Columns

આતંકવાદને નાથવા ભારત USAવાળી કરી શકે પણ USAને પૂછ્યા વિના નહીં!

 USAની ડ્રોન સ્ટ્રાઇકમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના લીડર અયમાન અલ ઝવાહિરીને કાબુલમાં તેના સેફ હાઉસમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. હચમચી ગયેલું અર્થતંત્ર, રોગચાળા પછી માંડ વળી રહેલી કળ, યુક્રેન પર રશિયાનો હુમલો વગેરે ઉપરાંત દુનિયામાં બીજું ઘણું ય ચાલી રહ્યું છે – એમાં આતંકવાદ નેવે નથી મુકાઇ ગયો. વળી USAને તો આતંકવાદીઓને ઝાલીને પતાવી દેવામાં ફાવટ આવી ગઇ છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી USAનું સૈન્ય નીકળી ગયું ત્યારે સાથે એવી વાત પણ થઇ હતી કે તાલીબાને વચન આપ્યું છે કે તે અફઘાનિસ્તાનને આતંકવાદીઓનું ‘સેફ હેવન’ નહીં બનવા દે. જો કે ઇતિહાસનું પુનરાવર્તન થવાનું જ હતું, જે રીતે ઓસામા-બિન-લાદેન અબોટાબાદમાં સંતાયો હતો તે જ રીતે ઝવાહિરી કાબુલમાં તાલીબાનીઓની મદદથી રહી રહ્યો હતો.

જ્યારે USAએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચ્યું ત્યારે દુનિયાને કહેવા ખાતર USAએ તાલીબાનીઓ અફઘાનિસ્તાનમાં અરાજકતા નહીં ફેલાવે એમ કહ્યું પણ ખરું. USAને તાલીબાનીઓની ફિતરત ન ખબર હોય એમ માનવાનું કોઇ કારણ નથી. આ સમીકરણમાં પાકિસ્તાનનો સ્વાર્થ ગુરૂતમ સામાન્ય અવયવનું કામ કરે છે. આંતરિક સમસ્યાઓ સાથે ઝૂઝતા પાકિસ્તાનને USAને વ્હાલા થવાનું ગમે તે સ્વાભાવિક છે. વળી પાકિસ્તાન અત્યારે તકલીફમાં છે એટલે ભારતમાં આતંકી સળી કરાવવાનું તેને પોસાય એમ નથી.  ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને USAનું સ્વાર્થ, સત્તા અને સલામતીનું કોકડું ગુંચવાયેલું છે અને તેની આગળ વાત કરીએ પરંતુ આ ડૉક્ટર ઝવાહિરી વિશે થોડું જાણીએ.

ઇજિપ્તના આ ડૉક્ટર ૨૦૧૧થી અલ-કાયદાના વડા તરીકે કામ કરતો હતો. ઓસામા બિન-લાદેનના મોત પછી બધો કારભાર ઝવાહિરીને માથે હતો. અલ કાયદાએ કરેલા મોટા આતંકી હુમલા જેવા કે 1998માં ઇસ્ટ આફ્રિકામાં અમેરિકન એમ્બસી પર હુમલાથી માંડીને 2011માં થયેલા 9/11ના હુમલામાં તેનો હાથ હતો. ઇજિપ્તની ઇસ્લામિક જિહાદના શરૂઆતી દિવસોથી તેનો હિસ્સો રહેલા ઝવાહિરી 9/11ના વખતથી અલ-કાયદામાં બીજા નંબરે હતો. સર્જનની ડિગ્રી મેળવનારા ઝવાહિરી આતંકી જૂથોમાં યુવાન વયેથી પ્રવૃત્ત હતો.

