત દરમિયાન નાના-નાના નિર્ણયોના સંદર્ભમાં જે સસ્પેન્સ અને તેનો આનંદ પેદા થાય છે તે વધુ પેદા થશે, પરંતુ વાઈડબોલ તો વધુ માત્રામાં પડતા હોય છે, તો તે માટે વધુ સમયની જોગવાઈ નહીં કરવી પડે? જોકે અમ્પાયરને ડિસ્ર્કેશનરી પાવર વધુ અપાય તો સમયનો વેડફાટ નહીં થાય. અહીં બોલરને વધુ ન્યાય મળશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top