Editorial

બ્રિટનમાં ફરીથી સખત લૉકડાઉન: અન્ય દેશોમાં પણ આવું થઇ શકે

ગયા વર્ષના માર્ચ-એપ્રિલ મહિનામાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન હતુ. ત્યારબાદ ધીમે ધીમે આ લૉકડાઉન કે નિયંત્રણો ક્રમશ: હળવા થતા ગયા. જો કે યુરોપના દેશોમાં અને અમેરિકામાં બીજું મોજું આવ્યા પછી ત્યાં ફરીથી થોડા સમય માટે લૉકડાઉન જેવા નિયંત્રણો લાદવા પડ્યાં પણ આ બધું પહેલા લૉકડાઉન જેટલું સખત ન હતું.

પણ યુકે એટલે કે બ્રિટનમાં હાલ કોરોનાવાયરસનું એક નવું બદલાયેલું સ્વરૂપ દેખાયા બાદ ત્યાં આ વધારે ચેપી જણાતા વાયરસના કારણે કોવિડના કેસોમાં મોટો ઉછાળો આવતા ત્યાં ફરીથી સખત લૉકડાઉન અમલી બનાવવું પડ્યું છે.

યુકેમાં મંગળવારે એક સખત નવું સ્ટે-એટ-હોમ લૉકડાઉન શરૂ થયું છે. કોવિડ-૧૯ના નવા બદલાયેલા સ્વરૂપના વાયરસના કેસોમાં ઉછાળાની સ્થિતિ ચિંતાજનક બન્યા બાદ આ લૉકડાઉન લાદવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન બોરીસ જહોનસને જણાવ્યું હતું કે કોરોનાવાયરસનું આ નવું સ્વરૂપ જે રીતે ફેલાઇ રહ્યું છે તેની ઝડપ નિરાશ કરનારી અને ચેતવણીસૂચક બંને છે.

તેમણે જણાવ્યું હતું કે દેશની હોસ્પિટલો આ રોગચાળાને કારણે અગાઉ ક્યારેય હતી તેના કરતા વધુ દબાણ હેઠળ છે.સ્કોટલેન્ડના નવા નિયંત્રણોમાં શાળાઓ અને ધંધાઓ બંધ રાખવા પડશે જે નિયંત્રણો મંગળવારથી અમલી બન્યા છે, જ્યારે ઇંગ્લેન્ડ વિસ્તારના નવા નિયંત્રણો કે જે માર્ચ ૨૦૨૦ના રોગચાળાના પ્રથમ મોજા વખતના લૉકડાઉન જેવા છે તે બુધવારે વહેલી સવારથી અમલી બને છે.

આ નવા નિયમો ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી અમલમાં રહેશે અને રસીના રોલઆઉટના ડેટા અને ચેપના કેસોના દરોના આધારે આ નિયમોનો અમલ ત્યારબાદ લંબાવવો કે કેમ? તેની સમીક્ષા કરવામાં આવશે.

‘’આપણા વૈજ્ઞાનિકોએ સમર્થન આપ્યું છે કે આ વાયરસ પ૦થી ૭૦ ટકા વધુ સંક્રમણકારી છે, એનો અર્થ એ કે આ વાયરસનો ચેપ તમને લાગે અને તમે તે ચેપ બીજાને લગાડો તેની શક્યતા વધુને વધુ છે’’ એ મુજબ જોહનસને સ્થાનિક સમય પ્રમાણે સોમવારે રાત્રે ટીવી પર કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું જે સંબોધનમાં તેમણે કહ્યુ હતું કે ‘’આપણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં પ્રવેશવું જ જોઇએ જે આ વાયરસને રોકી શકે.

આનો અર્થ એ કે સરકાર ફરી એક વાર તમને ઘરે રહેવા સૂચના આપી રહી છે અને તમે કાયદામાં જેની છૂટ હોય તેવા મર્યાદિત કારણો માટે જ બહાર જઇ શકો’’ એમ તેમણે જણાવ્યું હતું. સમજી શકાય તેવી બાબત છે કે તેમણે ભારે હૈયે જ આ સંબોધન કરવું પડ્યું હશે અને પોતાના દેશમાં ફરીથી લૉકડાઉન જાહેર કરવું પડ્યું હશે.

યુકેમાં રસીકરણ શરૂ થઇ ગયું છે છતાં ફરીથી સખત લૉકડાઉન જાહેર કરવું પડ્યું છે તે સ્થિતિ વિચિત્ર પણ છે અને દુ:ખદ પણ છે. અને આપણે સમજવું જોઇએ કે વિશ્વના અન્ય દેશોમાં પણ આવું થઇ શકે છે.