સ્યુસાઇડ બોમ્બિંગને અલ-કાયદાની પેટર્ન બનાવવામાં ઝવાહિરીનો હાથ હતો.  ઝવાહિરીનો આતંકવાદી તરીકેનો બાયોડેટા ઘણો લાંબો છે અને લાદેન સાથે જોડાઇને તેણે ઇજિપ્તમાં જે તરકીબો અપનાવવાની કોશિશ કરી હતી તે બધી અલ-કાયદામાં અમલમાં લાવીને ઇસ્લામિક જિહાદને વધુ ધારદાર બનાવી. લાદેન સાથે આફ્રિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ બધે જ ઝવાહિરી ફર્યો. US અધિકારીઓ અનુસાર થોડા વખત પહેલાં સુધી તે પાકિસ્તાનમાં સંતાયેલો હતો અને આ વર્ષની શરૂઆતમાં તે અફઘાનિસ્તાન આવ્યો હતો કારણ કે તેને તાલીબાની રાષ્ટ્રમાં પોતે સલામત રહેશેની ખાતરી હતી. તેની આ ખાતરીનો પુરાવો એ હતો કે તે બિંધાસ્ત બાલ્કનીમાં કલાકો વિતાવતો, તે છુપાઇને ન રહેતો. આવા સંજોગો હોય ત્યારે તાલીબાનને કારણે અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથ પાંગર્યા ન કરે તેનું ધ્યાન માત્ર USAએ નહીં પણ આખી દુનિયાએ રાખવું પડશે.

કોરોનાવાઇરસના ભરડામાં સપડાયેલા વિશ્વને જીવ બચાવવાની લડત ચાલતી હતી ત્યારે આતંકવાદીઓ પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતા. 2020ના માર્ચમાં ઇસ્લામિક સ્ટેટ – IS- દ્વારા ઇજીપ્ત, નાઇગર, નાઇજીરિયા, ફિલીપિન્સ, યમન અને સોમાલિયામાં આતંકી હુમલા કરાયા.  2020ના એપ્રિલમાં ઇરાક માત્રમાં ISએ 100 જેટલા હુમલા કર્યા હતા.  જેહાદીઓ અને કટ્ટરવાદીઓનું જોખમ બદલાયેલા વલણ સાથે આજે પણ દુનિયા આખી પર યથાવત્ છે.

ટેક્નોફોબિયા, સેલડ બાર આઇડિયોલૉજી, ઇન્સેલ આઇડિયોલૉજી જેવી જાતભાતની માનસિકતાઓ વધુ ડરામણા-જોખમી અને જીવલેણ આતંકીઓ તૈયાર કરી રહી છે. આવનારા વર્ષોમાં આતંકવાદની પદ્ધતિઓમાં પણ બદલાવ આવશે. યુરોપ, USA, કેનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં વેક્સિનનો વિરોધ કરનારા જમણેરી કટ્ટરપંથીઓ સાથે મળી જઇને હિંસક દેખાવો કરી ચૂક્યા છે. વળી ઇરાન, ઇઝરાયલ અને તેહરાન જેવા દેશો શસ્ત્રોને મામલે ચૂપચાપ પોતાના બાવડાં મજબૂત કરી રહ્યાં છે. રાજકીય આતંકવાદ આધુનિક વિશ્વની વાસ્તવિકતા છે. 

વિશેષજ્ઞોનું માનવું છે કે USA જે રીતે કાઉન્ટર ટેરરિઝમમાં સફળતા મેળવશે તેમ તેમ જેહાદી ચળવળનું વિકેન્દ્રીકરણ થશે અને પશ્ચિમી દેશોમાં સ્થાનિક કટ્ટરપંથીઓ પેદા કરવા પર તેઓ વધુ ધ્યાન આપશે. આતંકીજૂથોએ રોગચાળાનો પૂરતો લાભ લીધો છે અને નાગરિકો તથા સરકારો સામે હિંસાનો મારો ચાલુ જ રાખ્યો છે.  વળી આફ્રિકા વગેરેમાં જ્યાં તેઓ રોગચાળાને ઇશ્વરનો શ્રાપ કહી લોકોને ડરાવી શક્યા ત્યાં તેમણે નવા લોકોને ઉપરવાળાનો ભય બતાવી આતંકી જૂથમાં ભેળવી લેવાનું કામ પણ કર્યું છે.

