Gujarat

ગુજરાતના આ ગામમાં કાકી પર બળાત્કાર ગુજરનાર ભત્રીજા સહિત ત્રણને ફાંસી

ખેડા: ખેડા(Keda)નાં કપડવંજ(kapadvanj) તાલુકામાં પરિણીતા પર ગેંગરેપ કેસ(Gangrape case)માં ત્રણ નરાધમોને ફાંસીની સજા સંભળાવી છે. કપડવંજ સેશન્સ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2018માં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર આ ત્રણ લોકોએ બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દીધી હતી. આ કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો.

ગુજરાતમાં રેપ કેસમાં ચુકાદાઓ ઝડપી થવા લાગ્યા છે. ત્યારે વધુ એક ગેંગ રેપનાં કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કેસની વિગત જોઈએ તો 28 ઓકટોબર 2018નાં રોજ ખેડા જીલ્લાના કપડવંજના નિરમાલી ગામની સીમમાં એક પરિણીતા પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. નિરમાલી ગામે કિરણ દેવીપુજકની બહેન સંગીતાના લગ્ન મોટીઝેરના મુકેશ દેવીપૂજક સાથે થયા હતા. સંગીતાબેનને પોતાના જ ભત્રીજા ગોપી ઉર્ફે લાલા દેવીપુજક સાથે પ્રેમ સંબંધ હતો.

પહેલા અપહરણ કર્યું, પછી નગ્ન કરી બળાત્કાર ગુજાર્યો
ઘટના બની તે દિવસે મુકેશભાઈ મજુરીકામથી બહાર ગયા હતા અને સંગીતાબેન પોતાના પિયર નિરમાલી જઈ રહ્યા હતા. આ દરમિયાન મોટીઝેર નજીક સંગીતાબેનની એકલતાનો લાભ લઈ કપડવંજ તાલુકાના શિહોરા ગામના જયંતિ બબાભાઈ વાદી તથા લાલા રમેશભાઈ વાદી પોતાની બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતું. ત્યારબાદ નગ્ન કરી બંને નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ભત્રીજો નજરોનજર જોઈ ગયો હતો.

ભત્રીજાને ધમકી આપી દુષ્કર્મ કરવા મજબુર કર્યો
ગોપીએ અન્ય બે આરોપીઓને પૂછ્યું હતું કે, આ શું કર્યું? તો જયંતી અને લાલાએ કહ્યું હતું કે, ‘અમે અમારું કામ પતાવી દીધું તું તારુ કામ પતાવી દે’. જો અમારા કહેવા મુજબ નહી કરે તો તેને મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી અને ગોપીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવા મજબૂર કર્યો હતો. ત્યાર બાદ આ ત્રણેય શખ્સોએ સંગીતાબેનના ગળા ઉપર પગ મુકી તેને મારી નાંખી હતી. તેમજ પુરાવાનો નાશ કરવા લાશને નગ્ન હાલતમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.

26 લોકોની જુબાની, 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા
બીજા દિવસે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં તેઓએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોચી ગયો હતો.સરકારી વકીલ મિનેષ પટેલે આ કેસમાં 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આજે કપડવંજ સેશન્સ કોર્ટનાં એડિ.ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ કેસમાં ત્રણેય નરાધમને ફાંસીની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે ભોગબનના૨નાં વારસદારોને 2 લાખ રૂપિયાચૂકવવાનો આદેશ કર્યો છે.

Most Popular

To Top