કોરોનાવાયરસનો નવો વધુ ચેપી સ્ટ્રેઇન ભારત સહિત અનેક દેશોમાં પહોંચી જ ગયો છે, આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં દેખાયેલો એક નવો સ્ટ્રેઇન તો આના કરતા પણ વધુ ચેપી છે એમ કહેવાય છે. તે જો વધુ ફેલાયો તો વધારે કપરી સ્થિતિ ઉભી થઇ શકે. જો આવું થાય તો અનેક દેશોમાં રસીકરણની સાથો સાથ અગાઉના લૉકડાઉન જેવા સખત નિયંત્રણો કદાચ દોહરાવવા પણ પડે. આવું ન થાય તેવું ઇચ્છીએ પણ માનસિક તૈયારી તો રાખવી જ પડે તેવી સ્થિત હાલ છે.

દેશનું સખત બનતું જતું હવામાન એક મોટી ચિંતાની બાબત

વીતેલું ૨૦૨૦નું વર્ષ એ ૧૯૦૧ પછીનું આઠમું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું પરંતુ ૨૦૧૬માં નોંધાયેલા સૌથી ઉંચા ઉષ્ણતામાન કરતા તેમાં નોંધપાત્ર નીચું તાપમાન રહ્યું હતું એમ ભારતીય હવામાન વિભાગે હાલમાં જાહેર કર્યું છે.  આ વર્ષ દરમ્યાન, ભૂમિ સપાટી પરની હવાનું સરેરાશ તાપમાન સામાન્ય કરતા ૦.૨૯ ડીગ્રી સેલ્સિયસ વધારે રહ્યું હતું (૧૯૮૧થી ૨૦૧૦ના આંકડાના આધારે). એમ ભારતીય હવામાન વિભાગે ૨૦૨૦માં ભારતમાં હવામાન અંગેના એક નિવેદનમાં જણાવ્યું છે.

૧૯૦૧માં દેશવ્યાપી રેકર્ડ્સ નોંધવાની શરૂઆત થઇ તેના પછી ૨૦૨૦નું વર્ષ આઠમુ સૌથી ગરમ વર્ષ રહ્યું છે. અલબત્ત, તેમાં સૌથી ગરમ નોંધાયેલ વર્ષ ૨૦૧૬(૦.૭૧ ડીગ્રી સે. વધુ) કરતા નોંધપાત્ર નીચુ તાપમાન જણાયું છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. ૧૯૦૧થી અત્યાર સુધીના ૧૫ સૌથી ગરમ વર્ષોમાં ૧૨ ગરમ વર્ષો તો છેલ્લા ૧પ વર્ષમાં જ – ૨૦૦૬થી ૨૦૨૦ વચ્ચે નોંધાયા છે એમ ભારતીય હવામાન વિભાગના આંકડાઓ જણાવે છે.

આ આંકડાઓ ચિંતાજનક જ છે. સમજી શકાય તેવી વાત છે કે ભારતમાં સરેરાશ તાપમાન વધી રહ્યું છે અને વિશ્વભરમાં આવું થઇ રહ્યું છે. જો કે ગયું વર્ષ એકંદરે અગાઉના વર્ષો કરતા કંઇક ઓછું ગરમ રહ્યું, અને તેનું કારણ લૉકડાઉન જેવા નિયંત્રણોને કારણે ઘટેલો વાહન વ્યવહાર અને બંધ પડેલા કારખાના હોઇ શકે.

ભારતમાં તાપમાન તો વધી જ રહ્યું છે સાથે હવામાન વિચિત્ર પણ થઇ રહ્યું છે. શિયાળામાં કેટલાક ભાગોમાં સખત ઠંડી પડે છે. ચોમાસામાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં ખૂબ ઓછો વરસાદ થાય છે. ૨૦૨૦માં ચોમાસામાં સરેરાશ કરતા ૧૦૯ ટકા વરસાદ દેશમાં થયો હતો પરંતુ તેમાં પ્રાદેશિક વિસંગતતાઓ તો હતી જ.

સખત હવામાનને કારણે ગયા વર્ષે દેશમાં ૧૫૬પ લોકોના જીવ ગયા અને આમાંથી ૮૧પના જીવ તો ગાજવીજના તોફાનોમાં કે વીજળી પડવાને કારણે ગયા એમ હવામાન વિભાગના આંકડાઓ જણાવે છે. વધુમાં વાવાઝોડાઓએ ૧૧પનો જીવ લીધો અને ૧૭૦૦૦ કરતા વધુ પાલતુ પશુઓ માર્યા ગયા. આ બધા જ આંકડા ચિંતાજનક છે પરંતુ બદલાતા હવામાનથી ભારતમાં કે વિશ્વમાં મોટાભાગના લોકોને ચિંતા થતી નથી તે વધુ ચિંતાની વાત છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top