હવે વૈશ્વિક ફલકથી ફરી એક વાર પાડોશી દેશોમાં પળાતા આતંકવાદીઓની વાત કરીએ. 80ના દાયકાથી પાકિસ્તાને ભારતમાં આતંકવાદ ફેલાવ્યો છે. USAની વાત કરીએ તો ભારતમાં 1999માં જ્યારે તાલીબાને ISI સ્પોન્સર્ડ IC-814 હાઇજેક કર્યું હતું USAને કંઇ ફેર નહોતો પડ્યો. ભારતે મુસાફરોને બચાવવા માટે ખૂંખાર આતંકીઓને છોડવા પડ્યા હતા. 2008માં જ્યારે મુંબઇમાં હુમલા થયા ત્યારે ભારત પાકિસ્તાન સામે હુમલો કરી બેસશેની ચિંતા USAને હતી અને તેમણે આપણને એમ કરતા રોકીને ખાતરી આપી કે પાકિસ્તાન આ હુમલાનું ષડયંત્ર કરનારાઓને પકડવામાં મદદ કરશે.

હવે આ તો USAની નીતિ દુનિયા માટે છે પણ જ્યારે પોતાના પગ તળે રેલો આવે છે, પોતાનો સ્વાર્થ જ્યારે જોખમાય છે ત્યારે તે કોઇ પણ હદે જાય છે. જેમ કે 9/11 પછી તાલીબાન પાસેથી USAએ બિન-લાદેન માંગ્યો અને જ્યારે એ ન થયું ત્યારે અફઘાનિસ્તાનમાંથી તાલીબાનને હાંકી દઇ USAએ પોતે ત્યાં કબજો કરી લીધો. આઇસીસ અને બીજા આતંકી જૂથોએ અમેરિકા સામે હુમલાની યોજનાઓ ચાલુ રાખી તો USAએ ડ્રોન સ્ટ્રાઇક્સ કરવાનું શરૂ કર્યું. USના વડા પાસે એ નામોની યાદી જાય જે USA માટે જોખમી છે અને પ્રેસિડન્ટ નક્કી કરે તેને ટાર્ગેટ પર લઇને તેનો ખાત્મો બોલાવી દેવાય. આખા ખેલમાં પાકિસ્તાનની ગણતરી એવી કે પોતાને ખબર છે કે લોન પર જીવવાનું છે, USAની જરૂર પડશે એટલે જ્યાં લાગે ત્યાં માહિતી આપી દઇ USની નજરમાં સારા થઇ જવાનું.

ભારતે પોતાના પાડોશીઓને કારણે બહુ વેઠ્યું છે પણ કમનસીબે USAના ચંચુપાત વગર આપણે આતંકીઓ સામે સીધાં પગલાં નથી લઇ શકતા. ભારતની આતંકવાદ સામેની લડતની વાત કરીએ તો સ્પેશ્યલ ઑપરેશન્સમાં રાજકીય નેતૃત્વનો મોટો હિસ્સો હોય છે. આર્મી, નેવી કે એરફોર્સ ધારે તો એક થઇને દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે પણ તેમ કરવાની મંજૂરી તેમને પ્રેસિડન્ટ પાસેથી મળવી જોઇએ. CIA પાસે જે સવલતો છે તે હજી ભારત પાસે નથી. આપણે પહેલાં એ ક્ષમતા ખડી કરવી પડે.

બાય ધ વેઃ
USA જે કરે છે તે ભારત કરી શકે? – એવો સવાલ થાય જ કારણ કે મુંબઇ હુમલાના આરોપીઓ હોય કે પ્લેનના અપહરણકર્તાઓ હોય કે પછી દાઉદ ઇબ્રાહિમ જ કેમ ન હોય? – આપણા બધા શત્રુઓ સાવ પડખે જ છે અને તે ય છૂટા ફરે છે. બાલાકોટ પછી આપણને એવું કશું પણ કરતા રોકવામાં આવે છે જે USA પોતે કરે છે. તાલીબાનીઓ કે પાકિસ્તાની સૈન્યને ન્યાયનો કોન્સેપ્ટ ખબર જ નથી પણ આપણે USA સાથે સારાસારી રાખવી પણ જરૂરી છે એટલે આપણે એમના જેવું નહીં કરી શકીએ.

Most Popular

To Top